Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મેટોડા જીઆઇડીસી-સાવરકુંડલા-દિવ-અમરેલીમાં વરસાદી છાંટા

ઓખી વાવાઝોડાના કરંટરૂપે સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢુબોળઃ સૂર્યનારાયણના દર્શન થયા નથી

રાજકોટ, તા. ૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટ નજીકના મેટોડા જીઆઈડીસી વિસ્તાર તથા સાવરકુંડલામાં ઝરમર વરસાદ વરસ્યો છે.

ખીરસરાનો અહેવાલ

ખીરસરાના પ્રતિનિધિ ભીખુપરી ગોસાઈના અહેવાલમાં જણાવાયુ છે કે, મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં આજે બપોરે ઝરમર વરસાદ વરસતા લોકોમાં આશ્ચર્ય છવાઇ ગયુ છે.

ઓખી વાવાઝોડાના કરંટરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઇ ગયુ છે. આવા વાતાવરણ વચ્ચે આજે બપોરે ૧૧-૧પ વાગ્યા આસપાસ રાજકોટ કાલાવાડ રોડ ઉપર આવેલ મેટોડા જીઆઇડીસી વિસ્તાર તથા રાતૈયા ગામ અને વડવાજડીમાં ઝરમર છાંટા વરસ્યા હતા.  આ ઉપરાંત દિવમાંં પણ વરસાદી છાંટા વરસ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

સાવરકુંડલાનો અહેવાલ

સાવરકુંડલાના પ્રતિનિધિ દિપક પાંધીના અહેવાલમાં જણાવાયુ છે કે, સાવરકુંડલામાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું અને સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને વાતાવરણ ટાઢુબોળ છે. બપોરે ૧૧.૩૦ વાગ્યા આસપાસ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઠંડી સાથે ઝરમર છાંટા વરસ્યા હતા. ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

અમરેલીનો અહેવાલ

અમરેલીના પ્રતિનિધિ અરવિંદ નિર્મળના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે બપોરના ૧૧ વાગ્યાથી વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયુ છે અને વાતાવરણ ટાઢુબોળ અનુભવાય છે.

(2:07 pm IST)