Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પંચનાથ પ્લોટના કપડાના ધંધાર્થી તારક ભુવા ૩૦ લાખના વ્યાજમાં ફસાતાં ઝેરી દવા ગટગટાવી લીધી

ધંધા માટે રતનપર, રાજકોટના શખ્સો અને બીજા વેપારીઓ પાસેથી નાણા લીધા'તાઃ લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ થતાં વ્યાજ ન ભરી શકયાનું કથન

રાજકોટ તા. ૫: ધંધાકીય મંદીને કારણે અનેક વેપારીઓ, ધંધાર્થીઓ આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે અને વ્યાજના ચક્કરમાં ફસાયા છે. ગઇકાલે આવા ધંધાકીય તકલીફોને કારણે આર્થિક ભીંસ ઉભી થતાં એક યુવાને આપઘાત અને બીજાએ આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવ બન્યા હતાં. ત્યાં વધુ એક બનાવમાં પંચનાથ પ્લોટ મેઇન રોડ ભોજા મિત્રના ડેલા પાસે રહેતાં રેડિમેઇડ કપડાના ધંધાર્થી   તારકભાઇ રમેશભાઇ ભુવા (સોની) (ઉ.વ.૪૨)એ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

તારકભાઇ ભુવાએ સવારે નવેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી નિવેદન નોંધવા અને ડી. ડી. લેવડાવવા તજવીજ કરી હતી. તારકભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત છે. તે રેડિમેઇડ કપડાનો ધંધો કરે છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ તારકભાઇએ ધંધાના કામ માટે અલગ અલગ લોકો પાસેથી રકમ ઉછીની અને વ્યાજ પેટે લીધી હતી. કોરોનાકાળને લીધે આવેલા લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઇ જતાં રકમ પાછી આપી શકાઇ નહોતી અને અમુકને વ્યાજ ચુકવી શકાયું નહોતું. આ કારણે ત્રીસેક લાખના વ્યાજના ચક્કરમાં આવી જતાં ઝેરી દવા પી લીધી હતી. રતનપરના જયપાલભાઇ પાસેથી તેર લાખ અને રાજકોટના દિવ્યરાજભાઇ પાસેથી તેર લાખ તથા અમુક વેપારીઓ પાસેથી ચારથી પાંચ લાખની રકમ લીધાનું જણાવાયું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:14 pm IST)