Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કોઠારીયા ચોકડીએ ટ્રકે પટેલ કાકા-ભત્રીજાને એકટીવા સહિત ઉલાળી દીધાઃ ભત્રીજાનું મોત

ગુરૂદેવ પાર્કના પરષોત્તમભાઇ કમાણી (ઉ.૪૨) અને ભત્રીજો દિવ્યેશ કમાણી (ઉ.૩૬) સવારે માલધારી ફાટક પાસેના કારખાને જવા નીકળ્યા અને ભત્રીજાને રસ્તામાં 'કાળ' ભેટ્યોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૫: કોઠારીયા ચોકડી પાસે સવારના પ્હોરમાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકે એકટીવાને ઉલાળતાં બાઇકસ્વાર ગુરૂદેવ પાર્કના પટેલ કાકા-ભત્રીજા ફંગોળાઇ ગયા હતાં. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત ભત્રીજાએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્કમાં રહેતો દિવ્યેશભાઇ રમેશભાઇ કમાણી (ઉ.૩૬) નામનો લેઉવા પટેલ કારખાનેદાર યુવાન સવારે પોતાના કાકા પરષોત્તમભાઇ નરસીભાઇ કમાણી (ઉ.૪૨)ને બાઇકમાં બેસાડીને માલધારી સોસાયટીમાં આવેલા પોતાના કારખાને જવા નીકળ્યો હતો. કાકા-ભત્રીજા બંને કોઠારીયા ચોકડીથી આજીડેમ તરફ જવાના રસ્તે પહોંચ્યા ત્યારે એક ટ્રકે બાઇકને ઠોકરે લેતાં બંને ફંગોળાઇ જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ગંભીર ઇજાગ્રસ્ત ભત્રીજા દિવ્યેશભાઇએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ મામલે આજીડેમ પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં એએસઆઇ રવિરાજસિંહ અને રાઇટર કેતનભાઇએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઠોકરે ચડેલા એકટીવાના નંબર જીજે૩એફએ-૭૫૮૧ તથા ઠોકરે લેનાર ટ્રકના નંબર જીજે૩૨ટી-૯૯૩૫ છે. ટ્રક મુકી ચાલક જતો રહ્યો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.  મૃત્યુ પામનાર દિવ્યેશભાઇ બે ભાઇમાં મોટો અને પરિણીત હતો. માલધારી ફાટક પાસે નટરાજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનુ ધરાવતો હતો. યુવાન દિકરાના મોતથી લેઉવા પટેલ પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

(3:39 pm IST)