Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજકોટ પૂરવઠાની રાજ્યભરમાં નંબર વન કામગીરી : કુલ ૧૩ હજાર જેટલા શ્રમિકો - દિવ્યાંગો - વૃધ્ધ - વિધવાને NFSAમાં આવરી લીધા

સાયલન્ટ APL કાર્ડ હોલ્ડરોને NFSAમાંથી કાઢવાની કવાયત ચાલુ : ૮ હજાર રદ્દ કરી નખાયા : DSO પુજા બાવડા દ્વારા તાલુકા વાઇઝ કામગીરી કરાઇ : પુરવઠા ખાતાને કરાતો રીપોર્ટ

રાજકોટ તા. ૫ : તાજેતરમાં રાજ્ય સરકારે રાજ્યના દિવ્યાંગો, શ્રમીકો, વૃધ્ધો, વિધુર - વિધવા કે જેમની પાસે રાશનકાર્ડ છે પણ NFSA યોજનામાં સામેલ નથી, પરિણામે મફત ઘઉં - ચોખા વિગેરે જણસીનો લાભ મળતો નથી, તેવું જણાતા આ લોકોને ઉપરોકત યોજનામાં આવરી લેવા અંગે દરેક જિલ્લા પુરવઠા અધિકારીને સૂચના આપી હતી.

સરકારની આ સૂચના બાદ રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રે છેલ્લા ૩ મહિનાથી આ સર્વે શરૂ કરાવ્યો હતો, અને ૩૧ ડીસેમ્બરની ડેડલાઇન અન્વયે રાજ્યભરમાં રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રે નંબર વન કામગીરી કરી સરકારને રીપોર્ટ કરી દીધો છે.

આ અંગે અકિલા સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણા રાજકોટ શહેર - જિલ્લામાં તાલુકા વાઇઝ સર્વે કરી ખાત્રી કરી જિલ્લામાં કુલ ૧૩ હજાર જેટલા કાર્ડ હોલ્ડરો કે જેઓ NFSA યોજનામાં નહોતા તેમને આવરી લઇ તેમના ફોર્મ ભરાવી તેમના કાર્ડમાં નેશનલ ફૂડ સિકયુરીટીના સિક્કા લગાવી દેવાયા છે.

શ્રી પૂજા બાવડાએ જણાવેલ કે, આ યોજનામાં શહેર - જિલ્લામાં ૫૧૦૦ જેટલા બાંધકામ શ્રમિક પરિવારો, ૧૯૭૪ દિવ્યાંગો, ૪૧૮૩ વૃધ્ધો તથા ૧૬૬૪ જેટલા વિધવાઓને આવરી લેવાયા છે, આ તમામને NFSA યોજના હેઠળ મળતો તમામ લાભ - અનાજ શરૂ કરી દેવાયું છે.

દરમિયાન સરકારની સૂચના મુજબ સાયલન્ટ રહેલા APL કાર્ડ હોલ્ડરો કે જેઓ ભૂતકાળમાં NFSA યોજનામાં આવરી લેવાયા હતા પરંતુ કોઇ દિવસ સસ્તા અનાજની દુકાને આવ્યા નથી, કે આ યોજનાનો લાભ લીધો નથી તેવા કુલ ૭ થી ૮ હજાર જેટલા કાર્ડ NFSAમાંથી રદ્દ કરી દેવાયા છે અને હજુ આ ઝુંબેશ ચાલુ છે.

(3:20 pm IST)