Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ભારત-બાંગ્લાદેશ ટી-૨૦ મેચ સંદર્ભે ભારે વાહનોનો ટ્રાફિક ડાયવર્ટ કરાશેઃ પોલીસ કમિશનરનું જાહેરનામુ

રાજકોટ તા. ૪: ગુરૂવારે ૭મીએ ખંઢેરીના સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે ટી-૨૦ મેચ રમાવાનો હોઇ તે અંતર્ગત મેચ નિહાળવા રાજકોટ સહિત આસપાસના શહેરો-ગામોમાંથી ચાહકો ઉમટી પડશે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી સ્ટેડિયમ પહોંચવા કોઇને તકલીફ ન પડે તે માટે મેચના દિવસે અમુક રસ્તાઓનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. આ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા મુજબ ૭મીએ બપોરે ૧૨:૩૦ થી રાતના ૧૨:૦૦ સુધી અમદાવાદ-ભાવનગર તરફથી આવતા ભારે વાહનો મોરબી રોડ મિતાણા-ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે. પરંતુ મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ આવી શકશે નહિ.

જ્યારે પોરબંદર, જુનાગઢ તરફથી આવતા અને જામનગર તરફ જતાં હેવી વાહનો ગોંડલ ચોકડી થઇ બાયપાસ થઇ મોરબી રોડ મિંતાણા-ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકે. પરંતુ માધાપર ચોકડી તરફ આવી શકશે નહિ.

તેમજ કાલાવડ તરફથી આવતા ભારે વાહનો કેકેવી ચોક થઇ ગોંડલ રોડ ચોકડી થઇ બાયપાસ થઇ ગ્રીનલેન્ડ ચોકડી થઇ મોરબી રોડ મિતાણા-ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે. પરંતુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર કેકેવી ચોકથી માધાપર ચોકડી તરફ આવી શકશે નહિ. તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

ક્રિકેટ એસોસિએશનના વાહનો તથા એસટી બસ, સરકાબી વાહનો, શબવાહીની, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો તથા ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદી મેચ નિહાળવા જતાં વાહન ચાલકોને આ નિયમ લાગુ પડશે નહિ. તેમજ ખંઢેરી સ્ટેડિયમ તથા આસપાસના ગામોમાં રહેતાં વાહન ચાલકોએ આધારભુત પુરાવો રજૂ કરવો પડશે.

(3:59 pm IST)