Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પ્યાસીઓની આંતરડી કકડી જાય તેવી કામગીરીઃ ૨ કરોડ ૮૪ લાખના દારૂના જથ્થા પર પોલીસે બૂલડોઝર ફેરવી દીધું

રાજકોટ શહેર પોલીસે ૨૦૨૦માં દારૂના ૬૯૪ કેસમાં ૮૪૨૪૫ બોટલ દારૂ-બીયર જપ્ત કર્યો હતો

તસ્વીરમાં પોણા ત્રણ કરોડથી વધુના જપ્ત થયેલા દારૂ પર બૂલડોઝર ફેરવી નાશ કરવાની કાર્યવાહી શરૂ થઇ તેના દ્રશ્યો અને વિગતો જણાવતાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, સાથે નશાબંધી અધિકારીશ્રી સિદ્દીકી સહિતના નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બુટલેગરો પાસેથી બાટલીઓ વેંચાતી લઇને પીનારા પ્યાસીઓમાં 'માલ કયાંય નથી' એવી વાતો સતત થઇ રહી છે. આ વચ્ચે આજે તંત્રવાહકોએ એવી કામગીરી કરી હતી જે જાણીને પ્યાસીઓની આંતરડી કકડી ગઇ હતી. શહેર પોલીસે વર્ષ ૨૦૨૦ના અગિયાર મહિનામાં અલગ અલગ કેસમાં પકડેલા રૂ. ૨ કરોડ ૮૪ લાખ ૪૨ હજાર ૭૬૧ની કિંમતના દારૂ-બીયરના જથ્થા પર આજે રાજકોટની ભાગોળે સોખડા ખાતે બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

પોલીસ જેટલો પણ દારૂ પકડે છે તે મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવે છે અને જમા કરી રાખવામાં આવે છે. આ જથ્થાનો બાદમાં વર્ષના અંતે એસડીએમ, નશાબંધી શાખાના અધિક્ષક તથા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાસ કરી નાંખવામાં આવે છે. એ મુજબ આજે શહેરની ભાગોળે સાત હનુમાન પાછળ સોખડા ખાતેના મેદાનમાં દારૂ બીયરના જથ્થા બોટલો-ટીન ઉપર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ શહેરના તમામ પોલીસ સ્ટેશન અને બ્રાંચ દ્વારા વર્ષ ૨૦૨૦માં      પ્રોહીબીશનના ૬૯૪ ગુના દાખલ કરી ૮૪૨૪૫ બોટલ દારૂ-બીયરનો જથ્થો કબ્જે કરાયો હતો. જેની કિંમત રૂ. ૨,૮૪,૪૨,૭૬૧ થાય છે. આ તમામ જથ્થાનો આજે સોખડા ખાતે નાસ કરવામાં આવ્યો હતો.

આ જથ્થામાં સોૈથી વધુ દારૂ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન-ક્રાઇમ બ્રાંચ, એસઓજી દ્વારા પકડાયો હતો. આ પોલીસ સ્ટેશન દ્વારા ૧૬૯ કેસમાં ૩૫૮૦૫ બોટલ દારૂ-બીયર  કબ્જે કરાયો હતો. જેની કિંમત રૂ. ૧,૪૬,૬૦,૩૨૯ થાય છે.

જ્યારે ઝોન-૧ હેઠળના પોલીસ સ્ટેશનોએ ૩૦૯ ગુનામાં ૪૧૩૩૭ બોટલ દારૂ બીયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની કિંમત રૂ. ૧,૧૩,૮૪,૭૪૯ થાય છે. તો ઝોન-૨ હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા ૨૧૬ ગુનામાં ૭૧૦૩ બોટલ દારૂ  બીયર જપ્ત થયો હતો. જેની કિંમત રૂ. ૨૩,૯૭,૨૬૮ થાય છે.

આમ કુલ ૬૯૪ ગુનાઓમાં ૮૪૨૪૫ બોટલ દારૂ-બીયર પકડાયો હતો. જેની કિંમત રૂ. ૨,૮૪,૪૨,૭૬૧ થાય છે. આ તમામ જથ્થાનો આજે નાસ કરી નાંખવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એસડીએમ, નશાબંધી શાખાના અધિક્ષકશ્રી સિદ્દીકી, ડીસીપી ઝોન-૨શ્રી મનોહરસિંહ જાડેજા,  તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં 

(1:05 pm IST)