Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હડાળા ગામની ર એકર જમીનના કેસમાં કાચી નોંધ રદ કરી અરજદાર તરફેણમાં ચૂકાદો : બીનખેતીની જમીન 'ખેતી' દેખાડાઇ !!

આ જમીન ઉપરસિન્ડીકેટ બેન્કનું ૩ લાખનું લેણું છે : બોગસ કુલમુખત્યારનામુ ઉભુ કરાયાનો ઘટસ્ફોટ : સ્ટેમ્પ પેપર પણ ખોટો : તારીખ પણ ખોટી : સરનામુ પણ ખોટું : વાંધો લેનાર તળશી પટેલની રજૂઆત...

રાજકોટ, તા. ૪ : રાજકોટ તાલુકા મામલતદાર શ્રી કથિરીયાની કોર્ટમાં કેસ ચાલી જતા વાંધેદાર તળશીભાઇ પટેલ-રાજકોટની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.

તળશીભાઇએ માખીયાળાના રામજીભાઇ ગજેરા અને પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલ-રાજકોટ સામે વાંધો લીધો હતો.

આ મહત્વના કેસની વિગતો મુજબ રાજકોટ તાલુકાના હડાળાગામે, ખાતા નં. ૮૪, સ.નં.૧૬ર પૈકી ર ની જમીન ચો.મી. ર-પ૧-પ૭ માં દાખલ થયેલ કાચી નોંધ નં. ૮૩૦૯ સામે વાંધા અરજી અંગે સુનાવણી થઇ હતી.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, હડાળા ગામાના ગામના ખેતી ખાતા નં. ૮૪ થી સ.નં. ૧૬ર પૈકી ર ની જમીન ચો.મી. ર-ર૧-પ૭માં શ્રી તળશીભાઇ જેરામભાઇ પાદરીયાના કુ.મુ. દરજ્જે શ્રી પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલ એ રજીસ્ટર્ડ દસ્તાવેજ નં.૪૧૬૩, તા. ર૭/૦૮/ર૦૧૯ થી શ્રી રામજીભાઇ વલ્લભભાઇ ગજેરા ને વેચાણ આપતા ખરીદનાર તરફથી સાધનિક કાગળો સાથે અરજી રજુ થતા કાચી નોંધ નં. ૮૩૦૯ તા. ૧૧-૦૯-ર૦૧૯ના રોજ દાખલ કરવામાં આવેલ અને નોંધ બાબતે હિત સંબંધ ધરાવનાર તમામ પક્ષકારોને ૧૩પ-ડી ની નોટીસ બજાવવામાં આવેલ. આ નોંધ સામે શ્રી તળશીભાઇ જેરામભાઇ પટેલે તા. ૦૩-૧૦-ર૦૧૯ના રોજ વાંધા અરજી રજુ કરતા ભારે ચર્ચા ઉપડી હતી. વાંધેદાર શ્રી તળશીભાઇ જેરામભાઇ પટેલ પોતાની વાંધા અરજીમાં જણાવેલ છે કે, હડાળા ગામના હકકપત્રકે દાખલ થયેલ નોંધ નં. ૮૩૦૯ જમીન કૌભાંડ આચરવાના ભાગરૂપે કરવામાં આવી રહી છે. આ જમીન ઉપર સીન્ડીકેટ બેન્ક, બેડી બ્રાન્ચ, મુ. બેડી, તા.જી. રાજકોટનો રૂ. ૩,૦૦,૦૦૦/નો બોજો છે અને તેથી કોઇ નોંધ મંજુર થઇ શકે નહીં. આમો વાંધેદાર એ કયારેય પણ પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલનાઓને કોઇ કુલમુખત્યારનામુ આપેલ નથી. આ કુલમુખત્યારનામુ બોગસ બનાવટી અને ખોટુ ઉભુ કરેલ છે. પ્રજ્ઞાબેન અમારા બ્લડ રીલેશનમાં નથી કે તેણીને અમો ઓળખતા પણ નથી. પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલના અને તેના મળતીયાઓએ ફ્રોર્જરીનો ગંભીર ગુનો આચરી એક બીજાની મદદગારીમાં જુના સ્ટેમ્પ પેપરનો દુરઉપયોગ કરી અમારી ખોટી, બોગસ અને બનાવટી સહી કરી કૌભાંડ આચરવામાં આવુ ખોટું કુલમુખત્યારનામુ બનાવી ગંભીર ગુનો આચરેલ છે. આ કુલમુખત્યારનામામાં હડાળાનું અમારૂ ખોટુ સરનામું બતાવવામાં આવેલુ છે. સ્ટેમ્પ પેપર પણ ખોટો છે તેની તારીખ પણ ખોટી છે. 'તળશી જેરામ' તરીકે પાના નં.૪ ઉપર જે અમારી સહી કરવામાં આવેલ છે તે પણ ખોટી છે અને તે સહી અમારી નથી. તેમજ અમો કયારેય પણ એન.આર. વોરા નોટરી સમક્ષ આવું કુલમુખત્યારનામું કરી આપવા માટે ગયેલ નથી.

