Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રાજકોટ જીલ્લામાં રસ્તાઓ બીસ્મારઃ સાંસદના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં મુદ્દો ગરમાયોઃ આવાસ યોજના અંગે પણ ટકોર

શહેરોમાં આવાસ યોજના બને છેઃ ગામડાઓમાં કોઈ કામકાજ જ થયા નથીઃ 'દિશા'ની મીટીંગ મળી : ગામડામાં આવાસ યોજના અંગે શહેરી વિકાસ ખાતાનું ધ્યાન દોરાશેઃ રસ્તાઓ તાકિદે રીપેર કરવા મોહનભાઈનો આદેશ

રાજકોટ, તા. ૪ :. રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહન તથા સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ પદે આજે ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો.ઓડી. એન્ડ મોનીટરીંગ કમિટી 'દિશા'ની મહત્વની બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી. બેઠકમાં રાજકોટ-મોરબી જિલ્લાના તમામ અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયત, આરટીઓ, મહાનગરપાલિકા, જીલ્લા રજીસ્ટ્રાર, ડીએસઓ, મધ્યાહન ભોજન, બીએસએનએલ, રેલ્વે, સર્વે ભવન, પીજીવીસીએલ વિગેરે ખાતાના અધિકારીઓને બોલાવાયા હતા.

આજની દિશાની મીટીંગમાં ૨૭ જેટલા મુદ્દાઓ અંગે ચર્ચા હતી, તેમા ખાસ કરીને રાજકોટ શહેર અને જીલ્લાના, નગરપાલિકા વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર બની ગયા છે, ભારે વરસાદે રોડ તોડી નાખ્યા છે, તે મુદ્દો ઉછળતા જ ગરમાગરમી સર્જાઈ હતી, તડાફડી થઈ હતી. આખરે તમામ રસ્તાઓ તાકીદે રીપેર કરવા સાંસદ મોહનભાઈએ આદેશો કર્યા હતા.બીજા મહત્વના મુદ્દામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ટકોર થઈ હતી. રૂડા-કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંખ્યાબંધ આવાસો ઉભા કરાયા હતા, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંખ્યાબંધ આવાસો ઉભા કરાયા, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં કોઈ કામ જ થયું નથી. રૂડા વિસ્તારના ગામો તથા રાજકોટ-મોરબી જીલ્લાના કોઈ ગામોમાં આવાસ યોજના બની નથી, આથી આ મુદ્દે કલેકટરશ્રીએ શહેરી વિકાસ ખાતાનંુ ધ્યાન દોરવાનું સૂચન કર્યુ હતું.

આ ઉપરાંત સ્માર્ટ સિટી મીશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈ ગ્રામ યોજના અંગે કોર્પોરેશન-જીલ્લા પંચાયતને સૂચના અપાઈ હતી.પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંગે કમળાપુરની પસંદગી અંગે જીલ્લા આયોજન અધિકારીને કહેવાયુ હતું.(૨-૨૦)

ગ્રીન લેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનો રસ્તો સિકસ લેન બનશે

ગોંડલ ચોકડીએ ઓવરબ્રીજ અંગે પણ ચર્ચા કરાઈ

રાજકોટ તા. ૪ :. સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં રાજકોટ કલેકટર કચેરી ખાતે રાજકોટ તેમજ મોરબી જિલ્લાની ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર(દિશા) મોનીટરીંગની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહન તેમજ મોરબી કલેકટર શ્રી જી.બી.પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ તેમજ મોરબીના રોડ રસ્તા સહીત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવા અધિકારીશ્રીઓને સૂચન કરાયા હતાં.

સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના રોડને સિકસ લેન કરવા, ગોંડલ ચોકડી ખાતે ઓવર બ્રીજ સહીત રોડ રસ્તાના કાર્યો વગેરે પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. રૂડા આવાસ યોજના, માં અમૃતમ કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ફસલ બીમાં યોજના વગેરે યોજનાઓ અન્વયે થયેલ કામગીરીની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

         આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસીયા, ડી.આર.ડી. એ.ચેરમેન શ્રી જયેશ પટેલ તેમજ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(4:07 pm IST)