Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

આવતીકાલે લોકરક્ષકની પરિક્ષા માટે પોલીસનું જાહેરનામુઃ પરિક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત

અનઅધિકૃત વ્યકિત આજુબાજુની ૧૦૦ મિટરની ત્રિજયામાં પ્રવેશી ન શકે અને વાહન, મોબાઇલ ફોન કે પરિક્ષાને લગતું સાહિત્ય લઇને પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચી ન શકે તે માટે કડક નિયમો બનાવાયાઃ સુપરવાઇઝર પર મોબાઇલ રાખી નહિ શકે

રાજકોટ તા. ૫: અગાઉ પેપર લિક થઇ જવાને કારણે રદ થયેલી લોકરક્ષકની આવતી કાલે ફરીથી પરિક્ષા લેવામાં આવનારી હોઇ રાજકોટ શહેરના પરિક્ષા કેન્દ્રો ખાતે    શહેર પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે પરિક્ષા અંતર્ગત એક જાહેરનામુ પણ બહાર પાડ્યું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે પરિક્ષાર્થીઓને કોઇપણ જાતની ખલેલ ન પડે અને શાંત થા મુકત વાતાવરણમાં પરિક્ષા આપી શકાય તે માટે જ્યાં પરિક્ષા કેન્દ્રો છે તે શાળા કોલેજના ગ્રાઉન્ડમાં તા. ૬ના સવારે ૮ થી બપોરના ૨:૦૦ સુધી કોઇપણ અનઅધિકૃત વ્યકિત આજુબાજુની ૧૦૦ મિટરની ત્રિજયામાં પ્રવેશી ન શકે  અને વાહન લઇને કે મોબાઇલ ફોન લઇને પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચી ન શકે તે માટે કડક નિયમો બનાવાયા છે. પરિક્ષા કેન્દ્ર આસપાસ ચારથી વધુ માણસો પણ ભેગા થઇ શકશે નહિ. પરિક્ષા આપનાર વિદ્યાર્થી પણ પરિક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇને જઇ શકશે નહિ. તેમજ જે તે પરિક્ષા કેન્દ્રમાં ઝેરોક્ષ મશીન હશે તો તે બંધ રાખવાનો હુકમ કરાયો છે.

પરિક્ષા કેન્દ્રની ચારેય બાજુની ત્રિજ્યાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનઅધિકૃત વ્યકિત આવી શકશે નહિ. પરિક્ષા કે પ્રશ્નપત્રને લગતું કોઇપણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ કે મોબાઇલ ફોન જેવા સાધનો લઇ જઇ શકાશે નહિ. પરિક્ષા ખંડના સુપરવાઇઝરોએ પણ મોબાઇલ ફોન લઇને પ્રવેશવું નહિ. પરિક્ષા કેન્દ્ર આસપાસ પરિક્ષના સમયે માઇક વગાડવાની મંજુરી પણ આપવામાં આવશે નહિ.

પરિક્ષા કેન્દ્રોમાં ફરજ બજાવતાં કર્મચારીઓને પણ ઓળખકાર્ડ હશે તો જ પ્રવેશ મળશે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. (૧૪.૧૨)

(3:31 pm IST)