Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઇ-સ્ટેમ્પીંગમાં હજુ પણ લાંબી કતારોઃ ભારે દેકારો

ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરોમાં ર૪ થી ૪૮ કલાકનું વેઇટીંગ : દરેક સેન્ટરોમાં વકીલો અને અન્ય અરજદારો માટે અલગ વ્યવસ્થા ગોઠવવા રેવન્યુ બારની રજુઆત

 ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં વકીલો તથા પક્ષકારોની લાંબી લાઇન દ્રશ્યમાન થાય છે.

રાજકોટ, તા.,૪: સમગ્ર ગુજરાત રાજયમાં ૧-૧૦-ર૦૧૯થી ફીજીકલ નોન જયુડીશ્યલ સ્ટેમ્પનું વેચાણ બંધ થયા બાદ ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં  હજુ પણ  લાંબી કતારો જોવા મળે છે. દરેક સેન્ટરોમાં હજુ પણ ર૪ થી ૪૮ કલાકના વેઇટીંગથી પક્ષકારો અને વકીલોમાં દેકારો બોલી ગયો છે.

ગુજરાત સરકારે ફિજીકલ નોન જયુડીશ્યલ સ્ટેમ્પનું વેચાણ બંધ કર્યા બાદ ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરો  પર પક્ષકારો અને  ઇ-સ્ટેમ્પીંગ પેપર મેળવવા માટે લાંબું વેઇટીંગ લીસ્ટ જોવા મળી રહયું છે. જે તે પક્ષકારો કે વકીલો  ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરો ઉપર  ઇ-સ્ટેમ્પીંગ કરાવવા માટે  જાય છે તો ફોર્મ આજે મુકી જાવ ર૪ થી ૪૮ કલાક પછી  ઇ-સ્ટેમ્પીંગ થશે તેવા જવાબો મળી રહયા છે. 

નવરાત્રીના દિવસોમાં મિલ્કત ખરીદીના મોટા પાયે દસ્તાવેજો થતા હોય છે ત્યારે ઇ-સ્ટેમ્પીંગ લેવા માટે પક્ષકારો અને વકીલો ભારે દોડધામ કરતા નજરે પડયા હતા. ખુદ વકીલોને પણ લાઇનમાં ઉભુ રહેવું પડે છેે.  આજે જુની કલેકટર કચેરી ખાતે અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં આવેલ ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરોમાં પક્ષકારો અને વકીલોની મોટી લાઇનો જોવા મળી હતી.

ફીજીકલ સ્ટેમ્પમાં જે તે અરજદારો કે વકીલોને ડાયરેકટ બેથી ત્રણ મીનીટમાં સ્ટેમ્પ મળી જતા હતા જયારે ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતીમાં દરેક પક્ષકારો કે વકીલોને કલાકોના કલાકો સુધી રાહ જોવી પડે છે. હજારો કે લાખોના સ્ટેમ્પ માટે પણ પક્ષકારોને હેરાનગતી ભોગવવી પડે છે. 

દરમિયાન ઇ-સ્ટેમ્પીંગ પેપરો મેળવવામાં થતી મુશ્કેલી અને રેવન્યુ બારના પ્રમુખ  સી.એચ.પટેલ, ડી.ડી.મહેતા, રાજભા ઝાલા, જયેશ બોઘરા, એન.વી.પટેલ, આનંદ પરમાર સહિતના વકીલો ડે. કલેકટર જેગોડાને મળી દરેક ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્ર પર વકીલો અને અન્ય પક્ષકારો માટે અલગ વ્યવસ્થા ગોઠવવા રજુઆત કરી હતી. તેમજ રાજકોટમાં ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો બંધ હોય તે તાકીદે ચાલુ કરવા રજુઆત કરી હતી.

ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરોમાં લાંબા વેઇટીંગથી અનેક મિલ્કતોનના દસ્તાવેજ નોંધણીની કામગીરી ખોરંભે પડી છે. બીજી બાજુ નાના માણસોને પણ સામાન્ય કામ માટેના સોગંદનામા માટે ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં કતારમાં ઉભા રહેવું પડે છે. સરકારના આ નિર્ણય સામે પ્રજામાં ભારે રોષ પ્રવર્તી રહયો છે.

(4:01 pm IST)