Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

મોચીબજારમાં મચ્છી માર્કેટ-કોમ્યુ.હોલ નહી બનેઃ દરખાસ્ત નામંજુર

પેડક રોડ સ્વીમીંગ પૂલમાં ૮૩ લાખનું જીમ બનશેઃ વોર્ડ નં.૬માં લલુડી વોંકળીના અસરગ્રસ્તો માટે ૧૨૮ સ્માર્ટ ઘરનો ૮ કરોડનો કોન્ટ્રાકટ શ્રીજી કૃપા કન્સ્ટ્રકશનનેઃ ડ્રાઇવેસ્ટની દરખાસ્ત પરતઃ આજી ડેમે રોશનીનો લાખેણો ખર્ચ સહિત ૪૪ દરખાસ્તો અંગે શુક્રવારે સ્ટેન્ડિંગમાં નિર્ણય

રાજકોટ, તા., ૫ :  મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિ આજેે બપોરે ૧૨ વાગ્યે યોજાઇ હતી. જેમાં કુલ ૪૪ દરખાસ્તોનો નિર્ણય લઇ કુલ પર કરોડના વિકાસ કામોને મંજુરી અપાઇ હતી.

જેમાં મોચીબજાર ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર પાછળ મચ્છી માર્કેટ અને કોમ્યુનીટી હોલ સાથે બનાવવાની વિવાદાસ્પદ દરખાસ્તને નામંજુર કરવામાં આવી હતી. આ અંગે ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, સ્થાનિક રહેવાસીઓનો મચ્છી માર્કેટ અને કોમ્યુનીટી હોલ સાથે નહી બનાવવા રજુઆત કરેલ હતી જેને જાહેર જનહિતમાં ધ્યાને લઇ સ્ટેન્ડીંગ કમીટીએ આ દરખાસ્ત નામંજુર કરી હવે આ સ્થળે કોમ્યુનીટી હોલ કે મચ્છી માર્કેટ બેમાંથી એકપણ યોજના નહી બનાવવા નિર્ણય લીધો છે. જયારે આજના એજન્ડામાં રહેલ શહેરમાંથી ઉત્પન્ન ડ્રાઇવેસ્ટ પ્રોસેસીંગ મટીરીયલની રીકવરી ઉભી કરવાની કમિશ્નર તરફ પરત મોકલવાનો નિર્ણય લેવાયો હતો.

રેસકોર્ષ રીંગ રોડની કાયાપલટ માટે સ્ટીલ કીંગ કંપની સાથે કોન્ટ્રાકટ થશે. આ કંપની તેના ખર્ચે સમગ્ર રોડમાં નવા ડિવાઇડરો બનાવી આપશે. એટલુ જ નહી દર વર્ષે મ્યુ. કોર્પોરેશનને રૂ. ૧પ  લાખની આવક થશે.

નોંધનીય છે કે, અગાઉ ચાર-પાંચ મહિના પહેલા વોર્ડ નં. ૩ હેઠળ આવતા મોચીબજાર વિસ્તારના ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર પાસે એટલે કે મચ્છી માર્કેટ પાસે કોમ્યુનીટી હોલ બનાવવાની દરખાસ્ત આવી હતી પરંતુ જે તે વખતે આ દરખાસ્ત શાસકપક્ષ ભાજપે ચૂંટણીલક્ષી હેતુથી મુકી હોવાના આક્ષેપો થયા હતા અને કચવાટ પણ જોવા મળ્યો હતો. આથી સ્ટેન્ડીંગ કમિટિએ આ દરખાસ્ત મંજુર કરી ન હતી. દરમિયાન હવે ફરીથી આ દરખાસ્ત મુકવામાં આવતા તે નામંજુર કરાઇ છે.

આ ઉપરાંત શહેરના ૧૫ સ્થળોએ કચરાના પ્રોસેસીંગ પ્લાન્ટ મુકવા, પેડક રોડ પર આવેલ સ્વીમીંગ પૂલમાં નવુ જીમ્નેશીયમ બનાવવા તથા લલુડી વોંકળીના ડીમોલેશન અસરગ્રસ્તો માટે વોર્ડ નં. ૬ ના ગોકુલનગરમાં ૧૨૮ ફલેટની સ્માર્ટ ઘર આવાસ યોજનાનો કોન્ટ્રાકટ ૮.૩૬ કરોડના ખર્ચે શ્રીજી કન્સ્ટ્રકશનને આપવામાં આવેલ છે ઉપરાંત માં નર્મદા મહોત્સવની ઉજવણી હેઠળ આજી ડેમે કરાયેલ રોશનીનો ૧૬.૫૨લાખનો ખર્ચ મંજુર કરવા, વેરામાં વ્યાજ માફી અને વળતર યોજના તથા સેવાસેતુ વગેરે કાર્યક્રમોમાં છાસ વિતરણનો ૭૧૦૦૦નો ખર્ચ મંજુર કરવા અને રેસકોર્ષ રીંગરોડ ડીવાઈડર બ્યુટીફીકેશનની યોજના જનભાગીદારીથી સાકાર કરવા સહિતની ૪૪ દરખાસ્તોને ચેરમેન પુષ્કરભાઇ પટેલે મંજુરીની મહોર લગાવી હતી.

(4:35 pm IST)