Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજકોટની સુશિક્ષીત મહિલાને કેનેડામાં પતિએ કહ્યું તારામાં નહિ, તારા પગારમાં રસ છેઃ દારૂ પી ક્રુરતાપુર્વક સંબંધ બાંધતો

'લો'માં પીએચડી કરનારા ગોરાબેન ત્રિવેદીએ ઉમરમાં ૧૦ વર્ષ નાના નિરવ ઘોડાસરા સાથે લગ્ન કર્યા બાદ ત્રાસઃ સાસુએ કહ્યું તું અમારા પટેલની છોકરી જેવી કામઢી નથી, કામની બાવી છોઃ દિકરાને કેનેડામાં ધંધો કરવો છે, તારા પપ્પાને ઘરેથી પૈસા લઇ આવ...કહી ત્રાસ ગુજાર્યોઃ સસરા અને નણંદની પણ ચઢામણીઃ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ ચોંકાવનારી ફરિયાદઃ ચાર વર્ષ પહેલા નિરવ સાથે બીજા લગ્ન કરનાર ગોરાબેન ત્રણ માસથી રાજકોટ માવતરેઃ પતિ અચાનક કેનેડામાં સંપર્કવિહોણો થઇ ગયો અને છૂટાછેડાની નોટીસ મોકલીઃ આશરો ન હોઇ મજબૂર થઇ તેણીને રાજકોટ આવવું પડ્યું: ધંધા માટે પિતા પાસેથી લઇ પતિને ૪૫ લાખ આપ્યા પણ ધંધો કરવાને બદલે મરજી મુજબ ઉડાવી દીધાઃ પતિ દારૂ પીવામાં હજારો ડોલર ઉડાડી દેતોઃ માનસિક તકલીફ છે તેમ કહી કેનેડામાં પત્નિને પોલીસમાં પકડાવી દીધી!

રાજકોટ તા. ૫: દહેજધારા અને શારીરિક માનસિક ત્રાસનો વધુ એક કિસ્સો મહિલા પોલીસ મથકમાં નોંધાયો છે. હાલ યુનિવર્સિટી રોડ પર રામ પાર્કમાં માવતરના ઘરે ત્રણેક મહિનાથી રહેતાં અને લોમાં પીએચડી કરી ચુકેલા ગોરાબેન નિરવભાઇ ઘોડાસરા (ઉ.વ.૪૧)એ સત્ય સાઇ હોસ્પિટલ રોડ સોૈરભ બંગ્લોઝ નિસર્ગ એ-૧૭ ખાતે રહેતાં પતિ નિરવ, સાસુ આશાબેન, સસરા મગનભાઇ પુંજાભાઇ ઘોડાસરા તથા નણંદ કનીકાબેન મગનભાઇ ઘોડાસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ હાલ કેનેડામાં જોબ કરે છે.

ગોરાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું ત્રણેક માસથી મારા મમ્મી-પપ્પા સાથે છેલ્લા ત્રણેક મહિનાથી રહું છું અને ઘરકામ કરૂ છું. મારા લગ્ન આજથી ચારેક વર્ષ પહેલા તા.૨૩/૦૧/૨૦૧૭ના રોજ રાજકોટના નીરવ મગનભાઇ ધોડાસરા સાથે થયેલ છે. આ મારા બીજા લગ્ન છે. અમે બંને એકબીજાને દસેક વર્ષથી ઓળખતા હોઇ અને અમારા બંનેના પરીવારની સહમતી હોય હું નિરવ કરતા ઉમરમાં દસ વર્ષ મોટી હોવા છતાં અમે એકબીજાના પરીવારની મરજી થી આ લગ્ન કરેલ અને નિરવ કેનેડામાં જોબ કરે છે અને આ લગ્ન જીવનથી મારે સંતાન નથી. મારા પપ્પાનું નામ નવીનચંદ્ર ત્રિવેદી તથા મમ્મીનું નામ મીનાક્ષીબેન ત્રિવેદી છે. હું બ્રાહ્મણ છું અને નિરવ પટેલ છે તેમજ મે લોમાં પીએચડી કર્યુ છે.

