Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સાંજે ૮૦ વર્ષથી વધુ વયના મતદારોનું ‘‘કોફી વીથ કલેકટર'' સાથે સન્‍માનઃ ઉપલેટાના ૧૨૬ વર્ષના ઉજીબેન ખાસ હાજરી આપશેઃ ૧૦૦૦ લોકોએ મોકપોલ કર્યુ

ચુંટણી પંચે રાજકોટને ૩ કરોડની ગાન્‍ટ ફાળવીઃ અખીલેશ યાદવ આજે રાત્રે રાજકોટમાં: કાલે માયાવતી આવે છેઃ ૭મીએ મનમોહનસિંહની રાજકોટમાં પત્રકાર પરીષદ : ગુજરાતમાં સોૈપ્રથમ ‘‘મોક પોલ'' રાજકોટમાં યોજાયું

રાજકોટઃતા. ૪, ગુજરાત વિધાન સભાના મતદાન આડે આંગળીના વેઢે ગણાય તેટલા જ દિવસો બાકી છે. આવનાર શનિવારે પ્રથમ ચરણનું મતદાન યોજાવાનું છે ત્‍યારે તંત્ર તથા રાજકીય પક્ષો વધુ મતદાન થાય એ તરફ કાર્યક્રમો કરી રહયુ છે.  રાજકોટ શહેર જીલ્લાની ૮ બેઠકો  માટે કલેકટર શ્રી વિક્રાંત પાંડેના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો કરી રહયુ છે.

 આજે કલેકટર સાથે ૮૦ વર્ષની ઉપરના મતદારો માટે સંકલ્‍પ રેસટોરન્‍ટ, નીલ દા ધાબા સામે  કાલાવડ રોડ ખાતે ૪ વાગે ‘‘ કોફી વીથ કલેકટર'' નામનો નવતર કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં ઉપલેટાના ૧૨૬ વર્ષના મહિલા મતદાર ઉજીબેન ખાસ હાજર રહેશે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં વધુમાં વધુ મતદાન થાય એ દિશામાં તંત્ર જહેમત ઉઠાવી રહયુ છે.

 આ ઉપરાંત આજે રાજકોટ શહેર-જીલ્લાના ઉમેદવારો-એજન્‍ટોની હાજરીમાં વિધાનસભા-૬૯ના રીટર્નીગ ઓફિસર અને ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા ૧૦૦૦ જેટલા લોકોનું ‘‘ મોક પોલ'' પણ વિરાણી હાઇસ્‍કુલ ખાતે કરવામાં આવેલ. આ મોકપોલ સંદર્ભે લોકો ઉમટી પડયા હતા. તમામને સમજણ અપાઇ હતી.

 ચુંટણી પંચે  રાજકોટ શહેર જીલ્લાની ૮ બેઠકો માટે વધુ ૩ કરોડની ગાન્‍ટ ફાળવી છે. આ ગાન્‍ટ મળવાથી કલેકટર તંત્ર દ્વારા સ્‍ટાફ તથા ચુંટણી ફરજ ઉપર હાજર સ્‍ટાફના પગાર તથા અન્‍ય ખર્ચ ચુકવવા કવાયત હાથ ધરાઇ છે. આ પહેલા ચુંટણી પંચ દ્વારા ૨૦ લાખની ગાન્‍ટ ફાળવવામાં આવી હતી.

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પક્ષો પણ ખુબ જ સક્રીય અને પોતાના પક્ષના મોટા નેતાઓની સભા-રેલીઓ યોજવાના આયોજન કરી ચુકયા છે. ભાજપ દ્વારા ગઈકાલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈની જંગી સભા યોજાઈ હતી અને કોંગ્રેસે પણ રાજકોટની ચારેય બેઠકના ઉમેદવારો સાથેની સભા પણ યોજી હતી. ત્‍યારે આવતીકાલે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીજી પણ રાજકોટ ખાતે આવી રહયા છે. તેઓ સવારે રાજકોટ આવી પહોંચશે અને બપોરે ૧૨:૩૦ કલાકે રેસકોર્ષ ખાતે મતદારોને બસપા તરફ આકર્ષવા સભા સંબોધન કરશે. માયાવતીજીની સભા અનુસંધાને બ.સ.પા.ના ઉમેદવારો તથા કાર્યકરોમાં ઉત્‍સાહ વધ્‍યો છે.

 કચ્‍છના પ્રવાસે આવેલ સમાજવાદી પાર્ટીના અખીલેશ યાદવ પણ આજે રાજકોટ સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે. તેઓ કાલે સવારે રાજકોટથી રવાના થશે. તેમની કોઈ સભા કે રેલી યોજાવાની નથી પણ રાજકોટમાં પગ જમાવવા માટે શહેરના સમાજવાદી પાર્ટીના આગેવાનો અખીલેશ યાદવ સાથે મુલાકાત કરે તેવી વકી છે.

કોંગ્રેસ રાજકોટમાં એડી ચોટીનું જોર લગાવી રહયુ છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ પણ તા.૭ના રોજ રાજકોટની ટૂંકી મુલાકાતે આવી રહયા છે. તેઓ સવારે ૧૧:૩૦ કલાક આસપાસ આવી પહોંચશે. મનમોહનસિંઘ બપોરે ૨ કલાકે નિલસીટી કલબ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે અને ત્‍યારબાદ  તેઓ  :૩૦  કે    વાગ્‍યા આસપાસ  પરત  ફરશે.

 આવતીકાલે  કલેકટર  કચેરી  ખાતે રાજકોટ  શહેર  જીલ્લાની ૮ બેઠકો માટે મુકવામાં  આવેલ  ૨૨૪  માઇક્રો ઓર્બ્‍ઝરવરની ખાસ તાલીમ આપવામાં આવનાર છે. આમ ચુંટણી શાંતિથી યોજાય તે માટે તંત્ર અને પોતાના પક્ષના ઉમેદવાર ચુંટાઇ આવે એ માટે રાજકીય પક્ષો દિવસ- રાત આયોજન કરી રહયા છે.

 

(4:48 pm IST)