Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચે ચેઇઝ બાદ ૧૧ર પેટી દારૂ ઝડપ્યો

ભાવનગર તરફથી આવી રહેલી મહિન્દ્રાની જીનીયો પીકઅપ વાનને વોચમાં રહેલી ટુકડીએ આંતરવાની કોશીષ કરતા ભગાવી મુકીઃ કિલોમીટરો સુધી પીછો કર્યા બાદ પોલીસની નજર સામે જીપ રેઢી મુકી પાયલોટીંગ કરી રહેલા યુવકના બાઇકમાં બેસી ચાલક ફરાર : બિહારી વાહન ચોરને ઝડપી ૬ ટુ વ્હીલર ચોરીનો ભેદ પણ ક્રાઇમ બ્રાન્ચે ખોલ્યો

વાહન ચોરીનો ભેદ ખોલનાર ક્રાઇમ બ્રાન્ચની ટુકડી પ્રથમ તસ્વીરમાં અને બીજી તસ્વીરમાં દારૂ ઝડપી લેનાર ટુકડી નજરે પડે છે. એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા અને પીઆઇ એચ.એમ.ગઢવીએ બંન્ને ટુકડીની કામગીરી બિરદાવી હતી.

રાજકોટ, તા., પઃ  ક્રાઇમ બ્રાન્ચની ટુકડીને મળેલી બાતમીના આધારે આજે વહેલી સવારે ભાવનગર તરફથી આવી રહેલો ૧૧ર પેટી દારૂ ભરેલી પીકઅપ વાન ઝડપી લેવામાં આવી હતી. જો કે લાંબે સુધી પીછો કર્યા બાદ પણ ચાલકને ઝડપી લેવામાં નાકામિયાબી મળી હતી. દારૂ ભરેલી પીકઅપ વાનનું પાયલોટીંગ કરી રહેલા એક બાઇક ચાલકની પાછળ વાન રેઢી મુકી ચાલક નાસી છુટયો હતો.

હેડ કોન્સ્ટેબલ અમૃત મકવાણા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ ઉનડકટ, મહાવીરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, ભરતભાઇ વાનાણી અને યુવરાજસિંહ ઝાલા  સહિતનો કાફલો ત્રંબા નજીક વોચમાં ગોઠવાયો હતો. ત્યારે બાતમી મુજબની પીકઅપ વાન નજરે પડતા પોલીસે અટકાવવાની કોશીષ કરી હતી. લાંબી ચેઇઝના અંતે વાનનો ચાલક વાન રેઢી મુકી આગળ ચાલી રહેલા બાઇક સ્વારની પાછળ બેસી નાસી છુટયો હતો.

જીનીયો પીકઅપ વાનને આજીડેમ પોલીસ સ્ટેશન લઇ જવાયા બાદ ૧૧ર પેટી ઓલ્ડ ફોકસ રમ, રોયલ ચેલેન્જ વ્હીસ્કી અને અન્ય બ્રાન્ડના દારૂની  ગણતરી ચાલી રહી છે. નાસી છુટેલા અને પાયલોટીંગ કરી રહેલા શખ્સોના નામ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

દરમિયાન ઓલ્ડ ફોકસ રમની પપ પેટીમાંથી ૬૬૦ બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૧૭ પેટીમાંથી ર૦૪ બોટલ તથા રોયલ આર્મ્સ રીયલની ૪૦ પેટીમાંથી ૪૮૦ બોટલ મળી ૪,૯૬,૦૮૦ રૂ.ની કિંમતનો દારૂ મળી આવ્યાનું બહાર આવ્યું છે. ૩ લાખની કિંમતની મહિન્દ્રા જીનીયો પીકઅપ વાન પણ કબ્જે કરવામાં આવી છે.

બિહારી વાહનચોર ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ધાધલીયાના નેજા તળેની બીજી ટુકડીએ ૬ ટુ વ્હીલરની ચોરીમાં સંડોવાયેલ ધનંજય નિરંજન શર્મા (ઉ.વ.૩૦) (રહે.કોઠારીયા સોલવન્ટ, નુરાની પરા-૧)ને ઝડપી લઇ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ યામાહા આરવન-પ, એકટીવા ઉપરાંત માલવીયાનગરમાંથી ચોરાયેલ બે એકટીવા સહિત ૬ વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કામગીરી હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચુડાસમા, પો.કો. વિક્રમભાઇ  લોખીલ,  સામતભાઇ ગઢવી, અમિનભાઇ ભલુર, પ્રદીપસિંહ જાડેજા તથા જિજ્ઞેશ મારૂએ કરી હતી.

બંન્ને ટીમોની પીઠ ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા અને પીઆઇ એચ.એમ.ગઢવીએ થાબડી પ્રોત્સાહીત કર્યા હતા.

(3:30 pm IST)