Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

૬૦ કરોડની ઠગાઇમાં રામેશ્વર શરાફી મંડળીમાંથી ૪૦ રજીસ્ટર કબ્જેઃ બેંક ખાતાઓ અને મિલ્કતોની તપાસ

રાજકોટ તા.૫ :. ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ્દ ભવનના બીજા માળે ઓફિસ નં. એફ ૨૭, ૨૮માં બેસતી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો વિરૂધ્ધ નોંધાયેલી ૬૦ કરોડની ઠગાઇની ફરિયાદમાં ભકિતનગર પોલીસે ત્રણ આરોપીઓ મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાગરા (રહે. એ. પી. પાર્ક), વાઇસ ચેરમેન ગોપાલ લક્ષમણભાઇ રૈયાણી (રહે. ખોડીયાર સોસાયટી મેઈન રોડ નંદા હોલ પાછળ, 'માતૃ છાંયા') અને મેનેજર વિપુલ રતિભાઇ વસોયા (રહે. મહેશ્વરી સોસાયટી, ૪૦ ફુટ રોડ, દેવપરા પાછળ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ૧૦ દિવસના રિમાન્ડ મળતાં તપાસ આગળ ધપાવી છે. પોલીસે શરાફી મંડળીની ઓફિસની જડતી કરી અલગ-અલગ ૪૦ જેટલા રજીસ્ટર કબ્જે કર્યા છે.

કોૈભાંડના સુત્રધાર ચેરમેન સંજય દુધાગરાએ એવું રટણ કર્યુ હતું કે લોકડાઉન પછી રોકાણકારો દ્વારા ઉપાડ સતત વધી જતાં બેલેન્સ શીટ ઘટી ગઇ હતી અને મંડળીને તાળા મારવા પડ્યા હતાં. પોલીસ સુત્રધારની કરોડોની મિલ્કત કબ્જે કરવા કાર્યવાહી કરશે તેમજ આજે ઓફિસની જડતી થશે. સંજયના બે લેપટોપ પણ કબ્જે કરી તેમાંથી ડેટા કલેકટ કરવા પણ કાર્યવાહી થઇ છે. અત્યાર સુધીમાં પોલીસ પાસે છેતરાયેલા રોકાણકારોનો આંકડો ૨૦૦ થયો છે અને ઠગાઇનો આંક ૧૫ કરોડ સુધી પહોંચ્યો છે.

ભકિતનગર પોલીસે રોકાણકારો પૈકીના સંજય જયંતીભાઈ સોજીત્રા (ઉ.વ.૪૧)ની ફરીયાદ પરથી ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ફરીયાદી અને બીજા ૧૬ થાપણદારોએ જુદી જુદી સ્કીમમાં પોતાના નાણા રોકયા હતા. પાકતી તારીખે ફરીયાદીના ૩૧ લાખ ૬૭ લાખ અને અન્ય ૧૬ના ૨ કરોડ ૮૦ લાખ ૨૨ હજાર ૯૦૦ સહિત ૩ કરોડ ૧૧ લાખથી વધુ ઓળવી ગયાની ફરીયાદ નોંધી હતી. આ મામલે  મંડળીના વાઈસ ચેરમેન અને મેનેજરની ધરપકડ બાદ  સુત્રધાર અને ચેરમેન સંજય દૂધાગરાની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ત્રણેય દસ દિવસના રિમાન્ડ પર છે. મંડળીની ઓફિસમાંથી પોલીસને પુરાવા રૂપે મહત્વના સાબિત થાય તેવા ૪૦ રજીસ્ટર મળતાં કબ્જે કર્યા છે. હવે પોલીસ સંજય દૂધાગરાના બેંક ખાતાઓ અને મિલ્કતો બાબતે તપાસ કરશે.

એસીપી એચ. એલ. રાઠોડના માર્ગદર્શનમાં તપાસનીશ પી.આઇ. જે.ડી. ઝાલા, પીએસઆઈ જે.બી. પટેલ, નિલેષભાઇ મકવાણા સહિતની ટુકડી વધુ તપાસ કરે છે.

(12:44 pm IST)