Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજનગર ચોક-ગોકુલધામમાં ૧૦ ઓફિસ-દૂકાનમાં ચોરના પગલા

ચૂંટણી અને નેતાઓના બંદોબસ્‍તમાં સતત વ્‍યસ્‍ત પોલીસને ચોરટાઓ ફેંકી રહ્યા છે સતત પડકાર : ધર્મેશ પટેલની લાભ ટ્રેડિંગમાંથી રોકડ ગઇઃ એડવોકેટ ધવલ શીશાંગીયા, કલ્‍પેશ ગોડાની દેવ લાઇટ્‍સ, એન્‍જલ બ્રોકીંગ તથા ડો. વિશાલ પટેલના ડેન્‍ટલ કેરમાં ચોરીનો પ્રયાસઃ સીસીટીવી કેમેરા છે પણ નાઇટ વિઝન ન હોવાથી કંઇ દેખાતું નથીઃ ગોકુલધામ ચોકમાં પાંચકે દૂકાનોમાં ચોરીનો પ્રયાસઃ માલવીયાનગર પોલીસને જાણ કરાઇ

જ્‍યાં તસ્‍કરો ત્રાટક્‍યા તે દૂકાનો-વેપારીઓ, દૂકાનો અંદર વેરવિખેર ચીજવસ્‍તુઓ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૪: શહેર પોલીસ હાલમાં ચૂંટણી અને નેતાઓના આવન-જાવનને કારણે બંદોબસ્‍તમાં સતત વ્‍યસ્‍ત છે જેનો ફાયદો ચોરટાઓ ઉઠાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વણિક વેપારીના ઘરમાં લાખોની ચોરી થઇ હતી. ગઇકાલે પણ મકાન, કારખાનામાં ચોરીના બનાવો નોંધાયા હતાં. ત્‍યાં હવે નાના મવા રોડ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાછળ રાજનગર ચોકમાં આવેલા વિરાર પ્‍લાઝા કોમ્‍પલેક્ષમાં એક સાથે પાંચ દૂકાન-ઓફિસને તેમજ ગોકુલધામ ચોક પાસે પાંચેક દૂકાનોના શટરો ઉંચકાવી ચોરટાઓએ નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્‍યો છે. આ વિસ્‍તારમાં અન્‍ય એક સ્‍થળે પણ ચોર ત્રાટક્‍યા હતાં. ત્રણેય જગ્‍યાએ એક તસ્‍કર ટોળકી ત્રાટક્‍યાની શક્‍યતા છે.

જાણવા મળ્‍યા મુજબ તસ્‍કરોએ મવડી પ્‍લોટ સરદારનગરમાં રહેતાં અને વિરાર પ્‍લાઝામાં ઉપરના માળે ઓફિસ ધરાવતાં એડવોકેટ ધવલ વિઠ્ઠલભાઇ શીશાંગીયાની ઓફિસ, બાજુમાં કલ્‍પેશભાઇ ગોડાની દેવ લાઇટ્‍સ નામની દૂકાન, એન્‍જલ બ્રોકીંગ નામની ઓફિસ તેમજ નીચેના માળે ડો. વિશાલ પટેલના આસ્‍થા ડેન્‍ટલ કેર તથા ે ધર્મેશભાઇ જસાણીની લાભ ટ્રેડિંગ નામની કરિયાણાની દૂકાનના શટર ઉંચકાવી ખાખાખોળા કર્યા હતાં. જેમાંથી કરિયાણાની દૂકાનમાંથી ૩૦-૩૫ હજારની રોકડ ગઇ હતી. અન્‍ય દૂકાનોમાંથી ૧૦૦-૨૦૦નું પરચુરણ ગયાનું જાણવા મળે છે. આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. અહિ એક દૂકાનમાં સીસીટીવી કેમેરા છે પરંતુ નાઇટ વિઝન ન હોવાથી કંઇ દેખાતું નથી.

આ ઉપરાંત ગોકુલધામ ચોકમાં આરએમસી ક્‍વાર્ટર નજીક જગાભાઇ ચાવાળાની દૂકાન નજીક પાંચેક દૂકાનોના શટર ઉંચકાવી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્‍યાનું જાહેર થતાં પોલીસે ત્‍યાં પહોંચી નોંધી કરી હતી. મોટી મત્તા ગઇ ન હોઇ હાલ વેપારીઓએ ફરિયાદ નોંધાવી નથી. તસ્‍કરોએ આ સિવાયના અન્‍ય એક વિસ્‍તારમાં પણ તરખાટ મચાવ્‍યો હતો. જો કે ત્‍યાં પણ કંઇ ગયું ન હોઇ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. એક જ તસ્‍કર ટોળકી આ ત્રણેય સ્‍થળે ત્રાટક્‍યાની શક્‍યતા છે.

 

(1:41 pm IST)