Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

લોકડાઉન પછી ધંધો ન જામતાં નવાગામમાં મુકેશભાઇ રાઠોડનો દૂકાનમાં જ આપઘાત

દરજી કામ કરતાં પ્રોૈઢે કાપડ પંખામાં બાંધી દેહ લટકાવી દીધોઃ સવારે દૂકાને જવાનું કહીને ગયા ને લાંબા ગામતરે ચાલી નીકળ્યા

રાજકોટ તા. ૩: કોરોનાને કારણે લોકડાઉન પછી પણ અનેક લોકોના કામધંધાની ગાડી પાટે ચડતી નથી. દરમિયાન કુવાડવા રોડ શિવનગર-૧૨માં રહેતાં અને નવાગામમાં દરજી કામની દૂકાન ધરાવતાં મુકેશભાઇ ગોપાલભાઇ રાઠોડ (ઉ.વ.૫૭)એ પોતાની જ દૂકાનમાં પંખામાં કાપડ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

લોકડાઉન પછી ધંધો જામતો ન હોઇ તેની ચિંતામાં પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. સવારે તેઓ દૂકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. દરમિયાન એક ગ્રાહક દૂકાને આવતાં શટર બંધ દેખાતાં બાજુમાં પુછતાં બાજુની દૂકાનવાળાએ ફોન જોડતાં આ ફોન મુકેશભાઇના દિકરાએ કે જે ઘરે હતો તેણે રિસીવ કર્યો હતો અને પપ્પા તો દૂકાને જ છે તેમ કહેતાં શટર ખોલીને તપાસ કરતાં મુકેશભાઇ લટકતા મળ્યા હતાં. કુવાડવાના એએસઆઇ એન.આર.વાણીયા અને જયદિપભાઇ લાઠીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)