Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સીંગતેલની સાથે કપાસીયા તેલ પણ મોંઘુઃ ડબ્બે ૨૦ રૂ.નો તોતીંગ વધારો

કપાસીયા ટીનના ભાવ વધીને ૧૮૩૫થી ૧૮૫૫ રૂ. થયાઃ સીંગતેલમાં પણ ૫ રૂ. વધ્યા : કપાસીયા તેલમાં ગત સપ્તાહમાં ૩૦ રૂ. વધ્યા બાદ નવા સપ્તાહે તેજીનો તરખાટઃ ખાદ્યતેલો મોંઘા થતા ગૃહિણીઓમાં કકળાટ

રાજકોટ, તા. ૪ :. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ તેજીએ તરખાટ મચાવ્યો છે. આજે એક જ દિ'માં કપાસીયા તેલમાં ૨૦ રૂ.નો ઉછાળો થતા કપાસીયા તેલ પણ મોંઘુ થઈ ગયું છે.

સ્થાનિક બજારમાં કાચા માલની અછતના અહેવાલે કપાસીયા તેલમાં આગઝરતી તેજી જોવા મળી હતી અને એક જ દિ'માં ડબ્બે ૨૦ રૂ.નો ભાવ વધારો થયો હતો.

ગત રવિવારે કપાસીયા તેલ લુઝના ભાવ ૧૦૮૦ રૂ. હતા તે વધીને આજે ૧૧૦૦ રૂ. થઈ ગયા હતા. જ્યારે કપાસીયા ટીનના ભાવ ૧૮૧૫થી ૧૮૩૧ રૂ. હતા તે વધીને ૧૮૩૫થી ૧૮૫૫ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. કપાસીયા તેલ સાથે સીંગતેલમાં પણ ડબ્બે ૫ રૂ.નો ભાવ વધારો થતા સીંગતેલ નવા ટીનના ભાવ ૨૨૮૫થી ૨૩૩૫ રૂ. થયા હતા.

ચાલુ વર્ષે મગફળીનું પુષ્કળ ઉત્પાદન થતા સીંગતેલના ભાવો સળગી રહ્યા છે. પામતેલના ભાવો પણ ભડકે બળી રહ્યા છે ત્યારે કપાસીયા તેલમા કાચા માલના અછતના બહાને સટોડીયાઓ સક્રિય થતા કપાસીયા તેલ પણ મોંઘુ થયુ છે. ગત સપ્તાહમાં કપાસીયા તેલમાં ડબ્બે ૩૦ રૂ. વધ્યા બાદ આજે એક જ ઝાટકે વધુ ૨૦ રૂ.નો ઉછાળો થયો હતો. તમામ ખાદ્યતેલોના ભાવો સળગતા ગૃહિણીઓમાં કકળાટ વ્યાપી ગયો છે.

(3:53 pm IST)