Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મવડી સ્મશાન પાસે ચોર સમજીને યુવાનને પતાવી દેવાયો

નેપાળી જેવો લાગતો યુવાન રાત્રીના ગોલ્ડ રેસિડેન્સીની સાઇટ પાસે આટાફેરા કરતો હતોઃ હત્યાનો ભેદ ખુલ્યો, ભોગ બનનારની ઓળખ હજુ બાકી : ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ વી.એસ. વણઝારા, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી તથા ટીમોની તપાસમાં ગણતરીના સમયમાં ભેદ ઉકેલાયોઃ સિકયુરીટી ગાર્ડએ ટપારતાં ગાળો બોલી બટકા ભરવા માંડ્યોઃ ગાર્ડ સહિત ત્રણ-ચાર જણાએ પાઇપથી ફટકારી ફેંકી દીધોઃ ઘાયલ અવસ્થામાં પડ્યો રહેતાં મોતને ભેટ્યાનું તારણ

જ્યાં હત્યા થઇ એ સ્થળે એસીપી ગેડમ, પી.આઇ. વણઝારા તથા ક્રાઇમ બ્રાંચની ટીમ, તાલુકા પોલીસનો સ્ટાફ  પહોચ્યો હતો. જેની હત્યા થઇ તે યુવાનનો મૃતદેહ તથા ઇન્સેટમાં મૃતકના બૂટ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. મવડીના સ્મશાન નજીક કણકોટ જવાના રસ્તા પરથી સવારે નેપાળી જેવા દેખાતા એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. માથા અને પગના ભાગે છરી કે તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી યુવાનને રહેંસી નાંખવામાં આવ્યો છે. તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનેલા યુવાનની ઓળખ મેળવવા આસપાસથી નેપાળી લોકોને બોલાવી તપાસ શરૂ કરી હતી. જો કે મોડી બપોર સુધી હત્યાનો ભોગ બનનારની ઓળખ થઇ નહોતી, પરંતુ હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. લાશ જ્યાંથી મળી ત્યાં નજીકમાં જ બનતી નવી રેસિડેન્સીની સાઇટ પર આ યુવાન રાત્રીના નશો કરેલી હાલતમાં હોય એ રીતે આટાફેરા કરતો હોઇ ચોકીદારે ટપારતાં તેની સાથે ગાળાગાળી કરવા માંડતા ચોકીદાર સહિત ચારેક જણાએ પાઇપથી ફટકારી રોડ પર ફેંકી દીધો હતો. બાદમાં ઘાયલ અવસ્થામાં કલાકો સુધી પડી રહેવાથી મોતને ભેટ્યાનું તારણ નીકળ્યું છે. મારકુટ કરનારા ત્રણ-ચાર શખ્સોને પોલીસે ઉઠાવી લઇ પુછતાછ આદરી છે અને હત્યાનો ભોગ બનનારની ઓળખ મેળવવા દોડધામ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે સવા સાતેક વાગ્યે હરદિપસિંહ નામના જાગૃત નાગરિક મવડી સ્મશાનથી આગળ કણકોટ રોડ પર આવેલા અક્ષર પરિસર ફલેટના બોર્ડ નજીકથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે રસ્તાની સાઇડમાં એક યુવાનને બેભાન જેવો જોતાં તેણે તુર્ત જ ૧૦૮ને ફોન કર્યો હતો. ૧૦૮ના ઇએમટી રવિભાઇ રાઠોડે તપાસ કરતાં મૃતક યુવાનને માથા-પગ-હાથમાં ઇજાઓ દેખાઇ હતી અને તે મૃત હોવાનું જણાતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ નિરંજનભાઇ જાનીએ તાલુકા પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, પીએસઆઇ એમ. ટી. રબારી, પીએસઆઇ જી.એસ. ગઢવી, ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, તાલુકાના જયંતિભાઇ, દિવ્યરાજસિંહ, હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર,  હિરેનભાઇ સહિતની ટીમ પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.          માથા , પગ, હાથ અને શરીરના ભાગે બોથડ પદાર્થના  ઘા ઝીંકાયાનું લાશને જોતાં લાગ્યું હતું.  હત્યાનો ભોગ બનનાર યુવાન નેપાળી જેવો લાગે છે અને ઉમર આશરે ૨૮ થી ૩૦ વર્ષની દેખાય છે. તેણે કોફી-સફેદ લાઇનીંગવાળુ ટી-શર્ટન, બ્લુ જીન્સ અને ગ્રે રંગનું જાકીટ તથા પગમાં સ્પોર્ટ શૂઝ પહેર્યા છે. તેની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી આવી ન હોઇ પોલીસે નજીકમાં રહેતાં નેપાળી લોકોને બોલાવી મૃતકની ઓળખ થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતાંે. જો કે બપોર સુધી હત્યાનો ભોગ બનનારની ઓળખ થઇ નથી.

