Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

શિવાજીનગરમાં ભૂપત ભરવાડને મિત્ર સિકંદર અને અસલમે દગાથી રહેંસી નાંખ્યો

'તારે શિવાજીનગરના અસલમ સાથે માથાકુટ થઇ છે ને એ મારો મિત્ર છે, હાલ સમાધાન કરાવી દઉં'...કહી સિકંદર શિવાજીનગરમાં લઇ ગયો બાદમાં હત્યાઃ મનહરપરાનો ભૂપત રાત્રે સાડા બારેક વાગ્યે ચુનારાવાડમાં ચાની કેબીન પાસે કોૈટુંબીક ભાઇ સાગર અને બીજા મિત્રો સાથે તાપણું તાપતો'તો ત્યારે મિત્ર સિકંદર અસલમના ઘરે વાત કરવાના બહાને લઇ ગયોઃ સાગર અને કાના મુંધવાને સિકંદર પર ભરોસો ન હોઇ પાછળ જતાં અસલમ-સિકંદરને છરીના ઘા ઝીંકતા નજરે જોયાઃ આ બંનેને પણ 'જીવતા રહેવું હોય તો ભાગી જાવ' કહી સિકંદર અને અસલમે ધમકી આપતાં બંને ઘરે જઇ સુઇ ગયા'તા

ક્રુર હત્યાઃ ચુનારાવાડ પાસે શિવાજીનગરમાં ઘટના સ્થળે ભરવાડ યુવાન ભૂપત બોળીયાનો નિષ્પ્રાણ દેહ ઉપરની અને નીચેની તસ્વીરમાં તથા ઘટના સ્થળે એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ એસ. એન. ગડ્ડુ, ભરતસિંહ પરમાર સહિતનો સ્ટાફ તથા ઉપર છેલ્લે ભૂપત બોળીયાનો ફાઇલો ફોટો અને નીચેની અન્ય તસ્વીરોમાં ભૂપતનું ઘર અને વિલાપ કરતાં સ્વજનો તથા એકઠા થયેલા લોકો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫: શહેરમાં નવા વર્ષ ૨૦૧૯માં હત્યાનો પ્રથમ ગુનો બની ચુકયો છે. થોરાળા પોલીસ મથકની સામે જ આવેલા મનહરપરામાં રહેતાં ૨૫ વર્ષના ભરવાડ યુવાનને  શિવાજીનગરમાં રહેતાં પઠાણ શખ્સ સાથે માથાકુટ થઇ હોઇ તેનું સમાધાન કરાવી આપવાના બહાને તેના મુસ્લિમ મિત્રએ શવાજીનગરમાં બોાલવી જઇ બાદમાં બંને મુસ્લિમ શખ્સોએ મળી આ ભરવાડ યુવાનને છરીના ઘા ઝીંકી પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે.  મિત્રએ દગો કરી મિત્રનો ભોગ લઇ લીધાની આ ઘટનામાં થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યા પાછળ જુનુ મનદુઃખ કારણભુત હોવાનું હાલ બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ વહેલી સવારે શિવાજીનગર-૧૫માં આવેલા શ્રીકનક હનુમાનજીના મંદિર પાસે રોડ પર એક યુવાનની લાશ પડી હોવાની જાણ પાણી ભરવા નીકળેલી મહિલાઓને થતાં તેણે ઘરના પુરૂષોને વાત કરતાં કોઇએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યાંથી થોરાળા પોલીસને વાકેફ કરવામાં આવતાં એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ કે. કે. પરમાર, એએસઆઇ અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર, નારણભાઇ, કેલ્વીન સાગર તથા ડી. સ્ટાફની ટીમ દોડી ગઇ હતી.

પોલીસ પહોંચી ત્યારે લોકોનું ટોળુ એકઠુ થયું હોઇ તેમાંથી કોઇએ આ લાશ મનહરપરા-૯માં રહેતાં ભૂપત ઘુઘાભાઇ બોળીયા (ભરવાડ)ની હોવાનું કહેતાં પોલીસે તેના સ્વજનોને બોલાવ્યા હતાં અને વિગતો મેળવવા કાર્યવાહી કરી હતી. પોલીસે ભૂપત સાથે ઉઠક-બેઠક ધરાવતાં તેના મિત્રોને શોધી કાઢી માહિતી મેળવવા પ્રયાસ કરતાં એવી વિગતો ખુલી હતી હત્યાનો ભોગ બનનાર ભૂપતને  શિવાજીનગરના અસલમ પઠાણ સાથે કોઇ બાબતે ભારે ચડભડ થઇ હતી. આ કારણે બંને વચ્ચે ખટાશ પેદા થઇ ગઇ હતી.

