Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

હાથીખાનામાં ગાળો દેવાઇ હોઇ ખાર રાખી નોહિન, આફતાબ અને શાહબાઝે કારના કાચ ફોડ્યાનું રટણ

એ-ડિવીઝન પોલીસે કલાકોમાં રામનાથપરાના શખ્સોને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૫: રામનાથપરા હાથીખાના મેઇન રોડ પર રામમઢી મંદિર પાસે રહેતા રાજકીય આગેવાન અને તેના પાડોશીની મળી ત્રણ કાર અને એક બુલેટમાં તોડફોડ કરનાર ત્રીપુટીને એ-ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં પકડી લીધા હતા. અગાઉં થયેલી બોલાચાલીનો ખાર રાખી તોડફોડ કર્યાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત મુજબ હાથીખાના મેઇન રોડ રામમઢી મંદિર પાસે રહેતા રાજકીય આગેવાન ગૌતમભાઇ કાનગડની બેકાર અને પાડોશી નિલેષભાઇ સોનીની એક કાર અને અન્ય એક બુલેટમાં પરમ દિવસે વહેલી સવારે એકટીવા પર આવેલા ત્રણ શખ્સોએ પથ્થરમારો કરી તેમજ ડીસમીસથી ઘા મારી નુકસાન કરી ભાગી ગયા હતા. આ બનાવ અંગે ગઇકાલે સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ ગૌતમભાઇ ભત્રીજાએ એ-ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અરજીરૂપે ફરિયાદ દાખલ કરી પી.આઇ. સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ તથા એ.એસ.આઇ. બી.વી.ગોહિલ, હેડ કોન્સ. વી.ડી.ઝાલા, કોન્સ. કે.એસ.ઝાલા, કોન્સ. હરપાલસિંહ, સાગરદાનભાઇ, મેરૂભા ઝાલા તથા હરવિજયસિંહ ગોહિલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. કે.એસ.ઝાલા તથા કોન્સ. હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે વાહનોમાં તોડફોડ કરનારા નોહીન ઉંર્ફે નોઇલો નજીરખાન પઠાણ (ઉં.૨૯) (રહે. રામનાથપરા હુશેની ચોક) તથા ઘાંચીવાડના આફતાબ કાદરભાઇ ગાલબ (ઉં.૨૩) અને શાહબાઝ ઉંર્ફે બાઘો સલીમભાઇ ડોસાણી (ઉં.૨૨)ને રામનાથપરા વિસ્તારમાંથી પકડી લઇ જીજે૩એલકયુ-૫૮૩૮ નંબરનું એકટીવા કબ્જે કર્યું હતું. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા આફતાબને અગાઉં ગૌતમભાઇ સાથે બોલાચાલી થઇ હતી તે બાબતનો ખાર રાખી તેના વાહનમાં તોડફોડ કરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(2:38 pm IST)