Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સાંજે ઘરેથી નીકળેલો સરફરાજ સવારે નાના મવા સર્કલ પાસે લોહીલુહાણ-બેભાન મળ્યો

ડ્રાઇવીંગ કરતાં યુવાન પર કોઇએ હુમલો કર્યો કે પડી જતાં ઇજા?

રાજકોટ તા. ૪: નાના મવા સર્કલ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતો અને ટ્રક ડ્રાઇવીંગ કરતો સરફરાજ સુલેમાનભાઇ બ્લોચ (ઉ.૩૦) સવારે ચારેક વાગ્યે નાના મવા સર્કલ નજીક ક્રિષ્ના ડાઇનીંગ પાસે નવા બનતા બિલ્ડીંગ પાસેથી માથામાં ગંભીર ઇજા સાથે લોહીલુહાણ અને બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ ડી.વી. ખાંભલાએ કાર્યવાહી કરી હતી. સરફરાજ બે ભાઇમાં મોટો છે. સંતાનમાં એક પુત્રી છે. તેના માતા સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરે છે. સરફરાજ સાંજે સાતેક વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. સવારે તે ઘાયલ, બેભાન મળતાં પરિવારજનો ચિંતામાં ડુબી ગયા છે. તેના પર કોઇએ હુમલો કર્યો કે તે બિલ્ડીંગ પરથી પડી ગયો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)