Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

મુખ્યમંત્રી આવાસ યોજનામાં સતત ત્રીજો ટાંકો ફાટયોઃ હવે સિમેન્ટના બનાવોઃ મેયર

અગાઉ બે વખત ટાંકા ફાટવાની ઘટનામાં તપાસનું ફીંડલુ વાળી દેવાયું હવે આ વખતે ગંભીરતા પૂર્વક તપાસ થવી જરૂરી : મધરાતે ધડાકાભેર ટાંકો ફાટતા રહેવાસીઓમાં દોડધામ :દિવાલ તૂટતા કાટમાળ નીચે પડયો : સદનસીબે કોઇ ઇજા કે જાનહાની નથી

કોર્પોરેશનના પોપટપરા-રેલનગર વિસતારમાં આવેલ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ૯પ ફલેટના યુનિટની અગાસી ઉપર રહેલ ર૦ હજાર લીટર પાણી ભરેલો પ્લાસ્ટીકનો ટાંકો મોડી રાત્રીના ધડાકાભેર એકાએક ફાટયો . ર૦ હજાર લીટર પાણીનો ટાંકો ધડાકાભેર ફાટયા બાદ સર્જાયેલ સ્થિતિની તસ્વીરમાં કાગળની માફક ફાટેલો ટાંકો નજરે પડે છે. અન્ય તસ્વીરમાં અગાસીની દિવાલ તૂટતા નીચે પડેલા ઇંટ અને ઢેફા દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. પ : શહેરના પોપટપરા-રેલનગર વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપના ૯પ ફલેટના યુનિટની અગાશી ઉપર રહેલ ર૦ હજાર લીટર પાણી ભરેલો પ્લાસ્ટીકનો ટાંકો ગત રાત્રીના ૧:૩૦ વાગ્યા આસપાસ ધડાકાભેર ફાટયો હતો. લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ અંગે મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયએ તપાસના આદેશ આપ્યા છે અને હવે આ ટાંકાઓ સીમેન્ટના બનાવવા જણાવ્યું હતું. આ ઘટના અંગે જાણવા મળ્યા મુજબ વર્ષ અગાઉ પોપટપરા, રેલનગર વિસ્તારમાં મ્યુ. કોર્પોરેશનના ઉપક્રમે કેન્દ્ર સરકાર પ્રેરીત મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળની સૌપ્રથમ કુલ ૧૬ ટાવરની આવાસ યોજનાનું લોકાર્પણ થયેલ.

આ આવાસ યોજનાનામાં ગત રાત્રીના ૧:૩૦ વાગ્યા આપાસ અગાસી પર રહેલ ર૦ હજાર લીટર પાણી ભરેલો પ્લાસ્ટીકનો ટાંકો ધડાકાભેર ફાટયો હતો. પાણીના ધોધથી અગાસીની દિવાલો તૂટી પડતા નીચેની તરફ ઇંટ તથો ઢેફાનો વરસાદ થયો હતો અને રહેવાસીઓમાં ભાગદોડ મચી હતી.

દરમિયાન મેયર ડો. જૈમનભાઇના જણાવાય મુજબ ગતરાત્રીના રેલનગરમાં રાજકોટ મહાનગરપાલિકાની છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં સિન્ટેકસનો પાણીનો ટાંકો તૂટવાથી ઘટનાને અત્યંત ગંભીરતાથી લક્ષમાં લઇ તાત્કાલીક બનાવ અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે અને હવે બાકીના ૧૧ ટાંકાઓ સીમેન્ટના બનાવવા જણાવ્યું હતું.  અત્રે નોંધનીય છે કે સપ્ટેમ્બર માસમાં એક દિવસે આજ ટાઉનશીપમાં બે વખત પાણીના ટાંકા તૂટવાની ઘટના ઘટી હતી.

(3:16 pm IST)