Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

લવમેરેજ કરનાર ઉદય ચોટલીયાનું પત્નિ સાથે અપહરણઃ ભકિતનગર પોલીસે મુકત કરાવ્યા

કોઠારીયા રોડ આશાપુરનગરના ઉદયે એક વર્ષ પહેલા નીધી ભાલોડી સાથે પ્રેમલગ્ન કરતાં યુવતિના પરિવારને ગમ્યું નહોતું : કારમાં નાંખી મેટોડા તરફ લઇ જવાયાઃ પોલીસે કારનું લોકેશન શોધી બંનેને મુકત કરાવ્યાઃ હાર્દિક ભાલોડી, અશ્વિન ભાલોડીની ધરપકડઃ કિશોર ભાલોડી અને પરેશ ભાલોડીની શોધખોળ

રાજકોટ તા. ૪: કોઠારીયા રોડ પર આશાપુરાનગર-૧૨ હુડકો કવાર્ટર બી-૧૯૬ની સામે રહેતાં કડીયા પરિવારના યુવાન ઉદય પ્રફુલભાઇ ચોટલીયાએ એક વર્ષ પહેલા મેટોડાની નિધી નામની પટેલ યુવતિ સાથે લવમેરેજ કર્યા હોઇ તે બાબત યુવતિના પરિવારજનોને પસંદ ન હોઇ ખાર રાખી ગઇકાલે યુવતિના પરિવારજનોએ આશાપુરાનગરમાં આવી ઘરમાં ઘુસી ઉદય તથા નિધીનું અર્ટીગા કારમાં અપહરણ કરી લીધું હતું. ભકિતનગર પોલીસને જાણ થતાં તાબડતોબ એકશનમાં આવી પીછો કરી કારને કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસે આંતરી લઇ અપહૃત યુવાન અને તેના પત્નિને મુકત કરાવ્યા હતાં. આ બારામાં ચાર જણા સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી લેવામાં આવી છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે આશાપુરનગર બી-૧૯૬માં રહેતાં મીનાબેન પ્રફુલભાઇ ચોટલીયા (કડીયા) (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી મેટોડા રહેતાં કિશોરભાઇ પ્રેમજીભાઇ ભાલોડી, અશ્વિનભાઇ પ્રેમજીભાઇ ભાલોડી, હાર્દિક અતુલભાઇ ભાલોડી અને પરેશ રમેશભાઇ ભાલોડી સામે ઘરમાં ઘુસી મારામારી કરી મીનાબેનના પુત્ર ઉદય અને પુત્રવધૂ નિધીનું અપહરણ કરી જવા અંગે ગુનો નોંધ્યો હતો.

મીનાબેનના પુત્ર ઉદયએ એક મહિના પહેલા નિધી ભાલોડી સાથે લવમેરેજ કર્યા છે. આ બાબત નિધીના પરિવારજનોને પસંદ ન હોઇ ખાર રાખી ગઇકાલે કિશોરભાઇ ભાલોડી સહિતના ચાર અર્ટીગા કાર લઇને આવ્યા હતાં અને મીનાબેન સહિતને મારકુટ કરી તેમના પુત્ર ઉદય અને પુત્રવધૂ નિધી ઉદયને કારમાં નાંખી ઉઠાવી ગયા હતાં.

બનાવની જાણ થતાં પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના મુજબ ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, રમેશભાઇ ગડેચીયા, પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. રણજીતસિંહ પઢેરીયા, મનરૂપગીરી ગોસ્વામી, સલિમભાઇ મકરાણી, કોન્સ. રણજીતસિંહ જાડેજા, મનિષભાઇ સિરોડીયા, વાલજીભાઇ જાડા સહિતે દોડધામ શરૂ કરી હતી અને કાર નં. ૪૧૧૯નું ચોક્કસ લોકેશનને આધારે કારને કટારીયા ચોકડી પાસે આંતરી ઉદય અને તેના પત્નિને મુકત કરાવ્યા હતાં.

ઉદય ચોટલીયાના કહેવા મુજબ હાલમાં તે વકિલાતની પ્રેકટીસ કરે છે. ૨૦૧૮માં નિધી સાથે કોલેજકાળ વખતે પરિચય થયો હતો અને બાદમાં પ્રેમ થયો હતો. એ પછી પોતે અમદાવાદ હાઇકોર્ટમાં પ્રેકટીસ કરી હતી. તેણે એક મહિના પહેલા નિધી સાથે રજીસ્ટર મેરેજ કર્યા છે. ત્યારથી નિધી પોતાની સાથે જ રહે છે. તેણે વધુમાં કહ્યું હતું કે ગઇકાલે કાકાજી સસરા કિશોરભાઇ અન અશ્વિનભાઇ તથા સાળો હાર્દિક ભાલોડી અને કોૈટુંબીક કાકાજી પરેશભાઇ અમારા ઘરે આવ્યા હતાં અને 'તારા મમ્મીને મજા નથી, ભેગી આવ' તેમ મારા પત્નિ નિધીને કહેતાં તેણીએ એકલા આવવાનું ના પાડતાં ઝપાઝપી ગાળાગાળી કરી હતી અને બાદમાં મને તથા નિધીને કારમાં નાંખી મેટોડા તરફ લઇ જતાં હતાં. ત્યાં રસ્તામાં પોલીસે લોકેશન શોધી છોડાવી લીધા હતાં.

(1:06 pm IST)