મારા લગ્ન રાજકોટમાં ગ્રાન્ડ રેજન્સી હોટલમાં થતાં હું મને આપેલ કરિયાવર સાથે મારા પતિને ઘરે સત્યસાઇ હોસ્પીટલ પાછળ રહેવા ગયેલ. ત્યાં મારા સાસુ આશાબેન, સસરા મગનભાઇ, નણંદ કનિકા સાથે રહેતી હતી. પતિ લગ્નના સાતેક દિવસ બાદ કેનેડા જતાં રહેલ અને પાછળથી આ મારા સાસુ-સસરાને પહેલેથી જ હું ગમતી ન હતી કારણ કે હું બ્રાહ્મણ હોઇ અને નિરવ કરતા મોટી હોઇ જેથી મને વારંવાર સંભળાવતાં કે અમારા પટેલની છોકરી બધુ ઘરનું કામ કરે તું આવડી મોટી હોવા છતા તને કાંઇ ઘરનું કામ આવડતું નથી. આ ઉપરાંત મેણા ટોણા માંરતા કે તારા પપ્પા તો આર્થીક સધ્ધર છે તુ કરિયાવરમાં કંઇ વધારે લાવેલ નથી અમારા પટેલમાં તો છોકરીઓ ઘણો કરિયાવ૨ લાવે. તેમ કહી આડકતરી રીતે વારંવાર પૈસાની માંગણી કરતા અને કહેતા કે નિરવનો ધંધો કેનેડામાં સેટ કરવો છે, તારા ૫પ્પાને કહે પૈસા આપે. આ બાબતે મેં મારા પતિ નિરવ સાથે  ફોન ઉપર વાત કરતાં તેણે પણ કહેલ કે હા આપણે કેનેડામાં ધંધો કરવો છે પણ મારી પાસે પૈસા નથી જેથી તારા મમ્મી -પપ્પાને કહે તો મદદ મળે. આમ નિરવ પણ આડકતરી રીતે પૈસાની લાલચમાં હતો અને ત્યારે ખબર પડી ગયેલ કે આ લાલચુ છે પણ મારા આ બીજા લગ્ન હોય જેથી મને એમ કે હું કેનેડા જઇશ એટલે સારૂ થઇ જશે.

 આમને આમ ત્રણેક મહીના હું અહી સાસરિયામાં રહેલ તે દરમ્યાન મારી નણંદ કનીકાબેન પણ મને કામકાજ બાબતે ટોર્ચર કરવા લાગેલ અને કહેતા કે ભાભી તમારૂ કામ સારૂ નથી, કામ કરતા આવડતુ નથી. સાસુ સસરા મને કહેતા કે ગોરી તારે આ છોકરીને સાચવવાની છે તારે અહી જ રહેવાનું છે. મે કેનેડા પતિ પાસે જવાનું કહેતા મારા સાસુ-સસરા અને નણંદએ મને ઘણી સંભળામણી કરેલ અને રોવડાવેલ. પણ હું આ બધું સહન કરતી બાદ મારા કેનેડાના વિઝા મળી જતા હું તા. ૦૫/૦૭/૨૦૧૭ ના કેનેડા જતી રહેલ ત્યાં નિરવ કેલગરી સીટી માં રહેતો હોય ત્યાં ગયેલ તો શરૂઆતથી જ નિરવ મારામાં રસ લેતો નહી અને લગ્ન જીવન ભોગવતો નહી તેમજ મારાથી દુર રહેતો હતો. મારી ઉંમર મોટી હોઇ જેથી મે નિરવને બાળક માટે વાત કરેલ તો નિરવએ કોઇ કારણોસર ના પાડેલ અને તું કંઇ કામ ધંધો કર ઘરમાં ને ઘરમાં જ રહે છે. તું મને બહુ ગમતી નથી તેમ કહી મારી સાથે ઝગડો કર્યો હતો.

મારા પતિને દારૂ પીવાની ટેવ હોઇ હજારો ડોલર દારૂ પીવા પાછળ ઉડાડી દેતાં પણ આ દરમ્યાન ૨૦૧૮માં મને ગર્ભાશયમાં ગાંઠ થયેલ તો મારી સરખી રીતે સારવાર પણ કરવી નહોતી. જેથી હું રાજકોટમાં સારવાર માટે આવેલ તો મારા સાસુ-સસરાએ મારો સપોર્ટ કરેલ નહી અને સારવારનો ખર્ચ મારા પિતાજીએ ભોગવ્યો હતો. એ બાદ હું કેનેડા પાછી ગઇ તો મારો પતિ મારી સાથે તોછડાઇ ભર્યું વર્તન કરતો અને મારી બાળક અંગેની માંગણી સ્વિકારતો નહી. આ દરમ્યાન મને લેબર જોબ મળતા હું કામે જતી અને મને એમ કે હવે નિરવ મને સ્વીકારશે, પણ ઉલ્ટાનું તેને મારા પગારમાં રસ હતો લગ્ન જીવનમાં તેને કોઇ રસ ન હતો. બાદ ૨૦૧૯ માં હું પાછી રાજકોટ આવેલ ત્યારે મેં નિરવના આ વર્તન બાબતે મારા સાસુ-સસરાને વાત કરી તો તેણે નિરવનો પક્ષ લઇ મારી સાથે ખરાબ વર્તન કરેલ અને મને જેમ ફાવે તેમ બોલેલ. નિરવએ પણ મારી સાથે સંપર્ક તોડી નાખેલ જેથી હું કેનેડા પાછી ગયેલ તો નિરવને ગમેલ નહી અને મારી સાથે ખરાબ વર્તન કરેલ જેથી મે આવા વર્તન બાબતે પુછતા તેણે કહેલ કે મને તારામાં રસ નથી તારા પૈસામાં રસ છે. તેમ છતા મને એમ કે સારૂ થઇ જશે.

