Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અઠવાડીયામાં ઇ-સ્ટેમ્પીંગ માટે નવા ૫૦૦ કેન્દ્રો ચાલુ થઇ જશે

રાજકોટમાં કતારો લાગ્યાના વાવડ મળતા સરકારે તપાસ શરૂ કરાવી : સ્ટેમ્પ વેન્ડર, નોટરી, સી.એ.વગેરે સહિત ૧૪૦૦ અરજીઓ આવી, ૨૦૦ને યુઝર આઇ.ડી. અપાઇ ગયાઃ સ્ટેમ્પ ડયુટી અધિક્ષક ડી.જી.પટેલની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા. ૪ :. રાજ્ય સરકારે ફીઝીકલ સ્ટેમ્પ પેપરના વિકલ્પે તા. ૧ ઓકટોબરથી અમલી બનાવેલ ડીજીટલ (ઈ સ્ટેમ્પીંગ) સ્ટેમ્પીંગ વ્યવસ્થા બરાબર ન ગોઠવાતા દેકારો બોલી ગયો છે. હાલ રાજકોટમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ કેન્દ્રોમાં ઈ સ્ટેમ્પીંગ શકય બને છે. તેના કારણે ઈ-સ્ટેમ્પીંગ માટે લાઈનો લાગી છે. સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશનના પુરતા કેન્દ્રોના અભાવે સર્જાયેલી વિકટ પરિસ્થિતિની વાત સરકાર સુધી પહોંચતા સરકારે તપાસ શરૂ કરાવી છે. નવા કેન્દ્રો મંજુર કરવાની ગતિ વધારી છે. અઠવાડિયામાં જ નવા ૫૦૦ કેન્દ્રો શરૂ કરવાનો પ્રયાસ છે.આ અંગે રાજ્યના સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ એન્ડ ઈન્સપેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન શ્રી ડી.જી. પટેલ (આઈ.એ.એસ.)ને પૂછતા તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે રાજ્યમાં નિયત કંપનીના માધ્યમથી ઈ સ્ટેમ્પીંગ કેન્દ્ર ખોલવા માટે અગાઉના સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટડ એકાઉન્ટન્ટ વગેરે સહિત ૧૪૦૦ અરજીઓ આવી છે. જેમાથી ૨૦૦ને ફાઈનલ યુઝર આઈ.ડી. આપી દેવામાં આવ્યા છે. તેઓ પ્રિન્ટીંગ મશીન સહિતની જરૂરી વ્યવસ્થા કરી એક-બે દિવસમાં જ સ્ટેમ્પીંગ કેન્દ્ર ચાલુ કરી શકશે. બાકીની અરજીઓ પર નિર્ણય પ્રક્રિયા ચાલી રહી છે. મહત્તમ એક અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫૦૦ કેન્દ્રો શરૂ થઈ જાય તેવી સરકારની ગણતરી છે.

રાજકોટમાં 'ઈ-સ્ટેમ્પીંગ'માં સમસ્યા અંગે તેમણે પોતે તપાસ કરાવી રહ્યાનો નિર્દેષ કર્યો હતો.

(4:01 pm IST)