Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ચીની નૌકાદળની વધતી તાકાત વિશ્વ માટે ગંભીર ખતરો

નૌકાદળની તાકાત ઝડપથી વધારી રહ્યું છે, શ્રીલંકાને દેવાની જાળમાં ફસાવી તેના બંદરો ઉપર કબ્જો કરી લીધોઃ ઈરાન અને સાઉદી અરેબીયાને અણુ અને મિસાઈલ ટેકનોલોજી ક્ષેત્રે મદદ કરી ત્યાં પણ પગપેસારો કર્યોઃ ભારતને ચારેબાજુથી ઘેરવાના પ્રયાસો : ચીનના તોળાઈ રહેલા આક્રમણને ધ્યાનમાં રાખી તાઈવાન પણ સજજઃ અમેરિકા અને તેના સાથી મિત્રોની કસોટી થવાની છે

ચીન જે ઝડપે પોતાના લશ્કરી દળોનું આધુનિકીકરણ અને વિસ્તરણ કરી રહ્યું છે તે આખા વિશ્વ માટે ભયજનક છે. ખાસ કરીને તેના નૌકાદળની વધતી તાકાત લોકશાહી રાષ્ટ્રો માટે ચિંતાજનક છે. માત્ર દક્ષિણ ચીન સાગરમાં જ નહી પરંતુ એશિયા - પેસિફિક વિસ્તાર અને હિદ મહાસાગરમાં પણ તેનો પગ પેસારો વધી રહ્યો છે. ભારતના નૌકાદળ કરતાં ચીનનું નૌકાદળ ત્રણ ગણા કરતાં પણ વધુ છે. ૨૦૧૯ માં ભારતના નૌકાદળમાં માનવ બળની સંખ્યા ૬૫,૦૦૦ હતી જયારે ચીનના નૌકાદળમાં આ સંખ્યા ૨,૩૫,૦૦૦ હતી. યુદ્ધ જહાજો, સબમરીન, વિમાનો, હેલિકોપ્ટરની સંખ્યા પણ ત્રણ ગણી હતી. ૨૦૧૪ પછી ભારત પણ પોતાના નૌકાદળની શકિતમાં સતત વધારો કરી રહ્યું છે પરંતુ ૧૯૯૪થી ૨૦૧૪ સુધી કેન્દ્રમાં સત્તામાં રહેલી નબળી મિશ્ર સરકારોએ ભારતીય સંરક્ષણ દળોના આધુનિકીકરણ અને વિસ્તાર, આધુનિક હથિયારોની આયાત, સંશોધન અને ઉત્પાદનના ક્ષેત્રે ઘોર બેદરકારી દાખવી છે એ અત્યારે આપણને નડે છે. જ્યારે ચીનમાં સતત સામ્યવાદી પક્ષનું નિરંકુશ સાશન રહ્યું છે અને ત્યાં કોઈના પણ વિરોધ અવરોધનો કોઈ અવકાશ જ નથી. એટલે ચીનની સરકાર જે રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કરે તેને હાંસલ કરવા માટે ધારે તે કરી શકે છે. ત્યાં શાહીન બાગ કે દિલ્હીની બોર્ડર ઉપર એક વર્ષ સુધી રસ્તા રોકીને કરવામાં આવેલ ખેડૂત આંદોલન જેવું આંદોલન કરવાનું કોઈના માટે પણ શક્ય નથી. ત્યાં તો માઓનું એક વાક્ય જ પૂરતું છે કે ''સત્તા તો બંદૂકના નાળચામાંથી આવે છે.'' એકજ દાખલો પૂરતો છેઃ ભારતના હવાઈ દળ માટે આધુનિક વિમાનો ખરીદવાના હોય ત્યારે સમિતિ નીમાય, વિવિધ વિમાનોનાં પરીક્ષણ થાય પછી સમિતિ પોતાનો અહેવાલ સરકારને આપે અને તેના ઉપર વર્ષો સુધી કોઈ નિર્ણય ન લેવાય આને ઘોર બેદરકારી સિવાય શું કહી શકાય ? અને મોદી સરકાર રાફેલ વિમાનો ખરીદવાનો ત્વરિત નિર્ણય કરીને તેનો અમલ કરે ત્યારે વિરોધ પક્ષો આક્ષેપો કરે અને નીમ્ન કક્ષાનું રાજકારણ રમે. આવુ આપણા દેશમાં જ શકય છે.

વાત આપણે ચીની નૌકાદળની કરીએ છીએ ત્યારે તાજેતરની એક ઘટના બહુજ મહત્વની છે. થોડા દિવસો પહેલા જર્મનીએ પોતાનું બાયરન નામનું યુદ્ધ જહાજ સિંગાપુરના સાગર કાંઠે ડોક કર્યું. તેના અનુસંધાને જર્મનીના નૌકાદળના વડા વાઈસ એડમિરલ કાય અચિમ શોનબેચ સિંગાપુરની મુલાકાતે ગયા ત્યારે તેમણે કહ્યું કે ચીનના નૌકાદળની વધતી જતી તાકાત ભારે ખતરનાક અને ચિંતાનું કારણ છે. ચીન દર ચાર વર્ષે પોતાના નૌકાદળની તાકાત ફ્રાન્સના નૌકાદળ જેટલી વધારી રહ્યું છે.''  અત્રે એ યાદ રહે કે વિશ્વમાં નૌકાદળની તાકાતના સંદર્ભમાં ફ્રાન્સનું નૌકાદળ આજે સાતમા નંબરે છે, ભારતનું નૌકાદળ છઠ્ઠા ક્રમે છે. તેના ઉપરથી અંદાજ લગાવી શકાય કે ચીન કઈ ઝડપે પોતાનું નૌકાદળ વિસ્તારે છે. ચીને બાંગ્લાદેશને, મ્યાનમારને, અને શ્રીલંકાને સબમરીન આપી છે. શ્રીલંકાને દેવાની જાળમાં ફસાવીને તેના બંદરો ઉપર કબ્જો કર્યો છે. માલદીવમાં અને જીબુટીમાં તેણે નૌસૈનિક મથકો સ્થાપ્યા છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ના અંચળા હેઠળ પાકિસ્તાનના ગ્વાદર બંદર ઉપર તેનો કબ્જો છે. ઈરાન અને સાઉદી અરેબીયાને અણુ અને મિસાઈલ ટેકનોલોજી ક્ષેત્રે મદદ કરીને ત્યાં પગ પેસારો કર્યો છે. આફ્રિકાના ઘણા દેશોને આર્થીક વિકાસમાં મદદના ઓઠા હેઠળ ત્યાં પોતાનો વગ વિસ્તાર કરી ચૂક્યું છે. આમ ભારતને ચારે બાજુથી ઘેરવાનાં સતત પ્રયત્નોમાં ચીન સફળ થઈ રહ્યું છે એ ભારત માટે ચિંતાજનક છે.

