Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

૩ વર્ષમાં રાજયની ૧૬૨ નગરપાલીકા-મહાનગરપાલીકાઓને વિકાસ કામો માટે ૨૨ હજાર કરોડની ફાળવણીઃ ધનસુખ ભંડેરી

પ્રથમ વર્ષે ૮૧૮૬, બીજા વર્ષે ૬૩૮૫ અને ત્રીજા વર્ષે ૭૪૫૦ કરોડની ફાળવણી : નરેન્દ્રભાઇના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા લોકકલ્યાણકારી યોજનાઓને વેગ આપી સર્વાંગી વિકાસ સાધતી રૂપાણી સરકાર

રાજકોટ : ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનપદે શ્રી ધનસુખભાઈ ભંડેરીને પુનઃ આરૂઢ કરાયા છે. તેઓ આજે સવારે ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના સુભાશિષ લેવા ''અકિલા'' કાર્યાલયે આવેલ હતા. તસ્વીરમાં શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ખુશખુશાલ મુદ્રામાં ધનસુખભાઈ ભંડેરી (મો. ૯૯૦૯૦ ૩૧૩૧૧) નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૫: તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને રાજયમાં છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારે સતત બીજી વખત રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક, પ્રગતિશીલ સરકાર દ્વારા રાજયનો સર્વાગિ વિકાસ થઇ રહ્યો હોવાનું ગુજરાત મ્યુ. ફાઇનાન્સ વોર્ડના ચેરમેન પદે પૂનઃ આરૂઢ ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવીને મળી રહી છે અને સામાજીક સમરસતાની સાથોસાથ 'સૌનો સાથ અને સૌનો વિકાસ' જોવા મળી રહ્યો છે. ત્રણ વર્ષમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ૨૨ હજાર કરોડ (૨૨૦૨૨.૫૩)ની ગ્રાન્ટ રાજયની ૧૬૨ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકામાં જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને જુનાગઢને ફાળવી લોકોને પ્રાથમિક સુવિધાઓ માળખાકિય સુવિધાઓ અને આંતરમાળખાકિય સુવિધાઓ આપવા સરસ પ્રયાસ થયો છે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું છે કે ભાજપ કે જનસંઘના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા સાથે દેશનું ગૌરવ વધે,છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાનો લાભ મળે તે વાત પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાયર્કર્તાના દિલમાં પડેલી છે

ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને મહત્વના વિકાસ કામો માટે વિવિધે યોજના હેઠળ જેમાં પ્લાન યોજનામાં સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, નિર્મળ ગુજરાત, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, ગુડ ગર્વનન્સ યોજના, નગર વિકાસ શ્રીનિધી લોન યોજના, મિશન મંગલમ યોજના, વાજપાયી નગર વિકાસ યોજના, મિશન મંગલમ યોજના હેઠળના સખીમંડળો, શૌચાલયની સુવિધા, સ્માર્ટ સીટી, અમૃત સીટી તેમજ નોન પ્લાન યોજનામાં જમીન મહેસુલ બીનખેતી આકાર ગ્રાન્ટ યોજના, શિક્ષણ ઉપકર ગ્રાન્ટ, નગરપાલિકા ઓકટ્રોય વળતર ગ્રાન્ટ, ચૂંટણી સહાયક અનુદાન, રોડ રીસરફેસીંગ ગ્રાન્ટ, જનસેવા કેન્દ્ર ગ્રાન્ટ, નાણા પંચની ગ્રાન્ટને સમાવેશ થાય છે

તેમજ અન્ય યોજનાઓમાં નાણાપંચ, શહેરી વિકાસ વર્ષ, ગુજરાત અર્બન ઇન્ફાસ્ટ્રકર લોન, વાજપેયી નગરવિકાસ યોજના આમ જુદા-જુદા હેડ હેઠળ પ્રતિવર્ષ જેમાં પ્રથમ વર્ષે ૮૧૮૬.૭૧ કરોડ, બીજા વર્ષે ૬૩૮૫.૮૦ કરોડ અને ત્રીજા વર્ષે ૭૪૫૦.૦૨ કરોડ. આમ કુલ મળી ૨૨ હજાર કરોડ (૨૨૦૨૨.૫૩) રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ફાળવી સબંધિત વિકાસ કામોની સમિક્ષા માટે ઝોન વાર બેઠકો પણ યોજવામાં આવી હતી.

આ ગ્રાન્ટની લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓનો તબક્કાવાર સેમીનાર પણ ગોઠવવામાં આવેલ હતો. આમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા આવનારા સમયમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હજુ વિકાસ કાર્યો બાકી છે તે પ્રક્રિયા હાથ ધરાશે. તેમ અંતમાં ધનસુખ ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧)એ જણાવ્યું હતું.

(5:09 pm IST)