Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

શરમનું નહીં, ગૌરવનું કારણ બનીશ : ઇન્‍દ્રનીલ રાજયગુરૂ

ચૌધરી હાઇસ્‍કુલમાં યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં હકડેઠઠ મેદની જામી : ૨૦૦ થી વધુ ભાજપ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો

રાજકોટ તા. ૪ : ગઇકાલે એક જ દિવસમાં રાજકોટમાં બે બે જંગી સભાઓ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાનની સમાન્‍તર જ કોંગ્રેસે ચૌધરી હાઇસ્‍કુલના મેદાનમાં યોજેલ  મહાસભામાં પણ હકડેઠઠ મેદની જામી હતી.

સભાને સંબોધતા ઇન્‍દ્રનીલ રાજગુરૂએ જણાવેલ કે ભાજપના પાપે ગુંડાગીરી, લુખ્‍ખાગીરી વધી રહી છે. ભાજપના ઇશારે પોલીસ લાઠીઓ વિંઝી રહી છે. પરંતુ લાઠી તો શું હું તોપથી પણ ડરતો નથી. ભાજપની જેમ ખોટા વચન નથી આપતો એટલે જ મકકમતાથી કહું છુ કે હું રાજકોટ માટે શરમનું નહીં પણ ગૌરવનું કારણ બનવા માંગુ છુ.

મોદીજીની સભા કરતા પણ મોટી સંખ્‍યા કરવા મેં ઉચ્‍ચારેલી વાણીને આજે આપ સૌએ આટલી વિશાળ સંખ્‍યામાં હાજરી આપી સાચી ઠેરવી છે તે બદલ હું આપ સૌનો આભારી છુ.

રાજકોટે ત્રણ ત્રણ મુખ્‍યમંત્રી આપ્‍યા છતા કયાંય વિકાસ દેખાતો નથી. રાજકોટ માટે સ્‍પેશ્‍યલ ગ્રાન્‍ટમાંથી એક પણ સારો બ્રીજ સરકાર બનાવી શકી નથી. વિધવા બહેનો પણ ભાજપના રાજમાં હેરાન પરેશાન છે. પેન્‍શન માટે ધકકા ખાવા પડે છે.

દરમિયાન ગઇકાલની ઘટનાને ટાંકીને ઇન્‍દ્રનીલભાઇએ જણાવેલ કે હાર દેખાઇ જતા ભાજપીઓ હવે હુમલા પર ઉતરી આવ્‍યા છે. મારા ભાઇ ઉપર હુમલો કરવામાં આવ્‍યો. હું રજુઆત કરવા મુખ્‍યમંત્રીના ઘરે ગયો તો મારા ઉપર પણ ભાજપના ઇશારે પોલીસે લાઠીઓ વરસાવી. પરંતુ લાઠીઓ તો શું હું તોપણી પણ ડરતો નથી. રાજકોટ માટે હું ગૌરવનું કારણ બનીશ એ મારૂ વચન છે તેમ જુસ્‍સાભેર કરેલ પ્રવચનમાં ઇન્‍દ્રનીલ રાજગુરૂએ જણાવેલ.

આ જાહેર સભામાં ઉતરાખંડના પૂર્વ મુખ્‍યમંત્રી હરીશ રાઉત અને ઓલઇન્‍ડિયા  યુથ કોંગ્રેસના પ્રમુખ રાજ બરાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. રાજકોટના અન્‍ય ઉમેદવાર મિતુલ દોંગા, વશરામ સાગઠીયા, ડો. દિનેશ ચોવટીયાએ પણ સભા સંબોધી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આમ રાજકોટની ચારે બેઠકના ઉમેદવારોએ એકજ મંચ પરથી જાહેર સભા સંબોધી હતી.

જનસભા દરમિયાન વોર્ડ નં. ૯ ના યુવા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ આંબલીયા સહીત ભાજપના ૨૦૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા તેઓને ખેસ પહેરાવી અભિવાદન કરાયુ હતુ.

પાસના નીખીલ સવાણી, હેમાંગ પટેલે પણ બંધ બારણે ઇન્‍દ્રનીલભાઇ સાથે મીટીંગ કરી હોવાનું ચર્ચાય છે.

 

 

(7:58 pm IST)