Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મધુરમ્ કન્ટ્રકશનવાળા હાર્દિક અને મયુર મને જીવવા નહિ દે...ઇજનેરે પત્નિ સાથે આ વાત કર્યા બાદ જીવ દીધો'તો

ન્યારી ડેમમાં કૂદી આપઘાત કરી લેનારા પરેશભાઇ જોષીએ ૨૭, ૨૮, ૨૯ અને ૩૦મીએ એમ સતત ચાર દિવસ સુધી પત્નિ મિલી જોષી સમક્ષ ત્રાસ હોવાની કથની વર્ણવી હતી : તાલુકા પોલીસે ગુનો દાખલ કરી મધુરમ્ના એન્જિનિયર હાર્દિક અને સુપરવાઇઝર મયુરને સકંજામાં લઇ પુછતાછ આદરીઃ ઇજનેર પરેશભાઇ જોષીએ ૩૦મીએ સવારે નવાગામની સાઇટ પર જતાં હાર્દિક અને મયુરે ત્યાંથી ભાગી જવા કહેલું, ગામલોકોને તેમના વિરૂધ્ધ કરી દેશે તેવી ધમકી આપેલી'...બપોરે ૩:૫૦ વાગ્યે પત્નિ સાથે આ વાત કરી ઘરેથી નીકળ્યા અને સાડા છએક તેમના આપઘાતના વાવડ મળ્યા : ૨૯મીએ પરેશભાઇએ પત્નિને કહેલું- મધુરમ્ કન્ટ્રકશનવાળા અને ઉપરી અધિકારીઓ વચ્ચેની તકરારમાં હું પિશાવ છું, ત્રાસી ગયો છું!... : પત્નિ સતત સાંત્વના આપતાં હતાં :૩૦મીએ સવારથી જ ઇનજેરની ઓફિસમાં તેની સામે હાર્દિક અને મયુરે બેસી રહી બીલીંગ પ્રોસેસ તત્કાલ કરી દેવા દબાણ કર્યુ હતું : મ્યુ. કોર્પોરેશનના ઇજનેર પરેશભાઇ જોષીને મરવા મજબૂર કરનારા નવાગામનું આર.સી.સી. રોડનું કામ રાખનાર મધુરમ્ કન્ટ્રકશનના એન્જિનીયર હાર્દિક ચંદારાણા અને સુપરવાઇઝર મયુર ઘોડાસરા સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યોઃ બંને સકંજામાં

રાજકોટ તા. ૫: મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનીયર સાધુ વાસવાણી રોડ પરના ગંગોત્રી પાર્કમાં આવેલા પામ યુનિવર્સ એપાર્ટમેન્ટ-૧૪૦૪માં રહેતાં પરેશભાઇ ચંદ્રકાંતભાઇ (પી.સી.) જોષી (ઉ.વ.૫૦)એ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવમાં મધુરમ્ કન્ટ્રકશન એજન્સીના એન્જિનીયર અને સુપરવાઇઝરનો ત્રાસ કારણભુત હોવાની વિગતો સામે આવતાં તાલુકા પોલીસે આપઘાત કરનાર ઇજનેરના ધર્મપત્નિ મિલીબેન પરેશભાઇ જોષી (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી મધુરમ કન્ટ્રકશનવાળા હાર્દિક કાંતિભાઇ ચંદારાણા અને સુપરવાઇઝર મયુર જગદીશભાઇ ઘોડાસરા સામે ઇજનેર પી. સી. જોષીને મરી જવું પડે તે હદ સુધી ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે. આ બંને નવાગામમાં આર.સી.સી. રોડના કામની સાઇટ પર ઇજનેર પી. સી. જોષીને ફરકવા દેતાં નહોતાં અને ગામલોકોને તેમના વિરૂધ્ધ ઉશ્કેરશે તેવી ધમકી આપતાં હતાં. ઉપરાંત બીલીંગ પ્રોસેસ તત્કાલ કરી દેવા કહી બંને ઇજનેર સામે ઓફિસમાં જ બેસી રહ્યા હોઇ સતત ત્રાસથી ઇજનેર જોષી કંટાળી જતાં મરી જવા મજબૂર થયાની વિગતો ખુલી છે.

મિલીબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મારા પતિ પરેશભાઇ જોષી આર.એમ.સી.ના ઇસ્ટ ઝોન ભાવનગર રોડ ખાતે વોર્ડ નં. ૫માં એડીશનલ આસી. એન્જિનીયર તરીકે નોકરી કરતાં હતાં. ગત તા.૨૭/૧૨/૨૦૨૧ ના રોજ હું તથા મારા પતિ અને બાળકો ઘરે હાજર હતા ત્યારે મારા પતિ બેચેનીમાં ટેન્શનમાં હોય તેમ લાગતું હતું. જેથી મે તેઓને બેચેનીનુ કારણ પુછતા તેમણે મને જણાવ્યું હતું કે, 'હાલ નવાગામથી હાઇવે સુધી આરસીસી કામ ચાલે છે. આ કામ બાબતે મધુરમ્ કન્ટ્રકશનવાળા હાર્દિકભાઇ અને મયુરભાઇ અવાર-નવાર મને મારું કામ કરવા દેતા નથી અને હું સાઇટ પર જઇ રોડ મેપીંગ તથા રોડ લેયરનું કામ કરતો હોઉ ત્યારે મારી સાથે બોલાચાલી કરે છે અને મને સાઇટ પર આવવાની જ ના પાડે છે. તેમજ આજે (૨૭મીએ) સવારે પણ હું તથા જતીનભાઇ જયસુખલાલ સાઇટ પર જતાં હાર્દિકે મને ફોન કરી સાઇટ પરથી ચાલ્યા જવાનું અને જો નહિ જાય તો ગામલોકોને ત્યાં મારા વિરૂધ્ધમાં મોકલવાની વાત કરી હતી.

મારા પતિએ મને આ વાત કરતાં મેં તેઓને સાંત્વના પાઠવી હતી. એ પછી ૨૮/૧૨ અને ૨૯/૧૨ના રોજ રાત્રે મારા પતિ ઓફિસનું કામ પુરુ કરી ઘરે આવતાં ખુબ જ ચિંતામાં જણાયા હતાં. મેં પુછતાં તેમણે કહેલું કે- મધુરમ્ કન્ટ્રકશનવાળા હાર્દિક અને મયુર નવગામની સાઇટ પર સરખુ કામ કરતાં નથી. ચેક કરવા જાઉ તો મારા વિરૂધ્ધમાં ગામલોકોને ઉશ્કેરે છે અને કામ સરખુ કરતાં જ નથી. આ બાબતે ઉપરી અધિકારી તથા મધુરમ્ કન્ટ્રકશન વચ્ચેની તકરારમાં હું પિશાવ છું અને ત્રાસી ગયો છું. આવી વાત મને કરી હતી. જેથી મેં તેમને આ બાબતે ઉપરી અધિકારીનું ધ્યાન દોરવાનું કહી ફરીથી સાંત્વના પાઠવી હતી.

મિલીબેને પોલીસ ફરિયાદમાં અગાળ જણાવયું છે કે ત્યારબાદ એટલે કે તા. ૩૦/૧૨ના રોજ સવારે મારા પતિ સમયસર ઓફિસે જવા નીકળી ગયા હતાં. બપોરના આશરે ત્રણેક વાગ્યે ઘરે જમવા આવ્યા ત્યારે પણ ખુબ જ ચિંતામાં લાગતાં હતાં. મેં તેમને ચિંતામાં કેમ છો? એવું પુછતાં જણાવેલ કે મધુરમ્ કન્ટ્રકશનવાળા હાર્દિક અને મયુર બંને મને જીવવા દેશે નહિ, આજે સવારે નવાગામની સાઇટ પર ગયેલો ત્યારે મને ફરીથી સાઇટ પરથી ચાલ્યા જવાનું કહેલું અને જો ત્યાંથી હું ન જાઉ તો ગામલોકોને મારા વિરૂધ્ધ રજૂઆત કરવા મોકલશે તેવી ધમકી આપી હતી. મારે શું કરવું એ સમજાતું નથી. આ પ્રકારની ચિંતાની વાત મારા પતિએ મને કરી હતી.

