Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સરગમ પરિવાર દ્વારા દેવી દેવતાની વેશભુષામાં મુખ્યમંત્રીનુંં સન્માન

રાજકોટ : મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત રાજકોટની સતાવાર મુલાકાતે આવેલા ભુપેન્દ્રભાઈ પટેલનું સામાજિક સંસ્થા સરગમ પરિવાર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જાગનાથ ચોકમાં ઉભા કરવામાં આવેલા ખાસ સ્ટેજ ઉપરથી અંદાજે ૨૦૦ કિલો જેટલા ફુલની વર્ષા કરવામાં આવી હતી. બીજી તરફ દેવ દેવીઓના .ઐતિહાસિક પાત્રોને પણ સ્ટેજ પર જીવંત કરવામાં આવ્યા હતા. જાગનાથ મંદિર ચોકમાં ઉભા કરવામાં આવેલા વિશાળ સ્ટેજ ઉપર મન્સૂર ત્રિવેદી પ્રસ્તુત મેલડી કલર્સ ઓરકેસ્ટ્રાના સથવારે જાણીતા સિંગરો આસિફ ઝરિયા, સૈફુદ્દીન ત્રિવેદી, કાજલ કથરેચા, રોશની વગેરેએ દેશભકિતના ગીતોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમનું સંચાલન નિલેશ વસાવડાએ કર્યું હતું. દેશભકિતના ગીતોની રમઝટ સાથે સ્ટેજ ઉપર ઓર્ગેનાઇઝર હિતેશભાઈ વ્યાસ અને ટીમ ઓર્ગેનાઇઝર દર્શનાબેન બેઝના માર્ગદર્શન હેઠળ કાર્યકરો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી, રાધા કૃષ્ણ અને ગણપતિ મહારાજની વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, જગદીશભાઈ કિયાડા, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ચેતનાબેન સવજાણી, મધુરિકાબેન જાડેજા અને ભાવનાબેન મહેતા સહિત બંને કલબના કમીટી મેમ્બરે જહેમત ઉઠાવી હતી.

(4:08 pm IST)