Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

હાથી, ગેંડા, રીંછ, સિંહ, વાઘ, ચિત્તા, દિપડા જેવા પ્રાણીઓ સુરક્ષિત રીતે વિચરી શકે તે માટે આપણે જાગૃત બનીએ

વિશ્વ વન્‍યપ્રાણી સપ્‍તાહ-૨૦૨૩:મનુષ્‍ય તેની વિવિધ જરૂરીયાતોથી વધુ કુદરતી સંશાધનો વાપરે છે જેની સીધી અસરો પ્રાણીઓના પ્રાકૃતિક રહેઠાણો :ઉપર પડે છે : જંગલો ઘટી રહ્યા છે... જાગો...

એક અંદાજ મુજબ વિશ્વમાં પશુ, પક્ષી, વનસ્‍પતિ, વિગેરે જીવ સૃષ્ટિની ૮૭ લાખ પ્રજાતિઓ છે. મનુષ્‍યની વધતી જતી વસ્‍તી અને તેની વિવિધ જરૂરિયાતોને હિસાબે વનો અને વન્‍યજીવો ઉપર ઘણી બધી પ્રતિકૂળ અસર થાય છે. અનેક કિસ્‍સામાં મનુષ્‍ય તેની જરૂરિયાતથી ઘણાં વધારે કુદરતી સંસાધનો ઉપયોગ કરે છે. પરિણામે કુદરતી વનો, કે જે વન્‍યજીવો નાં પ્રાકૃતિક રહેઠાણ છે, તે ઘટી રહ્યા છે. આપ સૌને દુઃખદ આર્ય થશે કે દર પાંચ મિનિટે પૃથ્‍વી પરથી એક પ્રજાતિ હંમેશ માટે વિલુપ્ત થઈ જાય છે!

 

કુદરતી જંગલો તથા વન્‍ય પ્રાણીઓનાં સંરક્ષણ અને સંવર્ધન બાબત જાગૃતિ ફેલાય તે હેતુથી આપણાં દેશમાં સન ૧૯૫૭ થી દર વર્ષે ૨જી થી ૮મી ઓક્‍ટોબર સુધી રાષ્ટ્રીય વન્‍યપ્રાણી સપ્તાહની ઉજવણી થાય છે. વિવિધ રાજયોનાં વન વિભાગ, શાળા, કોલેજો, તથા અનેક ક્ષેત્રનાં લોકો સાથે મળીને વનો અને વન્‍યપ્રાણીઓનાં મહત્‍વ વિશે જાણકારી મેળવે તેમજ જાગૃતિ ફેલાવે એ થીમ હેઠળ આ વર્ષે વન્‍યપ્રાણી સપ્તાહ ઉજવવામાં આવશે. સન ૧૯૭૨ થી વિશ્વ વન્‍યપ્રાણી સપ્તાહ પણ ઓક્‍ટોબરનાં પહેલાં અઠવાડિયામાં જ ઉજવાય છે.

હાથી, ગેંડા, રીંછ, સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, વિગેરે જેવાં મોટાં સસ્‍તન પ્રાણીઓને સુરક્ષિત રીતે વસવાટ કરવા માટે વિશાળ કુદરતી રહેઠાણોની જરૂર પડે છે. ભારત જેવાં એક અબજ ચાલીસ કરોડ માનવોની વસ્‍તી ધરાવતાં દેશમાં આ બધાં પ્રાણીઓ છે અને તેમની વસ્‍તી પણ ધીમે ધીમે વધી રહી છે, તે એક સુખદ આશ્ચર્ય છે! વિશ્વમાં ભારત એકમાત્ર દેશ છે કે જયાં જાજરમાન સિંહ અને સુંદર વાઘ બંને રહે છે. વિશ્વનાં ૧૩ દેશોમાં કુલ ૫૫૭૪ વાઘ છે. તેની ૯ માંથી ૬  ઉપપ્રજાતિઓ બચેલ છે. ભારતમાં આપણું રાષ્ટ્રીય પ્રાણી રોયલ બેંગાલ ટાઈગર ૫૪ ટાઈગર રિઝર્વમાં છે અને તેની સંખ્‍યા ૩,૬૮૨ સુધી પહોંચી ગઈ છે. એક સમયે એશિયાનાં અનેક દેશોમાં જોવાં મળતાં એશિયાઈ સિંહ ૧૯ મી સદીના અંત સુધીમાં માત્ર ગીર અને આજુબાજુનાં વિસ્‍તારોમાં ૬૦ થી ૧૦૦ ની સંખ્‍યામાં બચી ગયા હતાં. સન ૨૦૨૦ નાં પૂનમ અવલોકનનાં નિરીક્ષણ મુજબ ૬૭૪ સિંહો છે.

