Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સગાઇ પ્રસંગે આનંદના ઉન્માદમાં કરેલા ભડાકામાં પરસોતમ અને સંદીપની ધરપકડ

રાજ શ્રૃંગાર પાર્ટી પ્લોટમાં બનેલી ઘટનામાં ઘવાયેલા અમદાવાદના પ્રવિણભાઇ પટેલ હજુ સારવાર હેઠળ

રાજકોટ, તા. ૪ : શહેરના ૧પ૦ ફુટ રોડ પર આવેલા રાજ શ્રૃંગાર પાર્ટી પ્લોટમાં યોજાયેલા સગાઇ પ્રસંગમાં મોજમાં આવીને હવામાં ફાયરીંગ કરતી વખતે મીસ ફાયરમાં અમદાવાદના પટેલ પ્રૌઢને ગંભીર ઇજા થઇ હતી. આ બનાવમાં તાલુકા પોલીસે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ અમદાવાદ બાપુનગરમાં સોમનાથ સોસાયટીમાં ઇન્ડીયા કોલોની સી/૧૦માં રહેતા વિનોદભાઇ મધુભાઇ રાખોલીયા (ઉ.વ.પ૭) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં અમદાવાદના પરસોતમ ગોવિંદભાઇ પટેલ અને સંદીપ બળવંતભાઇના નામ આપ્યા છે. તેણે ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે અમદાવાદ ખાતે પ્રાઇવેટ નોકરી કરે છે અને પ્રવિણભાઇ પિતરાઇ ભાઇ થાય છે. પરમ દિવસે મારા મોબાઇલ ફોન ઉપર કાકા દેવચંદભાઇ સાવલીયાનો ફોન આવેલ અને પ્રવિણભાઇ છગનભાઇ પટેલ (ઉ.વ.પ૦)ને વાગી ગયું છે તેમ વાત કરતા પોતે અમદાવાદથી રાજકોટ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ વણજારા તથા પીએસઆઇ ટી.ડી. ચુડાસમા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. રાજકોટના મોબાઇલ ફોનના ધંધાર્થી હાર્દિકભાઇ સોરઠીયાની બહેનની સગાઇ અમદાવાદના યુવક સાથે થઇ હતી અને પરમ દિવસે અમદાવાદથી યુવક અને તેના પરિવારજનો, સગા સ્નેહીઓની હાજરીમાં સગાઇ પ્રસંગ યોજાયો હતો. સગાઇમાં મોજમાં  આવી ગયેલા સંદીપ સહિતનાઓ રાત્રે નવેક વાગ્યા બાદ પરસોતમભાઇની કારમાં પડેલી તેમની પરવાના વાળી બારબોરની બંદૂક લઇ આવીને ચેક કરતા હતા મોજમોજમાં હવામાં ફાયરીંગ કરતા એક ગોળી મીસ ફાયર થતા પ્રવિણભાઇના પેટના ભાગે ખૂંપી ગઇ હતી. બાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવમાં તાલુકા પોલીસે પ્રવિણભાઇના કૌટુંબીક ભાઇ વિનોદભાઇ રાખોલીયાની ફરીયાદ દાખલ કરી અમદાવાદના પરસોતમ ગોવિંદભાઇ પટેલ અને સંદીપ બળવંતભાઇ કાકડીયાની ધરપકડ કરી હતી.

(4:12 pm IST)