Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સિવિલ હોસ્પિટલના પ્રશ્નોનો તુરંત નિકાલ કરો

સરપ્રાઈઝ મુલાકાત લેતા કુંવરજીભાઈ : તમામ વોર્ડનું નિરીક્ષણ

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગરસમા રાજકોટની પીડીયુ સરકારી સિવિલ હોસ્પિટલ કે જયા સૌરાષ્ટ્રભરના લાખો દર્દીઓ સારવારનો લાભ લે છે ત્યારે રાજય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, સિવિલ હોસ્પિટલ કાઉન્સીલર જયંત ઠાકર, રાજીવ ઘેલાણી, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સહિતના અગ્રણીઓ સાથે જોડાયા હતા. આ તકે સિવિલ સર્જન ડો. મનીષભાઈ મહેતા, આર.એમ.ઓ. ડો. રોય સહિતના પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સરપ્રાઈઝ મુલાકાત કુંવરજીભાઈ બાવળીયા સહિતના અગ્રણીઓએ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડીંગ ખાતે સારવાર લઈ રહેલ દર્દીઓની તબિયત અંગે પુછા કરી હતી. તેમજ હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ અંગે હોસ્પિટલના સતાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા - વિચારણા કરી હતી.

આ તકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુ હતું કે ભાજપ હંમેશા છેવાડાના માનવીને પુરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં સતત કાર્યરત છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકારે ખાસ કરી ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાઓ લોકોને વધુને વધુ પ્રાપ્ત થાય તે બાબતને પ્રાધાન્ય આપ્યુ છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલીક સારવાર મળે અને જરૂરીયાત મુજબની દવાઓ લોકોને પુરતા પ્રમાણમાં મળે તે માટે ચિંતિત છે ત્યારે સૌરાષ્ટ્રભરના લાખો દર્દીઓ હોસ્પિટલમાં સારવારનો લાભ લઈ રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. તેમજ વર્તમાન પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પણ પુરતી સ્વચ્છતાભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં પણ હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોની દવાઓ, જરૂરી સાધન, સરંજામો, પુરતો સ્ટાફ, હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેના સગા સંબંધીઓની સલામતીના પ્રશ્નો જેવી કોઈપણ સમસ્યાઓ લક્ષમાં લઈ આ અંગે ત્વરીત નિર્ણય કરી તેનો નિવેડો લાવવાની બાહેંધરી આપી હતી.

આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભાજપ અગ્રણીઓ હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકર, રાજીવભાઈ ઘેલાણી, સંજય ગોસ્વામી સહિતનાઓએ ટ્રોમા સેન્ટર સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા.(૩૭.૮)

(3:35 pm IST)