Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પંચનાથ પ્લોટના કપડાના ધંધાર્થી તારક ભુવાએ ૩૦ લાખના વ્યાજમાં ફસાતાં ઝેરી દવા ગટગટાવી : બે વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કરાયો

રતનપરના જયપાલસિંહ ઝાલા અને રાજકોટના દિવ્યરાજસિંહ વાઘેલા સામે કાર્યવાહી

રાજકોટ : શહેરના પંચનાથ પ્લોટ મેઇન રોડ ભોજા મિત્રના ડેલા પાસે રહેતાં રેડિમેઇડ કપડાના ધંધાર્થી   તારકભાઇ રમેશભાઇ ભુવા (સોની) (ઉ.વ.૪૨)એ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તારકભાઇ ભુવાએ સવારે નવેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી નિવેદન નોંધવા અને ડી. ડી. લેવડાવવા તજવીજ કરી હતી. તારકભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત છે. તે રેડિમેઇડ કપડાનો ધંધો કરે છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ તારકભાઇએ ધંધાના કામ માટે અલગ અલગ લોકો પાસેથી રકમ ઉછીની અને વ્યાજ પેટે લીધી હતી. કોરોનાકાળને લીધે આવેલા લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઇ જતાં રકમ પાછી આપી શકાઇ નહોતી અને અમુકને વ્યાજ ચુકવી શકાયું નહોતું. આ કારણે ત્રીસેક લાખના વ્યાજના ચક્કરમાં આવી જતાં ઝેરી દવા પી લીધી હતી. રતનપરના જયપાલભાઇ પાસેથી તેર લાખ અને રાજકોટના દિવ્યરાજભાઇ પાસેથી તેર લાખ તથા અમુક વેપારીઓ પાસેથી ચારથી પાંચ લાખની રકમ લીધાનું જણાવાયું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 દરમિયાન સાંજે પોલીસે ઉક્ત બંને શખ્શો સામે ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે

(9:21 pm IST)