એ પછી તેઓ બપોરે ૩:૫૦ કલાકે ઘરેથી નીકળી ગયા હતાં. મેં તેમને જણાવેલ કે આજે કમલેશભાઇનો જન્મદિવસ છે તેથી આપણે ત્યાં જમવા જવું છે? તેમ પુછતાં તેમણે કહેલું હું આવી જાઉ પછી આપણે જઇશું. એ પછી તેઓ કોઇ સાથે ફોનમાં વાતો કરતાં કરતાં ઘરેથી નીકળી ગયા હતાં. સાંજે સાડા છ પોણા સાતે મને મારા મામીજી નેહલબેન વ્યાસનો ફોન આવ્યો હતો અને જણાવેલું કે પરેશભાઇએ ન્યારીડેમમાં પડી આત્મહત્યા કરી છે.

આ વાત માનવામાં આવતી નહોતી. ત્યાં મારા જેઠાણી મમતાબેન અને તેના દિકરા દિવ્યેશ આવી જતાં તેણે પણ મને આ વાત સાચી હોવાનું કહ્યું હતું અને મને સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે લઇ ગયા હતાં. પતિને મૃત હાલતમાં જોઇ હું ભાંગી પડી હતી. શું કરવું શું ન કરવું એની સમજાતું નહોતું. મારા પતિએ આવું પગલુ શા માટે ભર્યુ? એ ખબર પડતી નહોતી. એ પછી મેં મારી રીતે તપાસ કરતાં મારા પતિ સાથે નોકરી કરતા લોકોને મળતાં અને પતિએ જ્યાં આપઘાત કર્યો ત્યાં જઇ તપાસ કરતાં અને પતિના મિત્રોને પણ બનાવ બાબતે પુછતાં ખબર પડી હતી કે મધુરમ્ કન્ટ્રકશનને નવાગામમાં આર.સી.સી. રોડનું કામ મળ્યું છે. હાર્દિક અને મયુર બંને આ કન્ટ્રકશનનું કામ સંભાળે છે. આ બંને વારંવાર મારા પતિને તેઓ બીલીંગ પ્રોસેસ  ગયા વર્ષે કરાવવા દબાણ કરતાં હતાં.નવાગામ ખાતે મારા પતિ રોડ મેપીંગ અને રોડ લેયરનું ચેકીંગ કરવા ગયા ત્યારે પણત્યાં નહિ આવવા અને ચાલ્યા જવાનું કહી તેમજ ગામલોકો મારા પતિ વિરૂધ્ધ રજૂઆત કરશે તેવી ધમકી આપી ત્યાંથી ચાલી જવા કહેતાં હોઇ તેમજ ૩૦/૧૨ના રોજ સવારથી સાંજ સુધી મારા પતિના ટેબલ સામે જ હાર્દિક અને મયુર બેઠા રહ્યા હોઇ અને એ દિવસે બિલીંગ પ્રોસેસ કરી આપવા દબાણ કરતાં હોઇ જેથી આ બંનેના ત્રાસથી કંટાળીને મારા પતિએ આત્મહત્યા કરી લીધાનું જણાતાં બંને વિરૂધ્ધ મેં ફરિયાદ નોંધાવી છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી  જે. એસ. ગેડમની રાહબરીમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, ભરતભાઇ વનાણી સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:17 pm IST)