 પોલીસે હત્યા સ્થળ આસપાસ તપાસ કરતાં હત્યાનો ભોગ બનનાર યુવાન રાત્રીના સમયે નજીકની ગોલ રેસિડેન્સી પાસે આંટાફેરા કરતો હોવાની માહિતી મળતાં  પોલીસે એ સાઇટ પર જઇ તપાસ કરતાં એક સિકયુરીટી ગાર્ડ તથા સાથેના ત્રણેક શખ્સોએ મળી આ યુવાનની પાઇપથી ધોલધપાટ કરી હતી અને બેભાન જેવો થઇ જતાં લાશ જ્યાંથી મળી એ સ્થળે ફેંકી દીધો હતો. જેનું સારવારને અભાવે મોત થઇ ગયું હતું.

પોલીસે ચારેક શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લીધા છે. એવું ચર્ચાય છે કે હત્યાનો ભોગ બનનાર નશો કર્યો હોય એ રીતે સાઇટ આસપાસ બબડાટ કરતો હતો અને આટાફેરા કરતો હતો. ચોકીદારે તેને દૂર ખસેડવા પ્રયાસ કરતાં તેને બટકા ભરી લેતાં ચોકીદાર અને સાઇટ પરના બીજા શખ્સો ઉશ્કેરાયા હતાં અને તેને પાઇપના ઘા ફટકારી દીધા હતાં. આમ હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે પણ હત્યાનો ભોગ બનનાર હજુ ઓળખાયો ન હોઇ એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પી.આઇ. વી. એસ. વણઝારા અને ટીમે તપાસ યથાવત રાખી છે. ઓળખ થયા બાદ આગળની કાર્યવાહી થશે. (૧૪.૭)

માથા-હાથ-પગમાં તિક્ષ્ણ હથીયાર અને ધોકાના ૧૧ જેટલા ઘાના નિશાન મળ્યા

. ઘટના સ્થળે એફએસએલ અધિકારી શ્રી વ્યાસ પહોંચ્યા હતાં. તેમણે મૃતદેહનું નિરિક્ષણ કરતાં માથા પાછળ તિક્ષ્ણ હથીયારનો એક ઘા તથા પગમાં અને હાથમાં ધોકા કે બીજા કોઇ બોથડ પદાર્થના અગીયાર જેટલા ઘા ફટકારાયાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવ્યું હતું. પોલીસે લાશનું પંચનામુ કરી પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. (૧૪.૮)

એક નેપાળી યુવાને આવીને કહ્યું- આ તો પ્રેમની લાશ છે, પોલીસ તેના ઘરે પહોંચી તો પ્રેમ બેઠો-બેઠો રોટલી વણતો દેખાયો!

. હત્યાનો ભોગ બનનારની ઓળખ મેળવવા પોલીસે જુદા-જુદા નેપાળી લોકોને ઘટના સ્થળે બોલાવી મૃતદેહ દેખાડ્યો હતો. જે પૈકી એક યુવાને લાશ જોતાં જ 'આ તો પ્રેમ છે' તેમ કહેતાં પોલીસ તેને સાથે લઇને પ્રેમ ઘટના સ્થળથી નજીકમાં રહેતો હોઇ પોલીસ નેપાળી યુવાનને સાથે લઇ પ્રેમના ઘરે પહોંચી હતી. ત્યાં જઇ તપાસ કરતાં પ્રેમ રોટલી વણતો જોવા મળ્યો હતો. આમ લાશ વણઓળખાયેલી જ રહી હતી.

(3:25 pm IST)