આ દરમ્યાન મને ગર્ભ રહેતા આ વાત નિરવને ગમેલ નહી અને બાળક નહી રાખવા દબાણ કરેલ અને મને સતત માનસિક ત્રાસ હોય જેથી મીસકેરેજ થઇ જતા મારી સારવાર કરાવવાના બદલે અમારા ફેમેલી ડોકટરને હું માનસિક છુ તેવુ કહેલ. હું નોર્મલ હતી છતા નિરવએ કેનેડામાં મારા વિરૂધ્ધમાં પોલીસમાં ફરિયાદ કરેલ અને મને ત્યાંની પોલીસ લઇ ગયેલ અને ડોકટરની સલાહ પણ લીધેલ. હું નોર્મલ હોય તેમ છતા મારા પતિ મને તેડવા આવેલ નહી . પરંતુ મારા મિત્રની સમજાવટથી હું પાછી નિરવ સાથે રહેવા ગયેલ. આ દરમ્યાન નિરવ મારી સાથે મીઠી મીઠી વાતો કરવા લાગેલ અને ધંધો કરવો છે તારા પપ્પાને કહે. જેથી મને એમ કે સારૂ થઇ જશે જેથી મે મારા પપ્પાને વાત કરેલ અને મારા પપ્પા એ કટકે કટકે પીસતાલીસ લાખ રૂપિયા ધંધા માટે અમારા જોઇન્ટ એકાઉન્ટમાં તથા રોકડા આપેલા.

 પણ મારા પતિએ આ રકમ ધંધો કરવાના બદલે તમામ પૈસા પોતાની મરજી મુજબ વાપરી નાખેલ અને મને વારંવાર મેણા ટોણા મારવા લાગેલ. મારા સાસુ-સસરા અને નણંદ વારંવાર નિરવને ફોન કરી મારા વિરૂધ્ધમાં ચઢામણી કરતા હતાં. મારા પતિ ગુસ્સે થઇ મારા ઉપર હાથ ઉપાડી લેતાં અને છુટાછેડા લઇ લેવાની ધમકી આપતા હતાં. મારા પતિને મારામાં રસ ન હોઇ પણ કયારેક દારૂ પી ઘરે આવી ક્રુરતાપુર્વક સંબંધ બાંધતો અને ખરાબ વર્તન કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હોઇ જેથી આ બાબતે મે તેના વિરુદ્ઘમાં કેનેડા પોલીસમાં ફરિયાદ પણ કરેલ. જે બાબતે પોલીસે તેની કાર્યવાહી કરેલ બાદ ઓચિંતા મારા પતિએ ઘરે આવવાનું બંધ કરી દીધેલ અને સીધી જ મને છુટાછેડાની નોટીસ મોકલી આપેલ.

એ પછી મેં મારા પતિનો સંપર્ક કરતાં તેનો સંપર્ક થતો ન હોઇ અને મારે ત્યાં કોઇ આશરો ન હોઇ જેથી હું તા.૨૨/૦૯/૨૦૨૦ના અહી રાજકોટ પરત આવેલ અને હું મારા સાસુ-સસરાને ઘરે ગયેલ તો મને આવવા દીધેલ નહી. મને ઘરમાંથી કાઢી મુકતા હાલ હું મારા માતા-પિતાના ઘરે છુ.

પતિ-સાસુ-સસરા-નણંદને હું પહેલેથી જ ગમતી ન હોઇ તેઓ ઘરકામ જેવી નાની નાની બાબતમાં મેણા ટોણા મારી તું અમારા પટેલની છોકરી જેવી કામઢી નથી, કામની બાવી છો, મારા દિકરાથી મોટી છો તેમ કહી મેણા ટોણા મારી મારા મમ્મી પપ્પાના ઘરેથી ધંધા માટે પૈસા ઇ આવવા કહી દહેજ માંગતાં મારા પિતાએ પીસ્તાલીસ લાખ રૂપીયા આપેલ હોઇ તેમ  છતાં અવાર નવાર પૈસાની માંગણી કરી દુઃખ ત્રાસ આપેલ હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં ગોરાબેને એફઆઇઆરમાં જણાવતાં પીએસઆઇ કે. જી. જીલવાણીએ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)