Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

નિલકંઠ પાર્કમાં મનિષા કોળી સંચાલિત જૂગારધામમાં દરોડોઃ દંપતિ, પાંચ મહિલા સહિત ૮ની ધરપકડ

ક્રાઇમ બ્રાંચના એભલભાઇ બરાલીયા અને પરેશગીરીની બાતમી પરથી એએસઆઇ બી. જે. જાડેજા અને ટીમનો દરોડોઃ ૮૧૭૦૦ની રોકડ કબ્જેઃ પતિ પથારીવશ હોઇ ઘરખર્ચ કાઢવા મનિષા નાલ કાઢી જૂગારધામ ચલાવતી'તી

રાજકોટ તા. ૪: કોઠારીયા રોડ પર નિલકંઠ પાર્ક મેઇન રોડ પર શાળા નં. ૮૦ સામેના બ્લોક નં. ઇ-૨/૨ 'ઓમ સાઇ દર્શન' નામના મકાનમાં કોળી મહિલા સંચાલિત જુગારધામ ચાલતું હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ઘરધણી મહિલા તથા રમવા આવેલી બીજી પાંચ મહિલા અને એક દંપતિ સહિત ૮ને પકડી લઇ રૂ. ૮૧૭૦૦ની રોકડ કબ્જે લીધી હતી. કોળી મહિલાએ પોતાનો પતિ પથારીવશ હોઇ ઘરખર્ચ કાઢવા નાલ કાઢી જૂગાર રમાડવાનું ચાલુ કર્યાનું રટણ કર્યુ હતું.

ડીસીબીની ટીમે દરોડો પાડી ઘરધણી મનિષાબેન પિયુષભાઇ શેખ (ઉ.૩૨), તથા બિંદીયાબેન વિશાલભાઇ વરસાણી (ઉ.૩૭-રહે. લક્ષ્મીવાડી-૨૦/૧૯ ખુણો, રામ નિવાસ), દક્ષાબેન બિપીનભાઇ રાવલ (ઉ.૫૨-રહે. ક્રિષ્ના, કેનાલ રોડ જયરાજ પ્લોટ-૯), નિર્મળાબેન જગદીશભાઇ પરમાર (ઉ.૫૦-રહે. ગાયકવાડી-૨/૧૧), ઇન્દુબેન ચંદ્રકાંતભાઇ પારેખ (ઉ.૬૮-રહે. ડ્રીમસીટી ડી-૨, રૈયાધાર-મુળ એમ. જી. રોડ, કાવેરી હોટલ પાસે પોરબંદર), દક્ષાબેન વિક્રમસિંહ ગોહિલ (ઉ.૩૬-રહે. મોચીનગર-૨, આંબેડકર ચોક રાજકોટ), જ્યોતિબેન મહેશભાઇ કોટેચા (ઉ.૪૭-રહે. ખોડિયાર શકિત, ઢેબર રોડ ગોપાલનગર-૧) તથા તેના પતિ મહેશભાઇ પ્રભુદાસભાઇ કોટેચા (ઉ.૫૮)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૮૧૭૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, એભલભાઇ બરાલીયા, પરેશગીરી ગોસાઇ, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, મહિલા કોન્સ. તોરલબેન જોષી સહિતની ટીમ તથા ભકિતનગરના હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વાલજીભાઇ જાડા સહિતના કોઠારીયા રોડ પર પેટ્રોલીંગમાં હતાં ત્યારે એભલભાઇ બરાલીયા અને પરેશગીરીને બાતમી મળી હતી કે નિલકંઠ પાર્ક બ્લોક ઇ-૨/૨માં રહેતી મનિષાબેન શેખ (કોળી) પોતાના ઘરમાં બહારના માણસો ભેગા કરી નાલ કાઢી જૂગારધામ ચલાવે છે.

આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં ઘરના ડાબી તરફના એક રૂમમાં એક પુરૂષ અને સાત મહિલા કુંડાળુ વળી જૂગાર રમતાં જોવા મળતાં તમામના નામ-ઠામ મેળવી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:01 pm IST)