Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

વાંકાનેરના સિંધાવદરના કાસમપરા ગામના ગાડા માર્ગમાં અટકાયત નહિ કરવા હુકમ

રાજકોટ તા.૫: વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના કાસમપરા ખાતે ગાડામાર્ગ અંગે કોર્ટે મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

આ અંગેની વિગત એવી છે કે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે કાસમપરામાં રહેતા માણસીયા અબ્‍દુલરહીમ હાજીભાઇ સર્વે નં.૨૨૭/૧ તથા સર્વે નં.૨૪૭ની ખેતીની જમીનો ધરાવે છે અને આ બંને જમીનો એક જ દિશામાં અલગ અલગ જગ્‍યાએ આવેલ છે. આ ખેતીની જમીનોમાં ખેતીના હેતુ માટે આવવા-જવાનો રસ્‍તો અબ્‍દુલરહીમ માણસીયાના ઘરેથી નીકળી સિંધાવદર-જુની કલાવડીવાળા મુખ્‍ય રસ્‍તા ઉપર ઉતર-દક્ષિણ ચાલીને સદરહુ રસ્‍તાને અડોઅડ આવેલ સર્વે નં.૨૫૩ માં ઉતર બાજુએ ચાલીને સર્વે નં.૨૪૯માં પ્રવેશ કરીને દક્ષિણ બાજુએ ચાલીને સર્વે નં.૨૫૦માં પ્રવેશ કરીને દક્ષિણ બાજુએ ચાલીને સર્વે નં.૨૩૫ (સરકારી ખરાબા) માં ચાલીને પોતાના સર્વે નં.૨૪૭ તથા સર્વે નં.૨૨૭/૧ માં ખેતીકામ માટે આવતા-જતા અને ખેતીના સાધનો જેવા કે ગાડા, ટ્રેકટર વિગેરે જરૂરી તમામ વાહનો સદરહુ રસ્‍તેથી લાવે છે અને લઇ જાય છે અને આમ ખેતીના કામ માટે સદરહુ રસ્‍તાનો ઉપયોગ કરે અને રાજાશાહીના સમયથી તેઓના બાપદાદા સહીત આ રસ્‍તાનો આવવા-જવા ઉપયોગ કરે છે અને તેઓની ખેડવાણ જમીનોમાં આવવા-જવા માટેનો એકમાત્ર ગાડામાર્ગ આવેલો છે.

આ કામે અબ્‍દુલરહીમ માણસીયાના સગા ભાઇ ઇસ્‍માઇલભાઇ માણસીયાને પોતાની ખેતીની જમીનમાં આવવા-જવા માટેના ગાડામાર્ગમાં ગુલાબહુસેન આહમદ પરાસરા તથા જાહીદઅબ્‍બાસ માહમદ પરાસરા રહેવાસી બંને સિંધાવદર વાળાએ અટકાયત ઉભી કરતા ઇસ્‍માઇલભાઇ માણસીયાએ મામલતદાર કોર્ટમાં તે અંગેનો કેસ કરેલ.

આ કામ અબ્‍દુલરહીમ માણસીયાએ મામલતદાર શ્રી વાંકાનેર સમક્ષ પોતાનો રસ્‍તો ખુલ્લો કરાવવા માટે કેસ કરેલો અને જે કેસમાં મામલદારશ્રીએ સામાવાળાઓ એટલે કે આહમદભાઇ હયાતભાઇ પરાસરા, ઇસ્‍માઇલ સાવદી પરાસરા, ગુબાલહુસેન માહમદ પરાસરા, જાહીદઅબ્‍બાસ માહમદ પરાસરા વિરૂધ્‍ધ હુકમ કરીને અબ્‍દુલરહીમ માણસીયા, રહેવાસી સિધાવદરવાળાનો રસ્‍તો કાયમી ધોરણે ખુલ્લો રાખવા તથા તે રસ્‍તેથી ચાલતા કોઇ અટકાયત ન કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર અબ્‍દુલરહીમ માણસીયા વતી રાજકોટના સીનીયર એડવોકેટ મહેશ સી. ત્રિવેદી, કીરીટ સાયમન, ધર્મેન્‍દ્ર જરીયા, કિશન જોશી, ઘનશ્‍યામ પટેલ રોકાયેલ હતા.

(5:32 pm IST)