Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે પૈસાની ઉઘરાણી મામલે બાબુરામ સહાની અને ભરત પર હુમલો

આકાશ, રમેશ અને ત્રણ અજાણ્યાએ ઘુસ્તા-પાટા મારી પથ્થરમારો કર્યોઃ બીજા બનાવમાં લોધેશ્વર સોસાયટીમાં ભાવેશ પર થઇ ધોકાવાળી

રાજકોટ તા. ૪: રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટી-૨ શેરી નં. ૧માં રહેતાં મુળ યુપીના બાબુરામ અભિરાજભાઇ સહાની (ઉ.૩૦) અને તેના કારીગર ભરત શંકરભાઇ સહાની (ઉ.૩૨) પર યુપીના જ આકાશ, રમેશ અને ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી ધોકા-ઢીકા-પાટુનો માર મારી તેમજ પથ્થરમારો કરી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બાબુરામ અને તેના ભાઇ પુરનવાસી કલરકામની મજૂરી કરે છે. તેણે અગાઉ તેના વતનના આકાશ સહિતને પૈસા આપ્યા હોઇ તેની આજે બાબુરામે ઉઘરાણી કરતાં ડખ્ખો કરી હુમલો કરાયો હતો. બચાવવા માટે મજૂર ભરત વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી.

બીજા બનાવમાં લોધેશ્વર સોસાયટીમાં રહેતાં અને ટ્રકમાંથી માલ ઉતારવાની મજૂરી કરતાં ભાવેશ મનસુખભાઇ ઝરીયા (ઉ.૨૮)ને જગદીશ લોધા, અમિત લોધા સહિતનાએ ઘરે આવી ધોકા-ઢીકાપાટુનો માર મારી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ભાવેશના કહેવા મુજબ પોતાને જગદીશ-અમિતે ગાળો દીધી હોઇ તે બાબતે ચડભડ થયા બાદ આ બધાએ ઘરે આવી હુમલો કર્યો હતો.

બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ ગાંધીગ્રામ તથા માલવીયાનગર પોલીસમાં જાણ કરી હતી.

(3:43 pm IST)