Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

પ્રવિણભાઈ હવે હાંઉ કરો : અહમ છોડીને નવા લોહીને તક આપોઃ મહાપરિષદની શાખ તળીયે?

વિશ્વ લોહાણા પરિષદનું સુકાન સૌરાષ્ટ્રને મળે તેવી લાગણી : આજે વરણી સમિતિની બેઠકઃ હાલના મંત્રી હિમાંશુ ઠક્કરનું રાજીનામુ માગી લેવાયાની ભારે ચર્ચા : તેઓ પણ રેસમાં

રાજકોટ, તા. ૪ : વિશ્વ લોહાણા મહાપરિષદની એક સમયે પ્રચંડ આભા અને આબરૂ હતી... ૨૫ લાખ રઘુવંશીઓ જેનું નામ લેતા ગર્વથી હરખાઈ ઉઠતા તે સંસ્થાની શાખ ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે. મહાપરિષદના અધ્યક્ષપદેથી અગાઉ જેમણે રાજીનામુ આપેલ અને લોકસભાની ચૂંટણીમાં ટિકીટ ન મળી તેવા પ્રથમ હરોળના ઉદ્યોગપતિ શ્રી પ્રવિણભાઈ કોટક અત્યારે મહાપરિષદના પ્રમુખ છે. તેમની ટર્મ પૂરી થાય છે ત્યારે આજે નવા પ્રમુખ માટે વરણી સમિતિ નિર્ણય લઈ રહી છે.

એ પૂર્વે જ ચર્ચાતી વિગતો મુજબ હાલના સેક્રેટરી શ્રી હિમાંશુ ઠક્કરને તેમના સ્થાનેથી રવાનગી માટેના અણસાર આપી દેવાયા છે. આજે પ્રવિણભાઈએ તેમને મળવા બોલાવેલ છે. આમ પરિષદનંુ સુકાન ડખ્ખે ચડ્યુ છે.

દરમિયાન નવા પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રમાંથી જાણીતા ઉદ્યોગપતિઓ રાજકોટના શ્રી હરિશભાઈ લાખાણી અને જામનગરના શ્રી જીતુભાઈ લાલના નામો મોખરે છે.

ખુદ પ્રવિણભાઈ ફરી પ્રમુખપદ મેળવવા અને ચાન્સ લાગે તો (જેની સંભાવના ખૂબ જ ઓછી - નહિવત છે) રાજયસભાની ચૂંટણી લડવા થનગની રહ્યા છે. તો મુંબઈના શ્રી સતીષભાઈ વિઠ્ઠલાણી, નાસિકના જીતુભાઈ ઠક્કરના નામો છે તો અમદાવાદના ચર્ચામાં ચમકેલા શ્રી હિમાંશુ ઠક્કર પણ તલપાપડ હોવાનું ચર્ચાય છે.

શ્રી પ્રવિણભાઈ કોટકના બીજી વખત પ્રમુખ બનવા માટેની તત્પરતાએ પ્રશ્નાર્થ સર્જયો છે. એક સમયે ખુદ કંટાળી રાજીનામુ આપેલ અને હવે ફરી પ્રમુખ થવા માગે છે તે સમજાય નહિં તેવી બાબત છે. અનેક બાબતોને લીધે દેશભરના લોહાણા સમાજમાં અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જ્ઞાતિહિતના કોઈ મોટા કાર્યો થયા નથી, રાજકીય શાખ તળીયે પહોંચી છે ત્યારે ૨૪ લાખ રઘુવંશીમાંથી ૬ લાખ રઘુવંશીઓ જયા વસે છે તેવા કાઠીયાવાડ - સૌરાષ્ટ્રને ફરી એક વખત પ્રમુખપદ મળે તો સ્વ.જયંતિભાઈ કુંડલીયાએ જે શાખ જમાવી'તી તે ફરી લાવી શકાય તેવી લાગણી પ્રવર્તે છે.

જીદ - અહમ અને રાજકારણને બાજુએ મુકી પ્રવિણભાઈ જ્ઞાતિજનો ઉપર દબાણ લાવવાના, કેસો કરવાના કાર્યોમાંથી બહાર આવી રાજકોટ લોહાણા મહાજનની જે નવરચના થઈ અને નવા લોહીને તક આપવા સાથે જે ઝળહળાટથી કાર્યો થાય છે તે રીતે જો મહાપરિષદનું સુકાન સૌરાષ્ટ્રના હરીશભાઈ લાખાણી - જીતુભાઈ લાલ જેવા નવલોહીયા, સુખી સંપન્ન, વગદાર જ્ઞાતિજનને સુકાન સોંપશે તો તેઓ મુઠી ઉચેરા રઘુવંશી તરીકે ઝળહળી ઉઠશે. અન્યથા સૌરાષ્ટ્રમાંથી સંસ્થાને બચાવવા મોટાપાયે લોહાણા સંસ્થાઓ - આગેવાનો બહાર આવશે તે સમજી લેવાની વેળા આવી ગઈ છે.

(1:09 pm IST)