આ પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલ અને વેચાણ દસ્તાવેજ અનુ. નં.૪૧૬૩ તા. ર૭-૮-ર૦૧૯ના રોજનો જેના નામે કરવામાં આવેલ છે તે રામજી વલ્લભભાઇ ગજેરા તેમજ સદરહું દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર નિર્મલ રામજી ગજેરા અને ક્રિષ્ના રામજી ગજેરાએ એક બીજાની મદદગારી કરી આવો બોગસ દસ્તાવેજ જાણે કે આ મિલકત ખેતીની ખેડવાણ જમીન છે તે રીતે બનાવેલ છે. આ મિલકત તા. ર૦-૯-૧૯૯૦ના રોજ તાલુકા વિકાસ અધિકારી મોરબીના હુકમ નં. લેન્ડ ૬પ/ર/રજી.નં. પ૭/૧૯૮૯-૯૦ થી બીનખેડવાણ થયેલ છે જે બીનખેતીની નોંધ હકકપત્રકે ર૦૬પ તા. રપ-૭-૧૯૯પના રોજ દાખલ થયેલ છે. આમ, બીનખેડવાણ જમીન જાણે કે ખેતીની જમીન છે તે રીતે બોગસઝ કુલમુખત્યારનામું અને વેચાણ દસ્તાવેજ બનાવેલ છે. જેથી આ નોંધ નં. ૮૩૦૯ ગેરકાયદેસર દાખલ થયેલ હોય વાંધા અરજી કરી આ નોંધ નામંજૂર કરવા હુકમ ફરમાવવા અરજી કરી છે.

આ કામની તા. ૭-૧૧-ર૦૧૯ની પ્રથમ મુદતે વાંધેદારશ્રીના વકીલ તરીકે વકીલશ્રી અર્જુન એસ. ગોંડલીયા (પટેલ)એ વકીલાતનામુ રજૂ કર્યું હતું. આ કેસમાં મુદત તા. ૧૪-૧૧-ર૦૧૯ના રોજ મુકરર કરવામાં આવી.

તા. ૧૪-૧૧-ર૦૧૯ની મુદતે વાંધેદારશ્રી મોડેથી હાજર થયેલ અને મૌખિક રજુઆત કરતા આ કેસની આગામી મુદત તા. રપ-૧૧-ર૦૧૯ના રોજની મુકરર કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતા તાલુકા મામલતદાર શ્રી કથિરીયાએ રાજકોટએ રાજકોટ તાલુકાના હડાળા ગામના ખેતી ખાતા નં. ૮૪ સ.નં. ૧૬ર પૈકી ર ની જમીન ચો.મી. ર-ર૧-પ૭માં દાખલ થયેલ કાચી નોંધ નં. ૮૭૦૯ નામંજૂર કરતો હુકમ કર્યો હતો અને તકરાર માન્ય કરી કેસ રજીસ્ટરેથી કમી કરવામાં આવેલ છે.

(4:03 pm IST)