Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પોલિસી લીધાને બે વર્ષ ન થયા હોય તે મુદ્દા પર કલેઈમ નકારી શકાય નહીં

રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમનો ચુકાદો

રાજકોટ,તા.૪: આ કેસની વિગત એવી છે કે જુનાગઢમાં રહેતા ગિરીશભાઈ રૂપારેલીયાએ પોતાના અને પોતાના પરિવારની આરોગ્ય વિમા પોલિસી ૨૦૧૬ની સાલથી રાજકોટમાં સામાવાળા ઓરીએન્ટલ વીમા કંપની પાસેથી લીધેલ. શ્રી ગિરીશભાઈના પિતા કેશવભાઈને તબિયત બગડતા, શ્વાસમાં તકલીફ થતા રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલમાં દાખલ થયેલ. જેમાં ઉંમરને કારણે તેમને ફેંફસા તેમજ કિડનીમાં તકલીફ થતા ૩ દિવસ હોસ્પિટલમાં રહી સારવાર કરાવેલ. સદરહુ સારવારનો ખર્ચ રૂ.૯૧,૩૮૮ થતા ફરીયાદી ગિરીશભાઈએ તે ખર્ચની વીમા પોલિસી હેઠળ સામાવાળા વીમા કંપની પાસે કલેઈમ કરેલ. પરંતુ વીમા કંપનીએ કલેઈમ નકારી કાઢતા એવું કારણ આપેલ કે વીમા પોલિસીના નિયમ મુજબ સારવારનો ખર્ચ બે વરસની પ્રતિક્ષા (વેઈટિંગ) પછી જ મળી શકે અને આ કિસ્સામાં પોલિસી લીધાને આ બીજું જ વર્ષ હોઈ કલેઈમ મળવાપાત્ર નથી તેમ જણાવેલ.

વીમા કંપનીએ આ રીતે કલેઈમ આપવાનું નકારતા નારાજ થઈ ફરીયાદી શ્રી ગિરીશભાઈએ ઓરિએન્ટલ વીમા કંપની વિરૂદ્ધ પોતાના વકીલશ્રી સત્યેન્દ્ર તિવારી મારફત રાજકોટની ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરીયાદ કરેલ.

સદરહુ ફરીયાદ ફોરમ સમક્ષ ચાલી જતા ગ્રાહક ફોરમે તમામ દસ્તાવેજો, પુરાવા તથા બંને પક્ષોના વકીલોની દલીલો ધ્યાને લઈ ફરીયાદીની તરફેણમાં ચુકાદો આપતા ઠરાવેલ કે આ કેસમાં વેઈટીંગ પીરીયડ બે વરસનું ગણી શકાય નહીં. પોલિસી કંડીશનમાં માંદગીઓ અને તે સામેનો વેઈટીંગ પીરીયડનું લીસ્ટ આપેલ છે જેમાં આ કેસની માંદગી સામેલ ન હોઈ કલેઈમ નકારી શકાય નહીં.

ઉપરોકત છણાવટ સામે નામ. ગ્રાહક ફોરમે હુકમ કરેલ કે સામાવાળા વીમા કંપનીએ કલેઈમની રકમ રૂ.૯૧,૩૮૮ પુરેપુરી ૬ ટકા વાર્ષિક વ્યાજ સાથે ફરીયાદીને ચુકવવી. સાથે ફરીયાદને થયેલ માનસિક ત્રાસ પેટે રૂ.૧,૦૦૦ તથા ફરીયાદ ખર્ચના રૂ.૫૦૦ ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ.

ઉપરોકત કેસમાં ફરીયાદીવતી રાજકોટના ધારાશાસ્ત્રીશ્રી સત્યેન્દ્ર તિવારી રોકાયેલ હતા.

(3:45 pm IST)