Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સિન્‍ડિકેટ બેન્‍કના પૂર્વ ચેરમેન એસ.કે. જૈને રૂા.૧.૨૫ કરોડની લાંચ લીધી હતી

જૈનના નિવાસસ્‍થાને દરોડા દરમિયાન રૂ. ૨૧ લાખ રોકડા અને રૂ.૧.૬૮ કરોડનું સોનું ઉપરાંત ૬૩ લાખની ફિક્‍સ ડિપોઝિટ મળી હતી.

 સીબીઆઈએ સિન્‍ડિકેટ બેન્‍કના પૂર્વ ચેરમેન એસ.કે. જૈન પર ૨૦૧૪માં રૂ. ૧.૨૫ કરોડની લાંચ લેવાનો આક્ષેપ કર્યો છે. એસ.કે. જૈન પર એવો આક્ષેપ છે કે તેમણે પ્રકાશ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડની બે કરોડ ડોલરની વિદેશી વાણિજય લોનના પ્રસ્‍તાવને મંજૂરી અપાવવા માટે વચેટિયા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ પાસેથી લાંચ લીધી હતી. સીબીઆઈએ જૈનની ૨૦૧૪માં તેના એક સંબંધી પાસેથી લાંચના રૂ. ૫૦ લાખ મળ્‍યા બાદ ધરપકડ કરી હતી.

સીબીઆઈએ એવો દાવો કર્યો હતો કે એક અન્‍ય કંપની ભૂષણ સ્‍ટીલ પાસેથી આ રકમ લાંચના સ્‍વરૂપમાં લેવામાં આવી હતી. સીબીઆઈએ ભૂષણ સ્‍ટીલ અને પ્રકાશ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ પાસેથી લાંચ લેવાના મામલામાં બે કેસ દાખલ કરવામાં આવ્‍યા હતા. જોકે બંને કંપનીઓએ આ મામલામાં પોતાની સંડોવણીનો ઈન્‍કાર કર્યો હતો.

પતિયાલા હાઉસ સ્‍થિત સ્‍પેશિયલ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલા ચાર્જશીટમાં સીબીઆઈએ પ્રકાશ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના સીએમડી વેદપ્રકાશ અગ્રવાલ, કંપનીના સલાહકાર વિપુલ અગ્રવાલ, સીએ પવન બંસલ અને જૈનના સંબંધી વિનિત ગોંધા પર ગુનાહિત કાવતરું રચવાનો અને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્‍યો છે. તપાસ દરમિયાન સીબીઆઈએ એવો દાવો કર્યો છે કે લાંચની રૂ.૧૨૫ કરોડની રકમ જૈનને પ્રકાશ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના વચેટિયા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટે આપી હતી.

સીબીઆઈએ જણાવ્‍યું છે કે સિન્‍ડિકેટ બેન્‍કના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર જૈનના નિવાસસ્‍થાને દરોડા દરમિયાન રૂ. ૨૧ લાખ રોકડા અને રૂ.૧.૬૮ કરોડનું સોનું ઉપરાંત ૬૩ લાખની ફિક્‍સ ડિપોઝિટ મળી હતી. જૈન ૨૦૨૦માં નિવૃત્ત થવાના હતા, પરંતુ સીબીઆઈનો રિપોર્ટ મળ્‍યા બાદ કેન્‍દ્રીય નાણાં મંત્રાલયે તેમને સસ્‍પેન્‍ડ કરી દીધા છે.

 

(4:52 pm IST)