Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાહુલની ઓળખ વંશ, મોદીની ઓળખ વિકાસ : સંબિતપાત્રા

રાહુલમાંથી ગાંધી શબ્દ દૂર થાય તો કોઇ વેલ્યુ નથી.. મોદીજી સંઘર્ષથી સર્જાયેલું નેતૃત્વ છે.... : રાહુલના નામમાં દમ છે, નરેન્દ્રભાઇના કામમાં દમ છે* રાજકોટના પાંચ વિકાસ કાર્યો વર્ણવીને સંબિત પાત્રાનો રાહુલને પડકાર-સાંજ સુધીમાં અમેઠી મોડેલના પાંચ કાર્યો વર્ણવો * ભાજપાના રાષ્ટ્રીય પ્રવકતાની પત્રકાર પરિષદ : દુશ્મન કોણ ? કોંગ્રેસ મોદીજીસામે ટ્વીટ કરે છે, હાફિઝ અંગે મૌન : રાહુલે યુપીમાં અખિલેશનો સાથ લીધો, ગુજરાતમાં પણ અન્યના સહારે.. રાહુલની ખુદની કોઇ લડત નથી

ભજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા સાથે અગ્રણીઓ કમલેશ મિરાણી, ડો. જૈમન ઉપાધ્યાય, ધનસુખ ભંડેરી, રાજુ ધ્રુવ નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪ :.. રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહ્યા છે. રાહુલ ગાંધી અને નરેન્દ્રભાઇ મોદી વચ્ચે આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ રસપ્રદ તુલના કરીને કોંગ્રેસ સામે પ્રશ્નો દાગ્યા હતાં.

પત્રકાર પરિષદમાં શ્રી પાત્રાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી નામમાંથી ગાંધી શબ્દ દૂર કરી દેવામાં આવે તો આ નેતાની કોઇ વેલ્યુ નથી. વંશના આધારે રાહુલની ઓળખ છે. જયારે નરેન્દ્ર મોદી વંશ નહિ, સંઘર્ષમાંથી સર્જાયેલું નેતૃત્વ છે. રાહુલની ઓળખ વંશ છે, નરેન્દ્રભાઇની ઓળખ વિકાસ છે. ગુજરાતમાં વંશ-વિકાસ વચ્ચે જંગ છે. ભારતનો  સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ વંશ વાદનો આધાર લે છે જયારે વિશ્વની સૌથી મોટો પક્ષ ભાજપ વિકાસના આધારે આગળ વધે છે. ગુજરાતમાં વંશ હારશે, વિકાસ જીતશે.

ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ મોદી - શાહ અને ગુજરાતનું નેતૃત્વ વિજયભાઇ-નીતિનભાઇ વંશના આધારે ગોઠવાયું નથી. આ નેતાઓ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે, જયારે રાહુલ ગાંધીની વ્યકિતગત ઓળખ કંઇ નથી. માત્ર વંશની કહાની છે. ભારતમાં રાજવી યુગ સમાપ્ત થઇ ગયો છે, લોકશાહીમાં વંશનું નામ નહિ, પરંતુ નેતાનું કામ મહત્વનું ગણાય છે. રાહુલ ગાંધીનો જન્મ થયો ત્યારથી જ નકકી હતું. કે તેઓ પાર્ટીના અધ્યક્ષ બનશે...!

શ્રી પાત્રાએ પાકિસ્તાની ત્રાસવાદી હાફિઝ સઇદનો પ્રશ્ન ઉઠાવીને કહયું હતું કે, ત્રાસવાદી હાફીઝ અને મુશર્રફ હાથ મીલાવે અને સાથે ચૂંટણી લડે તે ધિક્કારને પાત્ર છે. રાહુલ ગાંધીએ આ ધિક્કાર અંગે નિવેદન આપવાને બદલે નરેન્દ્રભાઇ વિરૂધ્ધ ટવીટ કર્યુ ! કોંગ્રેસને એ પણ ખબર નથી કે દેશના અસલી દુશ્મનો કોણ છે...યુપીએ શાસન વખતે લાદેનને જી કહેતા, હાફિઝને સાહેબ કહેતા...હજુ પણ રાહુલ ગાંધી હાફિઝ સામે કંઇ નિવેદન નથી કરતા.

સંબિત પાત્રાએ રાજકોટના વિકાસના પાંચ મુદા ગણાવ્યા હતા. જેમાં આજી ડેમ, નવુ રસકોર્ષ, બસ પોર્ટ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી આજે સાંજ સુધીમાં અમેઠી મોડેલના પાંચ વિકાસ કાર્યો અંગે વાત કરે. યુપીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમેઠીમાં કોંગ્રેસ છેક પાંચમાં ક્રમે પહોંચી ગઇ છે. દેશમાં દરેક પ્રાંતમાં કોંગ્રેસ જનાધાર ગુમાવી બેઠી છે. આ કારણે ગુજરાતમાં નાત-જાતના ભેદભાવ સર્જીને જીતવા માંગે છે.

સંબિત પાત્રાએ જણાવ્યુ હતુ કે, રાહુલ પાસે ખુદની કોઇ સિદ્ધિ નથી. આ કારણે યુપીમાં અખિલેશનો સાથ લીધો, ગુજરાતમાં પણ અન્યના સહારે ચાલે છે. લોકો તેમને ઓળખી ચુકયા છે. ગુજરાતમાં કેસરિયાનો જય જયકાર નિશ્ચિત છે. પત્રકાર પરિષદમાં ભાજપના અગ્રણીઓ કમલેશ મિરાણી, ડો.જૈમન ઉપાધ્યાય, ધનસુખભાઇ ભંડેરી, રાજુ ધ્રુવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(5:43 pm IST)