Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

શિયાળો અને હાડકાના સાંધાનો દુખાવો ડો. ઉમંગ શિહોરા

એમએસ (ઓર્થોપેડીકસ)(ગોલ્ડ મેડાલીસ્ટ) ફેલો ઇન જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, કન્સલ્ટન્ટ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ,રાજકોટ

રાજકોટ તા.૪: નવેમ્બર-ડીસેમ્બર-જાન્યુઆરી મહિનાની સવાર ઠંડકવાળી તથા આહલાદક હોય છે. હાલ શિયાળાની શરૂઆત થવામાં છે અને આખા વર્ષનો આ સમયગાળો આપણા શરીરનંુ સ્વાસ્થ્ય સારૂ બનાવાવનો ઉત્તમ સમયગાળો માનવામાં આવે છે. શિયાળાની વહેલી સવારે પરોઢીયે ખુલ્લી હવામાં બગીચાઓમાં લટાર મારતા જોગીંગ કરતા કે વ્યાયામ કરતા લોકોની સંખ્યા પણ આપોઆપ વધી જાય છે. કસરત એ પણ શરીરનો એક ખોરાક જ છે. એ ખોરાક જેટલો વધારે એટલી શારીરિક સ્વસ્થતા વધારે.

ડો. ઉમંગ શિહોરાએ માહિતી આપતા જણાવેલ હતું કેે ગુજરાતીમાં એક બહુ જ પ્રચલિત કહેવત છે ''સાંધા એટલા વાંધા'' માનવ શરીરની રચનામાં કુદરતે ૨૩૦ જેટલા હલન ચલન કરતાં સાંધાઓ આપેલા છે જેના કારણે આપણે આપણા શરીરને ઉપર-નીચે, ડાબી કે જમણી બાજુ કે નીચે તરફ વાળી શકીએ છીએ પરંતુ ૨૩૦ પૈકીના એક પણ સાંધામાં જો તકલીફ ઉભી થાય ત્યારે માણસની અસહ્ય દુખાવો થતો હોય છે. આ તમામ સાંધાઓની હલન ચલન થતી રહે એ ખુબ જ જરૂરી હોય છે. હાડકાના કોઇપણ પ્રકારના સાંધાના દુખાવામાં તાત્કાલીક સારવાર મેળવી લેવી જરૂરી હોય છે, અન્યથા તે ગંભીર સ્વરૂપ પણ પકડી શકે છે.

ડો. શિહોરાએ જણાવેલ હતું કે શિયાળામાં ઠંડી ઋતુમાં લોહીનું પરિભ્રમણ મંદ પડે છે. પેરીફેરલ વાસોકન્સ્ટ્રીકશન (લોહીની નળીઓનું સંકોચાઇ જવું) ની લીધે સ્નાયુઓની સ્થિતિ સ્થાપકતા, લચીલાપણું ખુબ જ ઘટી જાય છે અને પરિણામે હાડકાઓનાં સાંધાઓનું હલન ચલન પણ તકલીફદાયક બને છે. ગોઠણના સાંધાના આવા રોગને આર્થરાઇટીસ કહેવામાં આવે છે. આમ તો તેના ઘણા પ્રકારો છે. પાછલી ઉંમરના આ પડાવમાં થતા ગોઠણના સાંધાના આવા રોગને આર્થરાઇટીસ કહેવામાં આવે છે. ઓસ્ટીઓઆર્થરાઇટીસના લક્ષણોમાં ગોઠણમાં દુખાવો થવો, સોજો ચડેલો રેવો, ચાલવામાં લંગડાવું, પગથીયા ચડવા-ઉતરવામાં તકલીફ થવી, ગોઠણના સાંધાની ચાલ ઓછી થઇ જવી, ગોઠણથી વાંકા વળી જવા, સાંધામાં અવાજ આવવો વિગેરેનો સમાવેશ થાય છે.

ઓસ્ટિઓઆર્થરાઇટીસ વિશે માહિતી આપતા ડો. શિહોરાએ જણાવેલ હતું કે, ઓસ્ટીઓઆર્થરાઇટીસની સારવાર જોઇએ તો દરેક ગ્રેડ પ્રમાણે અલગ અલગ હોય છે. ગ્રેડ-૪ના દર્દીઓ માટે ની રિપ્લેસમેન્ટ સર્જરી શ્રેષ્ઠ વિકલ્પ છે. પોતાના માટે સાચવી રાખેલી જીંદગીની બીજી ઇનીંગમાં જો આસ્ટીઓઆર્થરાઇટીસ તમારી જીંદગીની ગાડીની સ્પીડમાં અડચણરૂપ બને તો ની રિપ્લેસમેન્ટ સર્જરી રૂપી તાપણાથી ગરમીથી તેને દૂર કરો અને ફરી પાછા સ્વસ્થ બની જીવન પંથ પર ર્સ્ફુતિથી ચાલવા-દોડવા માંડો, અત્રે એ પણ નોંધનીય છે કે ઓસ્ટીઓ આર્થરાઇટીસ ના શરૂઆત ગ્રેડસની પણ સારવાર છે અને તેમાં સર્જરીની જરૂર રહેતી નથી.

(3:43 pm IST)