Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ક્રાઇમબ્રાંચના ત્રણ સ્થળે દરોડાઃ વાડીની ઓરડીમાંથી તીનપતી રમતા ૮, ક્રિકેટનો સટ્ટો રમાડતા ૪ ઝડપાયા

બી ડીવીઝન પોલીસે ભગવતીપરાનાં મકાનમાંથી પત્તા ટીંચતા છને દબોચ્યા

રાજકોટ, તા.૪: ખોરાણા ગામ પાસે આવેલી વાડીની ઓરડીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોની પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા, એએસઆઇ બીપીનદાન ગઢવી, સી.એમ.ચાવડા, હેડ કોન્સ સંતોષભાઇ મોરી, જયંતીભાઇ ગોહેલ, ઇન્દ્રજીતસિંહ ગોહીલ, કરણભાઇ મારૂ તથા અશોકભાઇ ડાંગર પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ જયંતીભાઇ, ઇન્દ્રજીતસિંહ અને અશોકભાઇને મળેલી બાતમીના આધારે ખોરાણા ગામ પાસે આવેલી રમેશ ખોડાભાઇ ચૌહાણ (રહે. ખોરાણા)ની વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા વાડીમાલીક રમેશ ચૌહાણ તથા ખોરાણાના નરશે કરશનભાઇ વેકરીયા, મોરબી રોડ ઇન્દ્રપ્રસ્થ, સોસાયટી-૧ના હિતેશ ગણેશભા વેકરીયા, મૌવા રોડ જલારામ સોસાયટી-૨ના શીવધન બચુભાઇ કેસુર, આટકોટના શીવુભા કાળુભા રાયજાદા, રેલનગરના મનીષ કાંતીભાઇ ભરાડ, સંતકબીર રોડ ભોજલરામ સોસાયટી-પના કિશોર રવજીભાઇ ભાખર, સંતકબીર રોડના પરેશ ગોવિંદભાઇ હીરપરાને પકડી લઇ રૂ.૧,૬૧,૬૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ચાર શખ્સો  પકડાયા

ક્રાંઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત રાજદીપસિંહ ગોહીલ, હેડ કોન્સ ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરતસિંહ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ જયેશભાઇ, રાજદીપસિંહ અને ચેતનસિંહને મળેલી બાતમીના આધારે રામનાથપરા શેરી નં.૫માં દરોડો પાડી ટી.૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હરમેશ કિર્તીભાઇ લાઠીગરા (ઉ.વ.૩૫) તથા પ્રશાંત કિર્તીભાઇ લાઠીગરા (ઉ.વ.૩૩)ને પકડી લઇ રૂ.૫૬૦૦ની રોકડ તથા બે મોબાઇલ ફોન મળી રૂ.૧૫૬૦૦ની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં પીએસઆઇ એસ.વી.સાખરા તથા ભગીરથસિંહ ઝાલા સહિતે જામનગર રોડ પર ગોકુલ બંગ્લોઝ પાસે ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હિતેષ દલપતભાઇ ઠાકર (ઉ.વ.૩૨) અને વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા (ઉ.વ.૩૫)ને પકડી લઇ રૂ.૨૮,૯૬૦ની રોકડ કબ્જે કરી હતી જયારે જયદીપસિંહ અશોકસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.

ભગવતીપરાના મકાનમાંથી જુગાર રમતા છ પકડાયા

ભગવતીપરામાં મીયાણાવાસમાં મહિલાના મકાનમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે ભગવતીપરા મીયાણાવાસમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક રોશનબેન યુસુફભાઇ ચલાંગા (ઉ.વ.૪૫), અસ્લમ કરીમભાઇ ચલાંગા (ઉ.વ.૩૧) તોશીફ મહેબુબ સૈયદ (ઉ.વ.૨૭), રમઝાન કાસમભાઇ ચલાંગા (ઉ.વ.૩૧), ઇમરાન અબ્દુલભાઇ વરોંધ (ઉ.વ.૩૪) અને રૂખડીયાપરાના મુમતાઝબેન મોહંમદભાઇ કુંઢા (ઉ.વ.૩૫)ને પકડી લઇ રૂ.૫૧૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:48 pm IST)