રાત્રે સાડા બારેક વાગ્યે ભૂપત પોતાના કોૈટુંબીક ભાઇ તથા બીજા મિત્રો સાથે ચુનારાવાડમાં તાપણું તાપતો હતો ત્યારે તેનો મિત્ર સિકંદર આવ્યો હતો અને પોતે અસલમના સાથેના ડખ્ખાનું સમાધાન કરી અપાવશે તેમ કહી ભૂપતને શિવાજીનગરમાં સાથે લઇ ગયા બાદ સિકંદર અને અસલમ બંનેએ છરીના ઘા ઝીંકી દઇ ભૂપતને પતાવી દીધો હતો. આ દ્રશ્ય ભૂપતના કોૈટુંબીક ભાઇ અને એક મિત્રએ નજરે જોયું હતું. પણ અસલમ અને સિકંદરે તેને પણ ધમકાવીને ત્યાંથી ભાગી જવા કહેતાં આ બંને ઘરે જઇને સુઇ ગયા હતાં.  બીજી તરફ   લોહી લુહાણ હાલતમાં  પડ્યા રહેવાથી વધુ લોહી વહી જતાં ભૂપતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મૃતકના ભાઇ સાગરે એફઆઇઆરમાં શું લખાવ્યું?

પોલીસે હત્યાનો ભોગ બનનાર ભૂપતના ભાઇ સાગર રૂખડભાઇ બોરીયા (ભરવાડ) (ઉ.૨૨-રહે. ચુનારાવાડ-૧૨)ની ફરિયાદ પરથી સિકંદર હુશેનભાઇ જૂણેજા અને અસલમ પઠાણ સામે આઇપીસી ૩૦૨, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. સાગરે પોલીસને જણાવ્યું છે કે રાતે દસેક વાગ્યે હું તથા કોૈટુંબીક મોટાબાપુનો દિકરો ભુપત ઘુઘાભાઇ બોરીયા ભાવનગર રોડ પર મધરલેન્ડ સ્કૂલ પાસે મિત્ર જીગા ભરવાડને મળવા ગયા હતાં. ત્યાંથી રાત્રે પોણા અગિયારેક વાગ્યે પરત ચુનારાવાડ ચોકમાં શેરી નં. ૮માં કાળીબેનની ચાની હોટલ પાસે તાપણા પાસે આવ્યા હતાં. અહિ હું, ભૂપત, મિત્ર વિશાલ માનસુરીયા, રવિ માનસુરીયા, રોહિત મકવાણા, કાના અરજણભાઇ મુંધવા એમ બધા તાપણું તાપતા હતાં.

લગભગ સાડા બારેક વાગ્યે સિકંદર જૂણજા તેનું લાલ રંગનું પલ્સર લઇને આવ્યો હતો અને મિત્ર ભૂપતને કહ્યું હતું  કે-તારે શિવાજીનગરના અસલમ સાથે માથાકુટ થઇ છે ને? એ અસલમ મારો ખાસ મિત્ર છે, હાલ તને સમાધાન કરાવી આપું...તેમ કહેતાં અમે ભૂપતને કહેલુ કે સિકંદર માથાભારે છે તું એકલો સાથે ન જા. પણ સિકંદરે કહેલ કે એવી જરૂર નથી, હું સમાધાન કરાવી દઇશે. તેમ કહી તે પોતાનું પલ્સર ત્યાં રાખી વિશાલનું એકટીવા લઇ તેમાં ભુપતને બેસાડીને લઇ ગયો હતો. મને સિકંદર પર ભરોસો ન હોઇ હું તથા મિત્ર કાના મુંધવા પાછળ-પાછળ ગયા હતાં. એકાદ વાગ્યે અસલમના ઘર પાસે પહોંચ્યા ત્યારે શિવાજીનગર-૨૧ના ખુણે અસલમ હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો હતો. સિકંદરે ભુપતભાઇના બંને હાથ પાછળથી પકડી રાખ્યા હતાં અને અસલમે ગાળો દઇ છરીના બે ઘા ભૂપતભાઇને છાતીમાં ઝીંકી દીધા હતાં. એ પછી ભૂપતભાઇએ સિકંદરની પક્કડ છોડાવી નાંખી હતી. તે ભાગવા જતાં પડી જતાં સિકંદરે પણ છરી કાઢી હતી અને પછાડી દીધેલ. આ વખતે અસલમે ભૂપતભાઇને પકડી રાખેલ અને સિકંદરે છરીના ઘા ઝીંકી દીધા હતાં.