ચીની નૌકાદળની વધતી તાકાત ફકત ભારત માટેજ નહી પણ અમેરીકા અને વિશ્વના તમામ લોકશાહી દેશો માટે ભયજનક છે. અમેરિકાનાં સંરક્ષણ વિભાગના તાજેતરના રીપોર્ટ મુજબ ચીન વિશ્વનો સૌથી મોટો જહાજ ઉત્પાદક દેશ છે અને આ બાબતમાં તે લગભગ આત્મનિર્ભર બની ચૂક્યું છે. ચીન પાસે અત્યારે પોતે બાંધેલું એક એરક્રાફ્ટ કેરિયર છે અને ૨૦૨૪ સુધીમાં બીજું એક એરક્રાફ્ટ કેરિયર પોતાના નૌકાદળમાં ઉમેરવા માટે કટિબદ્ધ છે. ૨૦૨૫ સુધીમાં તે ૬પ થી ૭૦ સબમરીન ધરાવતું હશે જેમાં સાત અણુશકિત સંચાલિત સબમરીન હશે. અત્યારની સ્થિતિએ અમેરિકાનું નૌકાદળ દુનિયા ભરમાં ફેલાયેલા તેના નૌકા મથકો, તેના એર ક્રાફટ કેરિયરની સંખ્યા,અને તેમાં તૈનાત યુદ્ધ વિમાનો, તેની અણુશકિત સંચાલિત સબમરીનની સંખ્યા, તેના અણુ શસ્ત્રોનો ભંડાર અને તેના શકિતશાળી મિસાઈલની દુનિયાના કોઈ પણ ખૂણે ગમે ત્યારે ત્રાટકવાની શકિતની દ્રષ્ટિએ પહેલા નંબરે છે અને ચીન પાસે યુદ્ધ જહાજોની સંખ્યા વધારે હોવા છતાં તે બીજા નંબર ઉપર છે.

ગયા અઠવાડિયે અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકેન ઇંડો પેસેફિક વિસ્તારના પ્રવાસે હતાં એ દરમ્યાન તેણે ચીનને તેના આક્રમક કરનામાનો ત્યાગ કરવાનો અનુરોધ કર્યો. હાલમાં જર્મનીએ પોતાની એક ફ્રીગેટ સિંગાપુરના કાંઠે તૈનાત કરી છે અને એ વિસ્તારની સલામતી અને સ્થિરતા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. અમેરિકા અને બ્રિટનના યુદ્ધ જહાજો દક્ષિણ ચીન સાગરમાં મોજૂદ છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ''ઔકુશ'' સમજૂતી હેઠળ અમેરિકા ઓસ્ટ્રેલિયાને અણુ સબમરીન અને તેને લગતી ટેકનોલોજી આપવા જઈ રહ્યું છે. જાપાન પોતાના સંરક્ષણ દળોનું આધુનિકીકરણ અને વિસ્તાર કરી રહ્યું છે. ચીનના તોળાય રહેલા આક્રમણને ધ્યાનમાં રાખીને તાઇવાન પણ સજ્જ થઈ રહ્યું છે. બધાનું નિશાન ચીની ડ્રેગન છે તેમ છતાં પણ ચીન તાઇવાન ઉપર કબ્જો કરવા ઉતાવળું થયું છે. સ્થિતિ ભારે વિસ્ફોટક છે. અમેરિકા અને તેના સાથી રાષ્ટ્રોની આ મુદ્દે કસોટી થવાની છે. અમેરિકા જો તાઇવાનનું રક્ષણ નહિ કરી શકે તો તેની આબરૂ અને વિશ્વસનીયતાના ધજાગરા ફાટી જશે. બીજી બાજુ યુક્રેનની સરહદે રશિયાએ દોઢ લાખથી વધારે લશ્કર ગોઠવ્યું છે તેની સામે અમેરિકા અને તેના સાથી રાષ્ટ્રોએ બાંયો ચડાવી છે અને આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના પ્રમુખ પુતિન એક બીજાને ગંભીર પરિણામોની ધમકી આપી રહ્યા છે. વિશ્વ આખું આજે દારૂ ગોળાના ઢેર ઉપર બેઠું છે. વિશ્વ શાંતિનું ભાવિ ત્રાજવે તોળાય રહ્યું છે.(૩૦.૧૧)

આલેખનઃ આર. બી. ગણાત્રા, રાજકોટ (મો.૯૪૨૮૨ ૦૨૦૩૯ )

(2:44 pm IST)