Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

શહેરી વિસ્તારમાંથી હેલ્મેટ-સીટ બેલ્ટનો કાયદો હટાવોઃ વાહનચાલકો ત્રાહીમામ

ટુવ્હીલર ચાલકોને ઇજા માત્ર માથામાં જ નથી થતી, શરીરના બીજા ભાગોમાં પણ થાય છે...તો શું બખ્તર પહેરાવવા?...શહેરી વિસ્તારમાં હેલ્મેટના ફાયદા કરતાં ગેરફાયદા વધુઃ સીટ બેલ્ટનો નિયમ પણ ત્રાસદાયકઃ શિવસેનાએ કલેકટરને આવેદન પત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરી

રાજકોટ તા. ૪: નવા મોટર વ્હીકલ એકટ હેઠળ દંડ વસુલવાની કામગીરીનો પહેલી તારીખથી અમલ શરૂ થતાં જ પોલીસે હેલ્મેટ અને સીટ બેલ્ટના કેસ કરવાનું શરૂ કરી દઇ મસમોટો દંડ વસુલવાની શરૂઆત કરી છે. આદેશ મુજબ પોલીસ સતત આ કામગીરી ચાર દિવસથી કરી રહી છે. ચાર દિવસમાં જ હજારો વાહન ચાલકો પાસેથી લાખોનો દંડ વસુલી લેવાયો છે. ત્યારે આજે શિવસેનાએ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી વાહન ચાલકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદામાંથી મુકિત આપવા માંગણી કરી છે.

શિવસેનાના જીમ્મી અડવાણીની આગેવાની હેઠળ આગેવાનો, કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે પહોંચી કલેકટરશ્રી રૈમ્યા મોહનને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું છે કે શહેરમાં ટુવ્હીલર ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરી રાખવું અને કાર ચાલકોને ફરજીયાત સીટ બેલ્ટ બાંધવા એ ત્રાસદાયી બની ગયું છે. આ કાયદાનું પાલન નહિ કરનારા વાહન ચાલકોને મસમોટા દંડ ફટકારાય છે તે યોગ્ય નથી.

આગળ જણાવ્યું છે કે શહેરી વિસ્તારમાં સામાન્ય રીતે વાહનોની સ્પીડ ઓછી હોય છે અને અકસ્માતોની શકયતા નહિવત હોય છે. આવા સંજોગોમાં દરેક સિઝનમાં ટુવ્હીલર ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવું એ અત્યંત ત્રાસદાયક બની રહેશ. શહેરી વિસ્તારમાં હેલ્મેટના ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે, એવું જનતા અનુભવી રહી છે. આ મામલે ફેરવીચારણા કરવી જરૂરી છે.

આવી જ રીતે ફોરવ્હીલરના ચાલકો માટે ફરજીયાત સીટ બેલ્ટનો કાયદો પણ યોગ્ય નથી. ભારે ટ્રાફિક, બિસ્માર રસ્તાઓમાં ફોરવ્હીલર ચાલકોને પોતાની મંજીલ સુધી પહોંચવામાં નાકે દમ આવી જાય છે. આવા સંજોગમાં ધરાર સીટ બેલ્ટ બાંધી રાખવાનો કાયદો અત્યંત ત્રાસદાયક પરિસ્થિતિ પેદા કરે છે.

હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાનું પાલન કરાવવા માટે જે દંડ વસુલવામાં આવે છે તે પણ વાહન ચાલકોને દાઝયા પર ડામ જેવી હાલતમાં મુકે છે. સામાન્ય વાહન ચાલકો આર્થિક સંકડામણની હાલતમાં મુકાઇ રહ્યા છે. અમુક કિસ્સાઓમાં તો વાહનની કિમત કરતાં દંડની રકમ વધુ થઇ જતી હોય છે. કાયદો અને નિયમો પ્રજાના રક્ષણ અને સુખમય જીવન જીવવા માટેના હોય છે, નહિ કે જડ નિયમોથી જનતાના જાહેર જીવનને બાનમાં લેવા. ટુવ્હીલર ચાલકોને અકસ્માત દરમિયાન માથામાં જ ઇજા થાય એવું જરૂરી નથી. શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચતી હોય છે. તો શું જનતાએ આવી ઇજાઓથી બચવા બખ્તર પહેરીને વાહન ચલાવવાના? તેવો સવાલ શિવસેનાએ ઉઠાવ્યો છે.

લેખિત રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે જનતાની સુખાકારીની જો ચિંતા હોય તો  પહેલા ધારાધોરણ મુજબના સારા રસ્તા બનાવો. ગમે ત્યાં નિયમ વિરૂધ્ધના સ્પીડ બ્રેકરો મુકી દેવાયા છે તે દૂર કરાવો. ખરાબ રોડ રસ્તાને કારણે સર્જાતા અકસ્માતો અને વાહન ચાલકોને થતી ઇજા માટે જવાબદાર કોણ? ઠેર-ઠેર રસ્તામાં પડેલા ખાડાઓને કારણે વેઠવી પડતી મુશ્કેલીઓ માટે જવાબદારી કોણ લેેશે? આમ જનતા અને તંત્ર બંનેને કદાચ જવાબદાર ગણી શકાય. પરંતુ આકરા દંડથી પરાણે નિયમોનું પાલન કરાવવાનું જરાપણ યોગ્ય નથી. ફરજીયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદામાં ફેર વિચારણા થાય અને શહેરી વિસ્તારમાં આ કાયદામાંથી મુકતી અપાય તેવી માંગણી છે.

રજૂઆતમાં જીમ્મી અડવાણી, ચંદુ પાટડીયા, જયેશ વોરા, બિપીન મકવાણા, ધનરાજ ગોસ્વામી, રોહિત ગઢીયા, કિરીટ પીઠડીયા, કરણ મકવાણા, કિશન સિધ્ધપુરા, નિલેષ ચોૈહાણ, વિશાલ કવા સહિતના જોડાયા હતાં. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

(3:50 pm IST)