Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મેટોડાની ફેકટરીમાં નકલી બોંબ મુકનાર - ૧૦ લાખની ખંડણી માંગનાર એમડી મુસ્લીમના રિમાન્ડ મંગાશે

રાજકોટ, તા., ૪:  મેટોડા જીઆઇડીસીમાં આવેલ સત્યાય ટેકનોકાસ્ટ ફેકટરીમાં ૩ મહિના પુર્વે નકલી બોંબ મુકનાર અને ૧૦ લાખની ખંડણી  માંગનાર બિહારના મુસ્લીમ શખ્સન રૂરલ પોલીસે ઝડપી લીધા બાદ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છેે.

પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઇડીસી ખાતે આવેલ સત્યાય ટેકનોકાસ્ટ પ્રા.લી. નામની ફેકટરીમાં ગત તા. ૧પ જુલાઇના રોજ બોંબ  મુકાયા બાદ આ બોંબ નકલી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.  આ ઘટનાની તપાસ જે તે સમયે રૂરલ એસપી બલરામ મીણાએ એસઓજીને સોંપવાનો  હુકમ કર્યો હતો.

દરમિયાન ફેકટરીના માલીક નિલેશભાઇ ધીરૂભાઇ માંગરોલીયા(પટેલ) (રહે. રાજકોટ)ને તેના મોબાઇલ ફોન પરથી અજાણ્યા શખ્સનો ફોન આવેલ અને કહેલ કે 'તારે મને રૂ. ૧૦ લાખ આપવા પડશે, નહિતર કારખાનામાં દેશી બોંબ મુકી  દઇશ અને નુકશાની માટે તૈયાર રહેજે' તેવી  ધમકી આપતા  નિલેશભાઇએ  રૂરલ એસપી બલરામ મીણાને મળીને ખંડણીના ફોન અંગે ફરીયાદ કરતા તેઓએ તુર્ત જ રૂરલ એસઓજીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા તથા ટીમને તપાસ કરવાનો હુકમ કર્યો હતો. રૂરલ એસઓજી તથા લોધીકા પોલીસની સંયુકત  તપાસમાં  ધમકી આપનાર શખ્સ એમડી મુસ્લીમ  મહમદ હુસેન અંસારી (રહે. મૂળ રસુલપુર, ગામ થાના લાલગંજ, પોસ્ટ જયંતીપુર, જી. વૈશાલી-બિહાર) હોવાનું ખુલતા પોલીસે આ અંગે કારખાનેદારને જાણ કરતા કારખાનેદાર નિલેશભાઇએ  એમડી મુસ્લીમ મહમદ હુસેન અંસારી અગાઉ તેની જ ફેકટરીમાં નોકરી કરતો હોવાનું પોલીસને જણાવતા એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ લોધીકાના પીએસઆઇજે.યુ.ગોહીલ, એલસીબીના એએસઆઇ મહમદ ચૌહાણ, એસઓજીના મયુરભાઇ વીરડા તથા લોધીકા પોલીસ મથકના હરદીપસિંહ સહીતની ટુકડીએ બિહારમાં ધામા નાખી આરોપી એમડી મુસ્લીમને ઝડપી લીધો હતો.

પકડાયેલ  એમડી મુસ્લીમની આગવી ઢબે પુછતાછ કરતા ૩ માસ પુર્વે  પોતે જ ખંડણી પડાવવા માટે મેટોડાની સત્યાય ટેકનોકાસ્ટ ફેકટરીમાં નકલી બોંબ મુકયાની કબુલાત આપી હતી અને ફરીથી ૧૦ લાખની ખંડણી પડાવવા માટે ઉકત ફેકટરીમાં બોંબ મુકવાની કારખાનેદારને ધમકી આપ્યાની કબુલાત આપી હતી. આરોપી એમડી મુસ્લીમને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.  આ કાર્યવાહીમાં એસઓજીના પીઆઇ એમ.એન.રાણા, લોધીકાના પીએસઆઇ એચ.પી.ગઢવી, લોધીકાના ખોડુભા જાડેજા, એસઓજીના ભુપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા, અતુલભાઇ ડાભી, જયવીરસિંહ રાણા, સંજયભાઇ નિરંજની, રણજીતભાઇ ધાંધલ , દિનેશ ગોંડલીયા, સાહીલ ખોખ્ખર,  તથા દિલીપસિંહ જાડેજા સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(3:53 pm IST)