હું અને કાનો ભૂપતભાઇને છોડાવવા જતાં સિકંદર અને અસલમે અમને છરી બતાવી ધમકી આપેલી કે જીવતા રહેવું હોય તો બંને ભાગી જાવ, કોઇને જાણ પણ કરતાં નહિ. આ બંને માથાભારે હોઇ અમે રાત્રે કોઇને જાણ કર્યા વગર ઘરે જઇ સુઇ ગયા હતાં. વહેલી સવારે કોૈટુંબીકભાઇ વાલાભાઇ મારા ઘરે આવ્યા હતાં અને શિવાજીનગરમાં અસલમના ઘર પાસે લઇ ગયા હતાં ત્યાં ભૂપતભાઇ પડેલા જોવા મળ્યા હતાં. ૧૦૮ના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતાં. આ બનાવ પછી મેં તથા કાનાએ રાત્રે જે બન્યું તેની સાચી વાત કરી હતી. અગાઉ ભૂપતભાઇ અને અસલમને માથાકુટ થઇ હોઇ તેનું સમાધાન કરવાના બહાને સિકંદરે બોલાવી જઇ ત્યાં અસલમ અને સિકંદરે વારાફરતી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

પી.આઇ. એસ. એન. ગડુ,  અજીતભાઇ, ભરતસિંહ પરમાર, કેલ્વની સાગર અને ડી. સ્ટાફની ટીમે આરોપીઓને ઝડપી લેવા દોડધામ આરદી છે.

ભૂપત રાત્રે દસ વાગ્યે વાળુ કરીને હમણા આવું કહીને નીકળ્યો, પણ મધરાતે તેની હત્યાના વાવડ મળ્યા

. ભૂપત બોળીયા રાત્રે દસેક વાગ્યે વાળુ કર્યા બાદ નિત્યક્રમ મુજબ ઘરેથી આટો મારવા નીકળ્યો હતો. તે ઘરના સભ્યોને હમણા આવું છું...તેમ કહીને ગયો હતો. પરંતુ મોડી રાત સુધી પરત આવ્યો નહોતો. ઘરના સભ્યો રાહ જોઇને સુઇ ગયા હતાં ત્યાં મધરાત બાદ તેની હત્યા થઇ ગયાના વાવડ મળતાં સ્વજનો શિવાજીનગરમાં ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને ભૂપતનો મૃતદેહ જોતાં જ કલ્પાંત સર્જાયો હતો. શિવાજીનગરમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે જ ભૂપતની હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ તપાસ કરતાં ભૂપતને તેના જ મિત્ર અસલમે છરીના ઘા ઝીંકી દીધાની વિગતો જાણવા મળી હતી. અસલમ શિવાજીનગરમાં જ રહે છે. તેને તથા સમાધાનની વાતચીતમાં સામેલ થયેલા બીજા મિત્રોને પોલીસ શોધી રહી છે. યુવાન દિકરાની હત્યાથી કુટુંબીજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

ભૂપત ચાર ભાઇ-એક બહેનમાં ચોથો હતોઃ

૩ માસની પુત્રી અને ૧ વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ વૃધ્ધ માતા-પિતા સહિતના સ્વજનોના આક્રંદથી ગમગીની

. મિત્રના હાથે જ હત્યાનો ભોગ બનેલો ભરવાડ યુવાન ભૂપત બોળીયા ચાર ભાઇ અને એક બહેનમાં ચોથો હતો. તેના અન્ય ભાઇઓના નામ રાજુભાઇ, દિનેશભાઇ અને લખધીરભાઇ તથા બહેનનું નામ મધુબેન છે. ભૂપત આજી જીઆઇડીસીના કારખાનામાં મજૂરી કરતો હતો. તેના પત્નિનું નામ લક્ષ્મીબેન, માતાનું નામ હીરાબેન અને પિતાનું નામ ઘુઘાભાઇ કાનાભાઇ બોળીયા છે. ભૂપતની હત્યાથી ૩ માસની પુત્રી મીરા અને ૧ વર્ષના પુત્ર કાર્તિકે પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.  જુવાનજોધ દિકરાની હત્યાથી માતા-પિતા સહિતના સ્વજનોના આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

દોસ્ત દોસ્ત ના રહા

. એક સમયે સાથે જ ઉઠતા-બેસતા મિત્રો વચ્ચે થયેલી માથાકુટ એક મિત્રની હત્યા સુધી પહોંચી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ભૂપત ભરવાડને તેના જ મિત્ર સિકંદરે દગો કરી પોતાના મિત્ર અસલમ સાથે મળી પતાવી દેતાં દોસ્ત દોસ્ત ના રહા...જેવું થયું છે.

(3:11 pm IST)