ચિત્તો વિશ્વમાં સૌથી વધુ ઝડપે દોડી શકતું પ્રાણી છે. તે ફક્‍ત ત્રણ જ સેકન્‍ડમાં ૦ થી ૯૬ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેની સૌથી વધુ ઝડપ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. સન ૧૯૦૦ માં વિશ્વમાં ભારત સહિત અનેક દેશોમાં એક લાખ જેટલાં ચિત્તા હતાં. હાલ દક્ષિણ અને પૂર્વ આફ્રિકાનાં પાંચ દેશોમાં ફક્‍ત ૭૦૦૦ ચિત્તા જ બચ્‍યાં છે. આફ્રિકાનાં અમુક દેશોમાં છુટ્ટી-છવાઈ વસ્‍તી છે, પરંતુ શિકાર અને બીજાં કારણોસર આ બધાં ચિત્તાનું ભવિષ્‍ય ધૂંધળું છે. ભારતમાં સન ૧૯૫૦ ની આજુબાજુમાં છેલ્લાં ચિત્તાનું મૃત્‍યુ થઈ ગયેલ. ત્‍યારથી ઇન્‍ડિયન બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ, ડો. એમ. કે. રણજીતસિંહજી, ડો. દિવ્‍યભાનુસિંહજી તથા અન્‍ય વૈજ્ઞાનિકોએ ભારતમાં ચિત્તાને પુનઃ પ્રસ્‍થાપિત કરવાનાં સૂચનો કરેલ. ત્‍યાર બાદ અમુક સંશોધન પેપર્સ પણ પ્રસિદ્ધ થયેલ. છેલ્લાં થોડાં વર્ષોમાં નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતનાં તજજ્ઞોએ ચિત્તા રી-ઈન્‍ટ્રોડકશન પ્રોજેક્‍ટ ઉપર કામગીરી કરી, મધ્‍ય પ્રદેશ અને રાજસ્‍થાન રાજયોનાં આરક્ષિત વિસ્‍તારોનો અભ્‍યાસ કર્યો. તા. ૧૭-૦૯-૨૦૨૨ નાં રોજ નામિબિયાથી ૮ ચિત્તા મધ્‍યપ્રદેશનાં કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાવવામાં  આવ્‍યાં. તેમાંથી એક માદાને ચાર બચ્‍ચાં આવ્‍યાં. અમુક ચિત્તા પોતાની મેળે શિકાર પણ કરવા લાગ્‍યા હતાં. ત્‍યાર બાદ દક્ષિણ આફ્રિકાથી તા. ૧૮-૦૨-૨૦૨૩ નાં રોજ બીજાં ૧૨ ચિત્તા લાવવામાં આવ્‍યાં. દરમિયાન ત્રણ બચ્‍ચાં અને છ પુખ્‍ત ચિત્તાનાં વિવિધ કારણોસર દુઃખદ મૃત્‍યુ થયાં. આ પાંચ વર્ષના પ્રોજેક્‍ટમાં કુલ ૫૦ આફ્રિકન ચિત્તા લાવવાનો પ્‍લાન છે.

 આ પ્રોજેક્‍ટ અમલમાં મુકાયો ત્‍યારથી જ વિવિધ કારણોસર તજજ્ઞો દ્વારા તેની તરફેણમાં અને વિરુદ્ધમાં ચર્ચાઓ થતી રહી છે. એક વન્‍યપ્રાણી અભ્‍યાસુ અને પ્રેમી તરીકે મને ખ્‍યાલ છે કે ચિત્તો એક શિકારી પ્રાણી હોવા છતાં મનુષ્‍ય પર ક્‍યારેય હુમલો કરતો નથી. મોટાં સસ્‍તન પ્રાણીઓને પુનઃ પ્રસ્‍થાપિત કરવા એ ઘણું જટિલ કાર્ય છે અને તેમાં મૃત્‍યુદર પણ ઊંચો રહી શકે છે. આપણાં દેશમાં વન્‍યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ દરેક વન્‍યજીવને કાયદાકીય રક્ષણ આપે છે, પરંતુ આફ્રિકામાં આવાં કોઈ કાયદા ન હોવાથી ત્‍યાં ચિત્તાની સંખ્‍યા ઝડપથી ઘટી રહી છે. આવાં કપરાં સંયોગોમાં આપણાં દેશે જે પહેલ કરેલ છે, તેને પ્રાથમિક મુશ્‍કેલીઓ પડી હોવા છતાં લાંબા ગાળે સફળતા મળે તો તે વિશ્વની સૌથી ઝડપી અને સુંદર પ્રજાતિનાં લાંબાગાળાનાં સંવર્ધન માટે ખૂબ જ મહત્‍વનું ઐતિહાસિક પગલું સાબિત થશે. મારે જયારે સન ૧૯૯૮ માં આફ્રિકા જવાનું થયું, ત્‍યારે મારે માટે ચિત્તા જોવાં અને તેની ફોટોગ્રાફી કરવી એ સૌથી રોમાંચક  બાબત હતી! જો ભારતમાં ચિત્તા ટ્રાન્‍સલોકેશન સફળ થશે, તો આવનારી પેઢીઓને આફ્રિકા સુધી નહીં જવું પડે! તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખ શ્રી સીરિલ રામાફોસા ઞ્‍૨૦ સમ્‍મિટમાં નવી દિલ્‍હી પધાર્યા હતાં, ત્‍યારે તેમણે પણ ભારત સરકારનાં આ પ્રયત્‍નને સહર્ષ બિરદાવેલ અને જણાવેલ કે દક્ષિણ આફ્રિકા ભવિષ્‍યમાં બીજાં ચિત્તા આપવા માટે તૈયાર છે.

 અંતમાં એક હળવી વાત! એક સજ્જન ને કોઈએ પૂછ્‍યું. ‘તમે ખુલ્લી ગાડીમાં સાસુજી અને પત્‍ની સાથે જતાં હોવ અને વાઘ સાવ નજીક આવી ચડે તો કોને બચાવશો?' ‘વાઘને! સાવ ઓછાં બચ્‍યાં છે!' સજ્જને નિખાલસ ઉત્તર આપ્‍યો!

અકિલાનાં સર્વે પર્યાવરણ પ્રેમી વાંચકોને વન્‍યપ્રાણી સપ્તાહ ૨૦૨૩ની અનેક શુભકામનાઓ.

: આલેખન :

ÛñWëHë ÕîÍûÝë

વન્‍યપ્રાણી તસવીરકાર

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ

મો. +૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭

(6:22 pm IST)