Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

મંગળવારે ગાંધીનગરમાં ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમના નિયામક મંડળની બોર્ડ બેઠક

નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી સોમ - મંગળ - બુધ ગાંધીનગરમાં લાભાર્થીઓને લાભ મળશે : એમબીબીએસ, એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ અને લઘુઉદ્યોગના ધંધા રોજગાર માટેની અરજીઓની ચકાસણી કરાશે

રાજકોટ, તા. ૫ : ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમ દ્વારા નિગમના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આગામી તા.૯ને મંગળવારના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમ ગાંધીનગરના નિયામક મંડળની ૯૭મી બોર્ડ બેઠક તેમજ લાભાર્થી સમિતિની બેઠક રાખવામાં આવેલ છે. જેમાં એનબીસી/ એફડીસી (રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા વિકાસ નિગમ ન્યુ દિલ્હી)ના ડાયરેકટર શ્રી કે. નારાયણ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતાના નિયામક શ્રી કે. જી. વણઝારા, મહેસુલ વિભાગના નાણા સલાહકાર એસ. બી. પડધરીયા તથા ઠાકોર કોળી વિકાસ નિગમ અને ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમના એમ. ડી. જશવંત ગાંધી ઉપસ્થિત રહેશે.

ઉપરોકત મીટીંગમાં બોર્ડ બેઠક તેમજ લાભાર્થી પસંદગી સમિતિના તત્વાધાનમાં ઉપરોકત સભ્યો દ્વારા નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તા.૭ સુધીની એમબીબીએસ, એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તેમજ લઘુઉદ્યોગના ધંધા રોજગાર માટેની આવેલ અરજીઓની ચકાસણી કરી અને તાત્કાલીક લોકોને લોન સહાય મળે તે બાબતના આ મીટીંગમાં નિર્ણયો લેવામાં આવશે. આ પહેલા પણ તા.૨૪-૧૦-૧૭ના દિવસે ચેરમેનશ્રીનો ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરી અને રૂપિયા બસો પચ્ચાસ લાખ જેવી માતબર રકમ રીલીજ કરવાના ઓર્ડરો ચેરમેન દ્વારા કરવામાં આવેલ હતા. તા.૯ના મંગળવારના રોજ પણ આવેલ અરજીઓની ચકાસણી બાદ યોગ્ય અરજીઓના લાભાર્થીઓને રૂ. ચારસો લાખ જેવી રકમ રીલીઝ કરવાની તૈયારી છે.

નિગમ દ્વારા વન ટાઈમ સેટેલમેન્ટ યોજના અંતર્ગત છેલ્લા બે મહિનાની અંદર આશરે રૂપિયા એકસો પચાસ લાખની રીકવરી કરવામાં આવેલ છે. તેમજ આવતા દિવસોમાં ભૂતકાળમાં આપવામાં આવેલ લોન પેટેની રકમ છે. તેમજ તે રકમની રીકવરી સરકારના ધારાધોરણ તેમજ નિયમોનુસાર તુરંત જ હાથ ધરવાનું નક્કી કરેલ છે. જે બાબતે ધિરાણદારોને નોટીસો આપવાની કાર્યવાહીઓ પણ ચાલુ કરવામાં આવેલ છે. તેમજ સરકારના નિયમો મુજબ તેમજ સરકારે આપેલ મંજૂરી પ્રમાણે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જે હાલમાં ચાલુ છે તેમાં બાકીદારો જો પૂરેપૂરી રકમો વન ટાઈમ સેટેલમેન્ટ યોજનામાં જમા કરાવી આપવામાં આવશે તો તેઓને સંપૂર્ણપણે વ્યાજ માફીનો લાભ આપવામાં આવેલ છે. આ રીતે વન ટાઈમ સેટેલમેન્ટ યોજનાનો લાભ લેવામાં નહિં આવે તો આવતા દિવસોમાં તેઓની ઉપર સરકારશ્રીના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે.

નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી હવેથી અઠવાડીયાના ત્રણ દિવસ એટલે કે સોમવાર, મંગળવાર, બુધવારના રોજ પૂર્ણ સમય એટલે કે સવારના ૧૧થી સાંજે ૬:૩૦ વાગ્યા સુધી લોકોની સેવા માટે ગાંધીનગર સ્થિત ઓફીસ - શ્રી જીવરાજ ભવન જૂના સચિવાલય બ્લોક નં. ૧૧, બીજો માળ, સ્થળ પર હાજર રહેશે તેવુ તેમના દ્વારા જણાવવામાં આવેલ છે. જે કોઈ લાભાર્થી નિગમના કામ માટે તેમને રૂબરૂ મળવા ઈચ્છતા હોય તેઓ ઉપરોકત સમયે તેમની રૂબરૂ મુલાકાત લઈ શકે છે તેવુ ચેરમેન અખબારી યાદીમાં જણાવેલ છે. આવતા દિવસોમાં ઓબીસી સમાજની ૧૪૬ જ્ઞાતિઓના વિદ્યાર્થી દિકરા - દિકરીઓ તેમજ લઘુ ઉદ્યોગો માટે સરકારના નિયમો મુજબ ખૂબ જ નોર્મલ રીતે એટલે કે વાર્ષિક રીતે આશરે ૪.૫ ટકા જેવા વ્યાજના દરેથી જ લોન સહાય આપવામાં આવે છે. જેનો આખા ગુજરાતની અંદર દરેક વર્ગના લોકો લાભ લઈ શકે તેના માટેના જીલ્લા વાઈઝ કેમ્પો કરી પ્રચાર પ્રસાર કરી અને લોકોને યોગ્ય દિશા નિર્દેશ મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. (તેમજ આજ રીતે સવર્ણ વર્ગના ગરીબ લોકો માટે પણ ગુજરાત સરકાર દ્વારા અલગથી સવર્ણ આયોગની રચના કરવામાં આવેલ છે. જેનો પણ સવર્ણ સમાજના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને સવર્ણ આયોગમાંથી લાભ લેવા માટે પણ જણાવવામાં આવેલ છે.)

(3:53 pm IST)