Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

એસ.બી.આઈ. લોન કેસમાં એ.જી. ઓફિસના સસ્પેન્ડ કર્મચારી સહિત ૩ આરોપીની સજા કાયમ રાખતી સેસન્સ કોર્ટ

નીચેની કોર્ટે કરેલ ૩ વર્ષની સજાના હુકમને બહાલીઃ સજા માટે સરન્ડર થવા અન્યથા ધરપકડનું વોરંટ ઈસ્યુ કરવા આદેશ

રાજકોટ, તા. ૪ :. બોગસ દસ્તાવેજો બનાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન લઈ એ.જી. ઓફિસના સસ્પેન્ડ કર્મચારી સહિત ૩ આરોપીની સજા સેસન્સ અદાલતે કાયમ રાખતો ચુકાદો આપેલ હતો.

સને ૨૦૦૪મા એ.જી. ઓફિસના સસ્પેન્ડ કર્મચારી ભરત પ્રભાશંકર ત્રિવેદી તથા તેમના પત્નિ વનીતાબેન ભરતભાઈ ત્રિવેદી તથા તેમના સાથી જીતેશ ભાનુભાઈ થોભાણાએ રાજકોટમા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લોન લેવા માટે બોગસ દસ્તાવેજો તથા સબ રજીસ્ટ્રારના સહી-સિક્કા તથા ઈન્ડેક્ષ અને રજીસ્ટ્રેશનની પહોંચ આ તમામ દસ્તાવેજો બોગસ ઉભા કરી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાંથી ૨,૩૦,૦૦૦-૦૦ની લોન લઈ કૌભાંડ આચરવામાં આવેલ અને તે સમયે બેંક દ્વારા આરોપી ઉપર ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને તે ફરીયાદના અનુસંધાને અધિક જ્યુડી. મેજી.ની કોર્ટમાં ફોજદારી કેસ ચાલેલ અને તે કેસમાં ઉપરોકત આરોપીઓ સામે તેમને આચરેલ કૌભાંડનો ગુન્હો સાબિત થતા તા. ૨૯-૧૧-૨૦૦૭ના રોજ કોર્ટે તમામ આરોપીઓને ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવેલ.

આ હુકમની સામે આરોપીઓએ રાજકોટ સેસન્સ અદાલતમાં સને ૨૦૦૭માં અપીલ દાખલ કરેલ સદરહુ આરોપીઓએ કરેલ અપીલમાં સરકારશ્રી તરફે સરકારી વકીલ મુકેશભાઈ જી. પીપળીયા હાજર રહી દલીલ કરેલ અને આરોપીઓને જે સજા કરવામા આવેલ છે તે યોગ્ય છે અને આરોપીઓ સામે કેસ સાબિત થયેલ છે તેથી તેને થયેલ સજાના હુકમમા કોઈ ફેરફાર કરવો જોઈએ નહિ અને સજા કાયમ રાખવી જોઈએ અને આરોપીઓએ બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવી કૌભાંડ આચરી ગંભીર ગુન્હો કરેલ છે.

ઉપરોકત સરકારી વકીલની દલીલ ધ્યાને તથા પુરાવાઓને ધ્યાને લઈ સેસન્સ જજશ્રી એચ.એ. બ્રહ્મભટ્ટની અદાલતે આરોપીઓની અપીલ રદ કરી નીચેની કોર્ટએ કરેલ ત્રણ વર્ષની સજા તથા દંડનો હુકમ કાયમ રાખેલ છે અને સજા ભોગવવા આરોપીઓએ દિવસ ૧૫ માં કોર્ટ સમક્ષ સરન્ડર થવું અને જો આરોપીઓ સરન્ડર ન થાય તો જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે તેમની સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરવુ તેવો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં સરકાર તરફે વકીલશ્રી મુકેશ જી. પીપળીયા રોકાયેલા હતાં.

(3:42 pm IST)