Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

રતનપર રામમંદિરે જાનકી આયુર્વેદીક ચિકિત્સાલયનું લોકાર્પણ

રાજકોટઃ શહેરની ભાગોળે મોરબી રોડ પર દર્શનીય યાત્રા સ્થળ શ્રી રામચરિત માનસ મંદિર રતનપર દ્વારા તબીબી સહાય પ્રવૃત્તિ અંતર્ગત સદ્દગુરૂ ભગવાન પૂ. શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ. શ્રી હરિચરણદાસજીના શુભાશિષથી કાયમી ધોરણે શ્રી જાનકી આયુર્વેદિક સાર્વજનિક ચિકિત્સાલયનો લોકાર્પણ-સેવાર્પણ સમારંભ તાજેતરમાં યોજાયો હતો. સીયારામ મંડળી ટ્રસ્ટ નિર્મિત આ સાર્વજનિક આયુર્વેદિક ચિકિત્સાલયનું ઉદ્દઘાટન ગુજરાત ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયા તથા ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહના હસ્તે થયું હતું. રામચરીત માનસ મંદિરના વિશાળ પટાંગણમાં આયોજિત આ સમારંભમાં અતિથિ વિશેષ પદે ગાર્ડી વિદ્યાપીઠ-આયુર્વેદ કોલેજના સંચાલક ડી. વી. મહેતા, સવાણી હોસ્પીટલના ટ્રસ્ટી ડો. વિવેકભાઇ જોશી રાજકોટ કોમોડીટી એક્ષચેન્જના ચેરમેન રાજુભાઇ પોબારૂ, ડો. દેવેન્દ્રભાઇ દેકીવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કાન્તીભાઇ નથવાણીએ કર્યું હતું. આ તકે વિવિધ દાતાઓએ મેડીકલ પ્રવૃત્તિઓ માટે દાનના આર્થિક સહયોગથી સરવાણી વહાવી હતી. આ પ્રસંગે સીયારામ મંડળીના કારોબારી સભ્યો, નામાંકિત તબીબો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સદ્દગુરૂભકતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ચિકિત્સાલય દૈનિક ધોરણે સોમવારથી શનિવાર પ્રતિદિન સવારે ૯ થી ૧ સુધી કાર્યરત રહેશે. જેમાં ડો. પ્રસંતાબેન ભરાડ સેવા આપશે. માનવ સેવા એ જ પ્રભુ સેવા એ સૂત્ર મુજબ આ કલીનીકમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના ટોકન દરે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ નિયમિતપણે સ્પેશીયાલીસ્ટ ડોકટરોના નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ તથા આરોગ્યલક્ષી વ્યાખ્યાન યોજાશે. તેમ સીયારામ મંડળીની યાદીમાં જણાવાયું છે.

(11:56 am IST)