Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

૧૨મીએ ગુરૂનાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતિ : બુધવારે નગર કિર્તન

તા.૧૦ના અખંડ પાઠનો પ્રારંભ, ૧૨મીએ સમાપન : કિર્તન - લંગર પ્રસાદના કાર્યક્રમો : જંકશન પ્લોટ ગુરૂદ્વારા ખાતેથી નગર કિર્તન યાત્રાનો થશે પ્રારંભ : શહેરના રાજમાર્ગો ઉપર ફરશે : શીખ સમાજના આગેવાનો 'અકિલા'ની મુલાકાતે

રાજકોટ, તા. ૪ : શીખ અને સિંધી સમાજના ધર્મગુરૂ એવા શ્રી ગુરૂનાનક સાહેબજીની જન્મજયંતિ આવી રહી હોય રાજકોટ સ્થિત શીખ સમાજ દ્વારા નગર કિર્તન અખંડ પાઠ, કિર્તન, લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે.

'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલા શીખ સમાજના આગેવાનોએ જણાવેલ કે આગામી ૧૨ નવેમ્બરના રોજ ગુરૂનાનક સાહેબજીની ૫૫૦મી જન્મજયંતિ હોય આ અંતર્ગત તા.૬ના બુધવારના રોજ બપોરે ૨ વાગ્યે જંકશન પ્લોટ સ્થિત ગુરૂદ્વારા ખાતેથી નગરકિર્તન યાત્રાનો પ્રારંભ થશે. જે હંસરાજનગર, પરસાણાનગર, જુલેલાલ મંદિર,  રેફયુજી કોલોની, મોરબી હાઉસ, જામ ટાવર થઈ રેસકોર્ષ ખાતે વિરામ પામશે. ત્યાંથી સિંધી સમાજના આગેવાનો પણ જોડાશે. આ નગર કિર્તન યાત્રા ફરી રેસકોર્ષથી શરૂ થઈ 'અકિલા' સર્કલ, એસ્ટ્રોન ચોક, કિશાનપરા, લાઈફ બિલ્ડીંગ, જામટાવર થઈ ફરી ગુરૂદ્વારા ખાતે સમાપન થશે. ત્યારબાદ લંગર પ્રસાદનું પણ આયોજન થયુ છે. સમગ્ર નગર કિર્તન યાત્રામાં કચરો ન થાય તે માટે ખાસ એક વેન પણ રાખવામાં આવી છે.

ગુરૂનાનક સાહેબની જન્મજયંતિ અંતર્ગત ગુરૂદ્વારા ખાતે તા.૧૦ના સવારે ૧૦ વાગ્યે અખંડ પાઠનો પ્રારંભ થશે. જે તા.૧૨ના સવારે ૧૦ વાગ્યે સમાપન થશે. ત્યારબાદ બપોરે અર્ષદીપસિંઘ અમૃતસરવાળા, પરમસિંઘ અને દશરથભાઈજી કિર્તન રજૂ કરશે. તા.૧૧ના  રાત્રીના ૮ થી ૧૦ ભજન કિર્તન તેમજ લંગર પ્રસાદના પણ આયોજનો થયા છે.

ઉપરોકત તસ્વીરમાં શીખ સમાજના આગેવાનો સર્વશ્રી જલમીતસિંઘ ઢીલ્લોન (પ્રમુખ) મો.૯૮૨૪૨ ૧૦૬૦૬, મનમોહનસિંઘ નંદા (સેક્રેટરી), દર્શનસિંઘ (ટ્રસ્ટી), સરબપ્રિતસિંઘ બાહી (ટ્રસ્ટી), જ્ઞાનીપરમસિંઘજી ગુરૂદ્વારા, સરદારભાગસિંઘ ટીકે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:40 pm IST)