Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજકોટ-સૌરાષ્ટ્રમાં ખાદ્યો પદાર્થોમાં ભેળસેળિયા વેપારીઓએ માઝા મૂકી છે છતાં ફોજદારીને બદલે માત્ર દંડ ?!

બદામ, પનીર, ચીકી, હીંગ, સોસ, જેવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળો ખૂલી છે અને ૧૦ વેપારીઓ પાસે હજારોનો દંડ પણ લેવાયો છે : આર.ટી.આઇ. એકટીવીસ્ટ એડવોકેટ મનોજ કોટડીયા દ્વારા ખોરાકમાં ભેળસેળ અંગે તંત્ર કડક પગલા લ્યે તેવી માંગ

રાજકોટ, તા.પ : શહેર અને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિએ માઝા મૂકી છે. કેમ કે છેલ્લા કેટલાક દિવસોમાં ફ્રુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ હેઠળ અનેક ભેળસેળીયા વેપારીઓને જેલ તથા હજારોનો દંડ થયો છે. ત્યારે આવા ભેળસેળીયા વેપારીઓ સામે ફોજદારી પગલા કેમ નથી લેવાતા ? તેવો સવાલ આર.ટી.આઇ. એકટીવીસ્ટ અને એડવોકેટ મનોજ કોટડીયાએ ઉઠાવ્યો છે.

આ અંગે ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિના આગ્રણી અને આર.ટી.આઇ. એકટીવીસ્ટ મનોજભાઇ બી. કોટડીયાની યાદી જણાવે છે કે માહિતી અધિકાર કાનુન તળે મળેલ વિગતો મુજબ-રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળની પ્રવૃત્તિએ રોકેટની ગતિએ ઝડપ પકડેલ છે. નાગરિકોને ઉચ્ચા ભાવે ભેળસેળયુકત પદાર્થો ખોટી માહિતી અને ટે્રર્ડમાર્ક દર્શાવી વેંચવામાં આવે છે. આવા પદાર્થોથી બાળકોથી માંડી વૃદ્ધોમાં કેન્સરની બિમારીનું તત્વ વધે છે.

શ્રી કોટડીયાના જણાવ્યા મુજબ તાજેતરમાં જ નામાંકિત વેપારીને જેલની સજા તથા ૧ હજારના દંડ ફટકારાયેલ છે.

તેવી જ રીતે બદામ, ફરાળી ખાખરા, ગોળશીંગ ચીકી, ગોળ દાળીયા ચીકી, હેલ્થ ડ્રીંકસ, હીંગ, સેઝવાન સોસ વગેરે જેવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સબબ વેપારીઓને હજારો રૂપિયાનો દંડ ફટકારાયો છે. એટલુ  જ નહીં, નામાંકિત રેસ્ટોરન્ટોમાં અને ફરસાણની દુકાનોમાંથી પણ વાસી અખાદ્ય ખોરાક ઝડપી લઇ તેનો નાશ તંત્ર દ્વારા કરાઇ રહ્યો છે. ત્યારે હવે ખોરાકમાં ભેળસેળ અટકાવવા લોકોએ પણ જાગૃત થવું જોઇએ. તેમ યાદીના અંતે શ્રી કોટડીયાએ જણાવ્યું હતું.

(3:58 pm IST)